વડોદરા : ગોત્રીના ચકચારી દુષ્કર્મકાંડના મુખ્ય આરોપી અશોક જૈનના રિમાન્ડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચમાં પૂછપરછ સહિતની અન્ય કાર્યવાહી શરૂ થઈ છે. ગઈકાલે અત્રેની હોસ્પિટલમાં અશોક જૈનના પોટેન્સી ટેસ્ટમાં સ્પર્મના નમૂના લેવામાં પોલીસને નિષ્ફળતા મળતાં આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ટેસ્ટ પોઝિટિવ આવતાં વીર્યના નમૂના લેવાયા હોવાનું એસઆઈટી (સીટ)ના વડા એસીપી ડી.એસ.ચૌહાણે જણાવ્યું છે અને ઉમેર્યું છે કે, આખા મામલામાં મહત્ત્વનો મનાતો અશોક જૈનનો ફોન રિકવર કર્યા બાદ ડેટા રિકવરી માટે એફએસએલમાં મોકલી દેવાયો છે.
હાઈપ્રોફાઈલ રેપકાંડમાં પીડિતા અને આરોપી પક્ષ દ્વારા સામ-સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પીડિતાના ફોટા અશોક જૈન દ્વારા અલ્પુ સિંધીને મોકલાયા હતા કે નહીં? એની સાચી માહિતી અશોક જૈનના જપ્ત કરાયેલા મોબાઈલ ફોનનો ડેટા રિકવર માટે એફએસએલમાં મોકલાયો છે. ઘટનાસ્થળ નિસર્ગ ફલેટ અને હેલિગ્રીન ઉપર રિ-કન્સ્ટ્રકશન માટે આરોપી અશોક જૈનને રવિવારે લઈ જવાશે એમ એસીપી ડી.એસ.ચૌહાણે જણાવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આખા મામલામાં આકર્ષણુનં કેન્દ્ર બનેલા બૂટલેગર અલ્પુ સિંધીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે જેમાં પીડિતા સાથે છેલ્લાં આઠ મહિના ઉપરાંતના સમયથી મિત્રતા હોવાનું જણાવી પીડિતાના માતા-પિતા અને ભાઈ સાથે પણ સંપર્ક હોવાનું અલ્પુ સિંધીએ જણાવ્યું હતું.
દુષ્કર્મ અંગે યુવતીએ અલ્પુ સિંધીને વાત કર્યા બાદ તારે શું કરવું છે એવું પૂછતાં એ પ્રથમ વતન ગઈ હતી અને ત્યાં ભાઈ સાથે ચર્ચા કર્યા બાદ પરત ફરી હતી અને અલ્પુ સિંધીને ફરિયાદ કરવામાં મદદ કરવા વિનંતી કરતાં વકીલ સાથે મુલાકાત કરાવી આપી મોરલી સપોર્ટ કર્યો હોવાનું કબૂલ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઘટનાને લગતા મહત્ત્વના પુરાવાઓ ભેગા કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પુરાવાઓથી આખો કેસ ધીરેધીરે મજબૂત બની રહ્યો છે. દરમિયાન પીડિતાએ તપાસ અંગે સંતોષ વ્યક્ત કરી અન્ય રજૂઆત માટે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા જનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
કાનજી મોકરિયાએ જામીનઅરજી મુકી ઃ સોમવારે સુનાવણી
ગોત્રી દુષ્કર્મના મામલામાં સૌ પ્રથમ ઝડપાયેલા નંદન કુરિયર કંપની અને હાર્મની હોટેલના માલિક કાનજી મોકરિયાએ અદાલત સમક્ષ જામીનઅરજી મુકી છે, જેની વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે. જ્યારે રેપકેસના મામલામાં જપ્ત કરાયેલી વૈભવી કારો પૈકી એકના માલિકે પણ કાર છોડાવવા માટે વકીલ મારફતે અદાલતમાં અરજી કરી છે, જેની પણ સુનાવણી સોમવારે થશે એમ અદાલતી વર્તુળોએ જણાવ્યું છે. જાે કે, મૂળ ફરિયાદમાં નામ નહીં હોવા છતાં પૂછપરછ દરમિયાન કાનજી મોકરિયાએ પીડિતા અને રાજુ ભટ્ટનો સંપર્ક કરાવ્યો હોવાથી એને પણ આરોપી બનાવી દેવાયો હતો.
આરોપી રાજુ ભટ્ટે પેરાલિસીસ એટેકની ફરિયાદ કરતાં સયાજીમાં લવાયો
વડોદરા શહેરના બહુચર્ચિત હાઈપ્રોફાઈલ રેપકેસના બે આરોપી રાજુ ભટ્ટ અને કાનજી મોકરિયાને જેલભેગા કર્યા બાદ બે નંબરના આરોપી રાજુ ભટ્ટ જેલવાસ દરમિયાન ચેસ્ટ પેઈન અને વીકનેશની જેલ સત્તાવાળાઓને ફરિયાદ કરતાં તેને ગત તા.૮મીના રોજ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેના જરૂરી રિપોર્ટ કરાવતાં એમઆરઆઈ સીટીસ્કેન રિપોર્ટમાં ચેસ્ટપેઈન અને માઈનર પેરાલિસીસનો સ્ટોક હોવાનું નિદાન આવ્યું હતું.
