મુંબઇ
બિગ બોસ 14ના આગામી એપિસોડમાં સિંગર રાહુલ વૈદ્યએ સૌને ચોંકાવી દીધા છે. રાહુલે પોતાની ગર્લફ્રેન્ડનું નામ લીધું એટલું જ નહીં તેણે નેશનલ ટેલિવિઝન પર તેને પ્રપોઝ કરી છે. આજ રાતના એપિસોડમાં રાહુલ વૈદ્ય તમામ કન્ટેસ્ટન્ટ્સ અને દુનિયાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરશે. રાહુલ છેલ્લા બે વર્ષથી એક્ટ્રેસ દિશા પરમારને ડેટ કરી રહ્યો છે.
બિગ બોસ 14ના નવા પ્રોમોમાં રાહુલ કહેતો જોવા મળે છે, "આજે મારા માટે ખૂબ ખાસ દિવસ છે. મારા જીવનમાં એક યુવતી છે અને તેનું નામ દિશા પરમાર છે. ભગવાન! હું આટલો નર્વસ ક્યારેય નથી થયો. મને નથી ખબર કે તને પૂછવા માટે આટલો સમય કેમ લાગ્યો- શું તું મારી સાથે લગ્ન કરીશ?"
રાહુલે દિશાના નામનું ટી-શર્ટ પહેર્યું હતું. રાહુલની ટી-શર્ટ પર પાછળની તરફ લિપસ્ટિકથી 'વિલ યુ મેરી મી' લખેલું છે. નેશનલ ટીવી પર રાહુલે દિશાને પ્રપોઝ કરતાં ઘરના બાકીના કન્ટેસ્ટ્ન્ટ્સ ખુશ થઈ ગયા હતા. તો રાહુલે આગળ કહ્યું, "હું જવાબની રાહ જોઈશ." રાહુલના કહેવા અનુસાર તે અને દિશા બે વર્ષથી એકબીજાને ઓળખે છે. દિશા વિશે રાહુલે કહ્યું- "મને લાગે છે કે તું આ દુનિયાની સૌથી સુંદર યુવતી છે." રાહુલે રિંગ સાથે ઘૂંટણિયે બેસીને દિશાને પ્રપોઝ કરી હતી. રાહુલનું આ પ્રપોઝલ જોઈને બિગ બોસના ઘરના કન્ટેસ્ટ્ન્ટ્સ પણ ઉત્સાહમાં આવી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, આજે 11 નવેમ્બરના રોજ દિશા પરમારનો જન્મદિવસ છે. રાહુલે લેડી લવનો દિવસ ખાસ બનાવવા માટે તેના પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરવાનું નક્કી કર્યું છે. જણાવી દઈએ કે, સીરિયલ 'પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા'ની એક્ટ્રેસ દિશા પરમાર અને રાહુલ વૈદ્ય વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હોવાની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જો કે, રાહુલે બિગ બોસના ઘરમાં જતા પહેલા દિશા તેની સારી મિત્ર હોવાનું રટણ કર્યું હતું. હવે એવું લાગી રહ્યું છે કે, રાહુલે અત્યાર સુધી આ વાત છુપાવી કારણકે તે પ્રપોઝ કરવા માટે ખાસ દિવસનો રાહ જોતો હતો. હવે રાહુલ ઘરની બહાર આવશે ત્યારે દિશા અને તેની મુલાકાત રસપ્રદ અને રોમાંચક બની રહેશે.