જુનાગઢ,આજે કારતક સુદ અગિયારસ એટલે કે પરિક્રમા વિધિવત રીતે શરૂ થવાનો દિવસ છે .ત્યારે આજના પવિત્ર દિવસે મુચકુંદ મહાદેવ મંદિર ખાતે ૩૨થી વધુ સંસારીઓએ સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો.જેમાં ૨૬ જેટલા પુરુષો અને ૬ મહિલાઓએ વિધિવત રીતે સંસારનો ત્યાગ કરી ભગવો ધારણ કર્યો હતો. જુનાગઢ મુચકુંદ મહાદેવ મંદિર ખાતે આ દીક્ષા લેવાની પરંપરા શિવરાત્રી સમયથી શરૂ છે. આ પહેલા પણ શિવરાત્રી સમયે , ગુરુ પૂર્ણિમા સમયે અને હાલમાં આજે ગિરનાર પરિક્રમા શરૂ થવાના વિધિવત દિવસે ૩૨થી વધુ સંસારીઓએ દીક્ષા ધારણ કરી છે. અત્યાર સુધીમાં ૫૫૦ થી વધુ સાંસારીઓએ સન્યાસ ધારણ કરી સનાતન ધર્મને આગળ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.આ તમામ લોકોએ પોતાની રોજિંદી જીવનશૈલી છોડી સનાતન ધર્મ માટે અને પોતાના ગુરુમંત્રને સાર્થક કરવા સેવાભાવ અને સમાજ માટેના ઉત્તમ કાર્યો કરવાની નેમ લીધી હતી. આ દીક્ષાર્થીઓમાં એક મહિલા તબીબે પોતાની સવલતભરી જિંદગી છોડી ભગવો ધારણ કર્યો હતો. પોરબંદરના વતની અને ગાયનેક મહીલા ડો. જીયા રાઠોડે જણાવ્યું હતું કે, સનાતન ધર્મથી મોટું કંઈ જ નથી. અને મૃત્યુ એ બધાનું નિશ્ચિત છે. ત્યારે સદગુરુના આશીર્વાદથી સનાતન ધર્મની રક્ષા માટે આ દિક્ષા ધારણ કરવાનું નક્કી કર્યું છે. કારણકે સંસારમાં રહીને ઈશ્વરને પામી ન શકાય અને ભજન પણ ન થઈ શકે. ત્યારે મારા વ્યવસાયમાં ઇમરજન્સી કામકાજ અને દર્દીઓના કોલ આવે છે. તે બધું છોડી આજે સદગુરુના આશીર્વાદથી સનાતન ધર્મ માટે દીક્ષા ગ્રહણ કરી છે. મહામંડલેશ્વર મહેન્દ્વાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે, જૂનાગઢની પાવન ભૂમિ પર ગિરનારી મહારાજના સાનિધ્યમાં મુચકુંદ ગુફા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દીક્ષા મહોત્સવ યોજાયો હતો. આ તમામ લોકોએ પોતાનું ભૌતિક સાંસારિક જીવન છોડી સનાતન ધર્મની સેવા માટે પોતાનું જીવન અર્પણ કર્યું છે.