મહિષાસૂરના વંશજાેની ભાષાને બચાવવા શરૂ થયું અસુર રેડિયો સ્ટેશન!

લેખક : દીપક આશર | 


એક જમાનો હતો, જ્યારે રેડિયો પર લોકો ક્રિકેટ મેચની કોમેન્ટરી આખો દિવસ સાંભળતાં હતાં, એક જમાનો હતો, જ્યારે રાતે ૮ વાગ્યે બિનાકા ગીતમાલા આવતી ત્યારે લોકો નવા ગીતોના રેન્કિંગ અમીન સયાનીના અવાજમાં સાંભળવા બેસી જતાં હતાં. આજે રેડિયોનો જમાનો જતો રહ્યો છે. હવે કોઈ કંપની રેડિયો બનાવતી નથી. રેડિયો હવે મોબાઇલમાં ડિજિટલ વર્ઝન પોડકાસ્ટમાં મળી રહ્યો છે. લોકો એફએમના નામે મોબાઇલમાં રેડિયો સાંભળે છે. અને હવે રેડિયોનું લેટેસ્ટ વર્ઝન પોડકાસ્ટ આવી ગયું છે. તમે તમારાં મોબાઇલમાં પોડકાસ્ટ સાંભળી શકો છો.

પણ શું તમે માનશો, આ જ રેડિયો આજે કોઈના જીવન મરણનો તારણહાર બન્યો છે. રેડિયોના આ ડિજિટલ વર્ઝનના સહારે ઝારખંડના એક આદિવાસી સમૂહે પોતાની લુપ્ત થઈ રહેલી ભાષાને બચાવવા આખું રેડિયો સ્ટેશન ઊભું કરી દીધું છે!? આ આદિવાસી સમુહ બીજાે કોઈ નહીં પણ રાક્ષસ મહિષાસુરના વંશજ છે. એટલે એવું કહી શકાય કે, મહિષાસુરના વંશજાેની ભાષાને બચાવવા હવે પોડકાસ્ટ કામ આવી રહ્યું છે.

ઝારખંડના અસુર આદિવાસી સમાજે તાજેતરમાં એક મોબાઇલ રેડિયો સ્ટેશન શરૂ કર્યું છે. સ્થાનિક લેવલ પર રેડિયો કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. એક ઝુંપડીમાં પોડકાસ્ટ પર અવાજ સંભળાઈ રહ્યો છે, દાહા-દાહા તુર... ધનતિના ધન તુર... નોઆ હેકે અસુર રેડિયો (મતલબ કે, આઓ-આઓ ગાઓ, નાચો, બોલો... આ છે અસુર અખાડા રેડિયો.) ઝુંપડામાં રેડિયો સ્ટેશન નજીક લોકો ભેગાં થાય છે અને પછી શરૂ થાય છે વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ.

ઝારખંડમાં ૩૨ આદિવાસી સમૂહ છે. આ ૩૨માંથી ૯ સમૂહ લગભગ લુપ્ત થવાના આરે છે. અસુર આદિવાસી આમાંનો એક સમૂહ છે. રાંચીથી ૧૫૦ કિમી દૂર ગુમલા અને લાતેહર જિલ્લાની વચ્ચે એક નેતરહાટ પઠાર છે. અસુર સમુદાય અહીં જ વસે છે. યુનેસ્કોના આંકડાઓ મુજબ, અસુર આદિવાસી સમૂહના હાલ માત્ર ૭૦૦૦ લોકો જ બચ્યાં છે.આ સમૂહ દ્વારા બોલાતી અસુર ભાષાને યુનેસ્કોએ ડેફિનેટલી ઇનડેન્જર્ડ કેટેગરીમાં મૂકી દીધી છે. એટલે કે, ગમે ત્યારે આ ભાષા લુપ્ત થઈ જશે. અસુર સમુદાયની નવી પેઢી તો આ ભાષા બોલતી પણ નથી. નવી પેઢી નાગપુરી અથવા તો હિંદી ભાષાનો પ્રયોગ કરે છે.

અસુર ભાષા પર ખતરો હોવાથી આ સમુદાયના વડીલોએ ભાષાને બચાવવા માટે અસુર રેડિયો સ્ટેશન શરૂ કરી દીધું છે. આ મોબાઇલ રેડિયોનું પ્રસારણ બે વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું. આ રેડિયો પ્રસારણ ગામની ઝુંપડીઓમાં પણ લોકોએ સાંભળ્યું અને પોડકાસ્ટ પર પણ પ્રસારિત થયું હતું. એટલું જ નહીં અસુર રેડિયોની પોતાની યૂ-ટ્યૂબ ચેનલ પણ છે. ફેસબુકનું પેજ પણ છે અને સાઉન્ડ ક્લાઉડ પર એક ચેનલ સાથે પ્રસારણ કરવામાં આવે છે!

