વડોદરા : ‘ગુજસીટોક’ હેઠળ વડોદરામાં નોંધાયેલા સૌ પ્રથમ ગુનામાં બિચ્છુગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયો અને મુન્નો તડબૂચ હજુ સુધી પોલીસ પકડથી દૂર રહ્યા છે. ત્યારે બંને માથાભારે ઈસમોની મિલકતો શોધવામાં પણ પોલીસને મોટી સફળતા લાગી નથી. કારણ કે, મોટાભાગની મિલકતો બીજાના નામે ખરીદાઈ હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ ગુનાખોરીમાંથી કમાયેલા નાણાનું રોકાણ રિયલ એસ્ટેટમાં કરાવનાર જગ્ગુના કારનામાઓની વિગત પોલીસ મેળવી રહી છે.
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ગયેલી ટીમો પૈકી એક ટીમને અસલમ બોડિયો મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે છેલ્લે દેખાયો હોવાની જાણકારી મળી હતી, પરંતુ ત્યાર બાદ એ મધ્યપ્રદેશ તરફ ભાગી છૂટયો હોવાનું લાગી રહ્યું છે. ત્યારે મુન્ના તડબૂચ સહિત બિચ્છુગેંગના અન્ય ૧૨ જણાની શોધખોળ ક્રાઈમ બ્રાન્ચ ચલાવી રહી છે.
અગાઉ પોલીસે જણાવ્યું હતું કે, બિચ્છુગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયાની મિલકતોની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચે તેના મહેબૂબપુરા
વાડી અને તાંદલજાના મકાનોમાં છાપા મારીને મહત્ત્વના દસ્તાવેજાે કબજે કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, બોડિયાની દુકાનો, મકાનો, વાહનો અને બેન્ક ખાતાની માહિતી પણ મેળવાઈ છે જેના આધારે તેની પાસે કેટલી મિલકતો છે અને કોના નામે મિલકતો છે તેની તપાસ કરાઈ રહી છે, તેના વાહનોની પણ તપાસ કરાઈ રહી છે. પોલીસની તપાસમાં બિચ્છુગેંગના અસલમ બોડિયા અને મુન્ના તડબૂચ પાસે ૧૦ કરોડથી વધુની મિલકતો હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તપાસમાં ખાસ બહાર આવ્યું નથી.
બીજી તરફ બોડિયાની ૪૦ રિક્ષાઓ હોવાનું જણાયું હતું. સર્ચમાં મળેલા દસ્તાવેજાેનો પણ અભ્યાસ કરાઈ રહ્યો છે. જ્યારે મુન્ના તડબૂચની મિલકતોની તપાસ દરમિયાન તેણે ચાર વર્ષ પહેલાં નવાપુરામાં એક બિલ્ડિંગ બનાવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. કુંઢેલામાં આવેલા મુન્ના તડબૂચના ફાર્મ હાઉસના દસ્તાવેજાે ચકાસાતાં તે દિવાળીપુરાના માજી સરપંચ યુનુસ પટેલના નામે હોવાનું બહાર આવ્યું હતું.
મુન્ના તડબૂચની ર૪ ડુપ્લેક્સની બાંધકામની સ્કીમ પર પણ પોલીસે દરોડા પાડી દસ્તાવેજાે ચકાસતાં આ સ્કીમમાં મુન્નો તડબૂચ પ૦ ટકાનો ભાગીદાર હોવાનું બહાર આવ્યું હતું. આ સ્કીમમાં પણ કુંઢેલાના માજી સરપંચ યુનુસ પટેલના પુત્ર મોહસીન યુનુસ પટેલની રપ ટકા હિસ્સેદારી અને છાણીના સોહેલ પટેલની રપ ટકા હિસ્સેદારી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને જાણવા મળ્યું હતું કે, કન્સ્ટ્રકશનની સાથે મુન્નો તડબૂચ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતો હતો જેથી તેના ટ્રાવેલ્સના વ્યવસાય વિશે પણ માહિતી મેળવવાનું શરૂ કર્યું છે. તડબૂચની નવાપુરામાં બંધાયેલી બિલ્ડિંગની પણ તપાસ ચાલી રહી છે. આ વ્યવસાયમાં બિલ્ડર જગ્ગુની સંડોવણી હોવાથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચની પાંચ ટીમો ફરાર થઈ ગયેલા અસલમ બોડિયો અને મુન્ના તડબૂચ સહિત આરોપીઓની શોધખોળ કરી રહી છે. પોલીસની ટીમો રાજસ્થાન, પંચમહાલ-ગોધરા, ભરૂચ, જંબુસર તેમજ મહારાષ્ટ્રના નંદુરબાર અને મધ્યપ્રદેશ ખાતે તપાસ કરી રહી છે. ટીમોએ બોડિયા અને તડબૂચ સહિતના આરોપીઓના આશ્રયસ્થાનો પર પણ દરોડા પાડયા હતા. તેમ છતાં અસલમ કે મુન્નાના કોઈ સગડ હાથ લાગ્યા નથી. ત્યારે બંનેને ઝડપી પાડવા પોલીસ તેની રણનીતિ બદલે એવી સંભાવના ઊભી થઈ છે.