હાઈપ્રોફાઈલ રેપકેસમાં પોલીસે આરોપી રાજુ ભટ્ટ અને તેને સાથ-સહકાર આપનાર કાનજી મોકરિયાની ધરપકડ કર્યા બાદ બંનેને જેલભેગા કર્યા હતા. જેમાં જેલવાસ દરમિયાન રાજુ ભટ્ટે જેલના સત્તાવાળાઓને પેરાલિસીસ એટેકની ફરિયાદ કરતાં તેને સયાજી હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં તેનો રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. તેને મેડિસિન યુનિટમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે તેનું સીટીસ્કેન અને એમઆરઆઈ કરાવતાં જેમાં ચેસ્ટપેઈન અને બોડીની રાઈટ સાઈડમાં વીકનેશ નિદાન આવતાં તબીબોએ તેની સારવાર હાથ ધરી હતી.
બૂટલેગર પીડિતાને ૮ મહિનાથી ઓળખતો અને મિત્ર છે, માતા-પિતા સાથે પણ સંબંધ
આ સમગ્ર મામલામાં પીડિતાના મિત્ર નામચીન બૂટલેગર અલ્પુ સિંધીની ભૂમિકા બહાર આવી હતી. હાલ પ્રોહિબિશનના બે ગુનામાં અલ્પુ સિંધી વોન્ટેડ હોવાથી પોલીસે તેની શોધખોળ કરીને હરિયાણાના ગુડગાંવથી ઝડપી પાડયો હતો. પોલીસ તેને લઇને શુક્રવારે ૧૧ વાગ્યાના અરસામાં ગુડગાંવથી વડોદરા આવી હતી. અલ્પુ સિંધીને સીધો જ ક્રાઇમ બ્રાન્ચમાં જ લઇ જવાયો હતો, જયાં તેની બપોર બાદ પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે પીડિતાને છેલ્લા આઠ મહિનાથી ઓળખે છે અને તેનો મિત્ર છે અને પારિવારિક સંબંધ પણ છે.
ખાસ સરકારી વકીલની માગ પીડિતાએ કરી
પીડિતા યુવતી દ્વારા મુખ્ય સરકારી વકીલને બદલી ગોત્રી દુછષ્કર્મના કેસમાં સ્પેશિયલ પી.પી.ની નિમણૂક કરવા માટે માગ કરી છે. જાે કે, આરોપી પૈકીના એક રાજુ ભટ્ટના વકીલ જે છે એ પી.પી.ના ભાઈ છે. એ ઉપરાંત પીડિતાના વકીલ સાથે આગોતરા જામીનની સુનાવણી સમયે જ અદાલતની લૉબીમાં થયેલી ચડભડ બાદ પીડિતાએ આ મામલો ગંભીર હોવાથી ખાસ સરકારી વકીલની નિમણૂક કરવાની માગ સંબંધિત તંત્રને કરી છે, જેની કાર્યવાહી ટૂંક સમયમાં જ થશે એમ માનવામાં આવી રહ્યું છે.
૧૪મીની રાત્રે શું થયું એની તપાસ થવી જાેઈએ
૧૪મી સપ્ટેમ્બરની રાતે શું બન્યું એની તપાસ યોગ્ય રીતે થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, પરંતુ પોલીસ દ્વારા આ અંગે યોગ્ય તપાસ નહીં થતી હોવાનું બચાવપક્ષ દ્વારા જણાવાયું છે. ૧૪મી તારીખે રિટર્ન ફાઈલ કર્યા બાદ પીડિતા સ્વસ્થ રીતે અશોક જૈનની ઓફિસની બહાર નીકળે છે, એ જ મોડી રાત્રે એને માર મરાયો હોવાનો મેસેજ અને કોલ અશોક જૈનને વહેલી સવારે કરાય છે. તો એ માર કોને માર્યો એની તપાસ થવી જાેઈએ. પરંતુ પોલીસ સીસીટીવી કેમેરાના ફુટેજ અવગણીને જુદી દિશામાં તપાસ કરી રહી હોવાનો આરોપ બચાવપક્ષે કર્યો છે.
બચાવપક્ષે અશોક જૈનને ફસાવવામાં આવ્યો હોવાની રજૂઆત કરી
અશોક જૈનના રિમાન્ડની માગણી કરાતાં બચાવપક્ષે રજૂઆત કરાઇ હતી કે, રિમાન્ડ અપાય ત્યારે દુષ્કર્મ સિવાયના ૧૦થી વધુ મુદ્દાની પણ નિષ્પક્ષ તપાસ થવી જાેઇએ. અમે રાજુ ભટ્ટને નથી ઓળખતા, અમે કેમેરા નથી ગોઠવ્યા અને અલ્પુ સિંધી તેની વિગતો જાણે છે. કોઇ મોબાઇલ નથી તોડ્યો, અમારી પર અલ્પુનો સતત ફોન આવ્યો છે, અમને ટ્રેપમાં ફસાવાયા છે એટલે તમામ બાબતોની સાયન્ટિફિક તપાસ થવી જાેઇએ એવી માગ કરી છે.