અસુર આદિવાસી મોબાઇલ રેડિયોના નામે પોતાની વેબસાઇટ પણ છે. હાલ અઠવાડિયામાં ચાર દિવસ અલગ-અલગ કાર્યક્રમોનું પ્રસારણ થઈ રહ્યું છે. આ નાનકડાં મોબાઇલ રેડિયો સ્ટેશનને ચલાવવા માટે એક લેપટોપ, એક માઇક્રોફોન, ૫૦ વોટની એક સોલર પેનલ અને એક સાઉન્ડ બોક્સની જરૂર પડે છે. ઝારખંડના અંતરિયાળ વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટીનો કોઈ ભરોસો હોતો નથી એટલે સોલાર પેનલનો ઉપયોગ કરવામાં આવે છે.

આદિવાસીઓ પોતાને ખુદ પ્રકૃતિના પૂજક ગણે છે. અસુર આદિવાસી પણ પ્રકૃતિના પૂજક છે. સિંગબોગા અસુર આદિવાસીઓના પ્રમુખ હોય છે. સડસી કુટાસી આ આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે. આ તહેવારના દિવસે આદિવાસીઓ પોતાના ઓજારો અને ઓજાર ગાળવાની ભઠ્ઠીની પૂજા કરે છે. અસુર આદિવાસીઓ પોતાને મહિષાસૂરના વંશજ માને છે. હિન્દુ ધર્મમાં મહિષાસુરને એક રાક્ષસ માનવામાં આવે છે, એટલે કે, અસુર. મહિષાસુરનો વધ દુર્ગા માતાએ કર્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં દુર્ગા પૂજા દરમિયાન અસુર સમુદાયના લોકો શોક મનાવે છે! આ સમુદાયનું નામ અસુર આ માટે પણ પાડવામાં આવ્યું છે.

મહિષાસુરના આ વંશજાેની ભાષાને બચાવવા માટે ખરેખર મહેનત કોણ કરી રહ્યું છે, એ પણ જાણવા જેવું છે. ઝારખંડી ભાષા સાહિત્ય સંસ્કૃતિ અખાડા એક સામાજિક સંસ્થા છે. આ સંસ્થાના જનરલ સેક્રેટરી અને રેડિયો પ્રોગ્રામના કન્વીનર વંદના ટેટેનું કહેવું છે કે, વિલુપ્ત થઈ રહેલી ઝારખંડની અનેક ભાષાઓમાં અસુર પણ સામેલ છે. વંદના કવિયત્રી પણ છે અને અગાઉ અનેક જનઆંદોલનમાં ભાગ લઈ ચૂકી છે. વંદના અગાઉ આદિવાસીઓ પર ઘણાં પુસ્તકો પણ લખી ચૂક્યાં છે. વંદના પોતાના સાહિત્યને ઓરેચર કહે છે, મતલબ કે, ઓરલ લિટરેચર.

વંદનાનું કહેવું છે કે, અસુરોની માતૃભાષા ખતરામાં છે. અમે છેલ્લાં ૧૫ વર્ષથી આ વિસ્તારમાં કામ કરી રહ્યાં છીએ. દરેક નવી ટેક્‌નીક સાથે આ ભાષાને જાેડવાની કોશિશ કરી હતી, પણ મોબાઇલ રેડિયો ટેક્‌નોલોજી સૌથી વધુ કારગત સાબિત થઈ છે. અલબત્ત, અહીં એવું કહી શકાય કે, અભણ અસુરો પણ મોબાઇલનો યૂઝ કરતાં હશે. કારણ કે, વંદના કહે છે કે, પોતાની ભાષાને મોબાઇલમાં સાંભળીને અસુરોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. હજુ પોડકાસ્ટ લોકોએ મોબાઇલ પર ડાઉનલોડ નથી કર્યું, તેઓ શીખી રહ્યાં છે. હાલ આ આદિવાસીઓ વોટ્‌સએપ પર લિંક મેળવીને રેડિયોનું પ્રસારણ સાંભળી રહ્યાં છે.

આ ભગીરથ કામમાં વંદનાનો સહયોગ કરી રહેલાં પ્રો. મહેશ અગુસ્ટીનનું કહેવું છે કે, આ એક જ દિવસમાં શક્ય નથી બન્યું. અમે બધા વિલુપ્ત થઈ રહેલી જનજાતિઓ સાથે છેલ્લાં એક દાયકાથી કામ કરી રહ્યાં છીએ.ઝારખંડનો આ આદિવાસી સમુદાય અસુર ભાષા સિવાય બીજી એકેય ભાષા સમજતો નથી. આવામાં હવે આ રેડિયો અમને ખુબ જ કામ આવી ગયો છે.

અલબત્ત આટલું જ નહીં, અસુર આદિવાસીની વેબાસાઇટ, પોડકાસ્ટ, ફેસબુક પેજ બધું જ છે!! અસુર આદિવાસી મોબાઇલ રેડિયો નામની તેઓની અપ ટુ ડેટ વેબસાઇટ છે. આ વેબસાઇટ નિયમિત અપડેટ થાય છે. આ ઉપરાંત તેઓનું ફેસબુક પેજ પણ છે. ચાર હજાર લોકો આ ફેસબુક પેજને ફોલો કરે છે. હજુ ઊભાં રહો, આટલું જ નહીં અસુરોનું પોડકાસ્ટ પણ છે, જેનાં પર તમે મોબાઇલમાં આસાનીથી રેડિયો સાંભળી શકો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution