૩૭ વર્ષની વયે થાઈલેન્ડના સૌથી યુવાન  પૈતોંગતાર્ન શિનાવાત્રા વડાંપ્રધાન બન્યા

બેંગકોક: થાઈલેન્ડની સંસદે પૈતોંગતાર્ન શિનાવાત્રાને વડાંપ્રધાન પદ માટે પસંદ કર્યાં છે. તેઓ દેશના સૌથી યુવાન વડાંપ્રધાન છે. ૨ દિવસ પહેલાં જ થાઈલેન્ડની સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન શ્રેથા થાવિસિનને પદ પરથી બરતરફ કરી દીધાં હતાં. તેમની પર નૈતિક નિયમોનું ઉલ્લંઘન કરીને એક પૂર્વ ગુનેગારની કેબિનેટમાં નિમણૂક કરવાનો આરોપ હતો. ૩૭ વર્ષના પેતોંગતાર્ન થાઈલેન્ડના પૂર્વ વડાંપ્રધાન થાકસિન શિનાવાત્રાની સૌથી નાના દીકરી છે. તેમના પિતા સિવાય તેમના કાકી યિંગલક પણ થાઈલેન્ડના વડાંપ્રધાન રહી ચૂક્યાં છે, તેઓ દેશના સૌથી યુવાન અને બીજા મહિલા વડાંપ્રધાન છે.

શિનાવાત્રા પોતાના પરિવારના ત્રીજા સભ્ય છે જે આ પદ સુધી પહોંચ્યા છે. તેમના પિતા થાકસિન શિનાવાત્રા ગયા વર્ષે જ ૧૫ વર્ષના દેશનિકાલ બાદ દેશ પરત ફર્યાં હતાં. થાકસિનને વર્ષ ૨૦૦૧માં પહેલી વખત થાઈલેન્ડના વડાંપ્રધાન પસંદ કરવામાં આવ્યા હતાં પરંતુ ૨૦૦૬માં તખ્તાપલટ બાદ તેમનો દેશનિકાલ થઈ ગયો. થાઈલેન્ડના રાજકારણમાં પેતોંગતાર્ન ખૂબ લોકપ્રિય છે. ગત ચૂંટણીઓમાં પણ તેમણે ગર્ભવતી હોવા છતાં ખૂબ પ્રચાર કર્યો હતો. તેમની ફ્યૂ થાઈ પાર્ટી ૨૦૨૩ ની ચૂંટણીમાં બીજા સ્થાને હતી. તેમના પરિવારની પણ થાઈલેન્ડના રાજકારણમાં સારી પકડ રહી છે. આ કારણ છે કે તેમને જનતાનું ખાસ્સું સમર્થન મળ્યું છે. લગભગ ૪૮ કલાક પહેલા થાઈલેન્ડની બંધારણીય કોર્ટે શ્રેથા થાવિસિનને વડાંપ્રધાન પદથી બરતરફ કરી દીધાં હતાં. તેમની પર જેલની સજા કાપી ચૂકેલા એક વકીલને કેબિનેટ મંત્રી બનાવવાનો આરોપ હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution