દેવી વારાહીને સમર્પિત અષાઢી ગુપ્ત નવરાત્રિ

વર્ષમાં આવનાર ચાર નવરાત્રિ પૈકી અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ દેવી વારાહીને સમર્પિત છે. આ નવરાત્રિ શ્રીવિદ્યા ક્રમમાં શ્રીકુળના દેવી દંડીનાથા એટલે કે ભગવતી વારાહી અને કાલી કુળના દેવી છિન્નમસ્તાને અર્પણ છે. દેવી દંડીનાથા એ ભગવતી લલિતા મહાત્રિપુરસુંદરીના રાજદરબારમાં સેનાપતિ તરીકે સ્થાપિત થયેલ છે. મા ભગવતીની સાધના અને આરાધના કરતા લોકોનું રક્ષણ તથા તેમની સાધનામાં વિઘ્ન ઉત્પન્ન કરતાં લોકોને દંડ આપવાનું કાર્ય મા વારાહી સંભાળે છે.

દેવી દંડીનાથાના સ્વરૂપ વિશે જાેઈએ તો તેમનો ધ્યાન મંત્ર નીચે મુજબ છે. તંત્રના ગ્રંથો મુજબ જાેઈએ તો આમ તો દેવી વારાહીના કુલ બાર સ્વરૂપો છે, જે આ મુજબ છે ઃ

(૧) વાર્તાળી વારાહી(૨) અશ્વારૂઢા વારાહી(૩) ધૂમ્ર વારાહી(૪) અસ્ત્ર વારાહી(૫) સુમુખી વારાહી(૬) નિગ્રહ વારાહી(૭) સ્વપ્ન વારાહી(૮)વશ્ય વારાહી(૯) કિરાત વારાહી(૧૦) લઘુ વારાહી(૧૧) બૃહત વારાહી(૧૨) મહા વારાહી

આ તમામ સ્વરૂપોના અલગ અલગ ધ્યાન મંત્રો છે, જે સાધક પોતાના ગુરુ પાસેથી પોતાની પરંપરામાં પૂજાતા સ્વરૂપ અનુસાર ગુરૂ પાસેથી મેળવે છે. અહી હું વારાહી દેવીનો સામાન્ય ધ્યાન મંત્ર રજૂ કરું છું, જેનાથી તેમના મૂળ સ્વરૂપનો અનુભવ કરી શકાય.

पाथोरुहपीठगतां पाथोरुहमेचकां कुटिलदंष्ट्राम् ।

कपिलाक्षित्रित्यां घनकुचकुम्भां प्रणत वाञ्छितवदान्याम् ।

दक्षोर्ध्वतोऽरिखङ्गां मुसलमभीतिं तदन्यतस्तद्वत् ।

शङ्खं खेतं हलवरान् करैर्दधानां स्मरामि वार्तालीम् ।

 અર્થાત્‌

જે કમળના આસન પર વિરાજમાન છે, જે સ્વયં નીલ કમળ સમાન વર્તાઈ રહ્યા છે, જેમના દાંત વક્ર આકારના છે, જેમની નેત્રકાંતિ લાલ અને ભૂરા રંગની છે, જેમના સ્તન એક ઘડાની જેમ ઉન્નત અને ગોળ છે, જે માની સાચી ભક્તિ કરતાં લોકો માટે વરદાનની સમાન ઉદાર દાતા સ્વરૂપ છે. જેમના ઉપર તરફ ઉઠેલા જમણી તરફના હાથમાં ચક્ર, હળ, અંકુશ અને અભય મુદ્રા ધારણ કરેલ છે. જેમના ડાબી તરફના હાથમાં શંખ, મુશલ, પાશ અને વરદ મુદ્રા ધારણ કરેલ છે, તેવા દેવી વારાહીનું હું ધ્યાન ધરું છું.

દેવી વારાહી એ શાક્ત સંપ્રદાયના પ્રમુખ દેવીઓ પૈકીના એક છે. દુર્ગા સપ્તશતી, દેવી મહાત્મય, દેવી ભાગવત પુરાણ તથા માર્કન્ડેય પુરાણમાં તેઓનો ઉલ્લેખ સપ્તમાતૃકાઓમાં પણ થયેલ છે. શુંભ નિશુંભ સાથેના યુદ્ધમાં તેઓનું પ્રાગટ્ય ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપમાંથી થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે. ભગવાન વિષ્ણુની જેમ જ તેમનું મુખ પણ વરાહ એટલે કે ભૂંડનું જાેવા મળે છે. સામાન્ય રીતે આપણે આપણી આજુબાજુમાં કોઈ વરાહ એટલે કે ભૂંડને જાેઈએ તો અણગમો વ્યક્ત કરીએ છીએ પણ માનું આ જ વરાહ સ્વરૂપ તેના ભક્તોને પોતાના આ સ્વરૂપ તરફ અલગ જ આકર્ષણ પેદા કરે છે. માનું આ સ્વરૂપ શીખ આપે છે કે કોઈના દેખાવ પરથી તેની શક્તિ કે તાકાત કે આવડતની કલ્પના કરવી ન જાેઈએ. દેવી વારાહી ભારતના પૂર્વોત્તર રાજ્યો તથા નેપાળમાં બારાહી, ચીનમાં વજ્રવારાહી કે મારિચી તથા ગુજરાત, રાજસ્થાન તથા દક્ષિણ પશ્ચિમના રાજ્યોમાં દેવી દંડીનાથા કે વારાહી કે વેરાઈ માતા તરીકે પૂજાય છે. વેરાઈ રૂપે પૂજાતા સ્વરૂપમાં માનું વાહન પાડો દર્શાવવામાં આવેલુ છે. વામન પુરાણ મુજબ અલગ અલગ માતૃકાઓનો પ્રાદુર્ભાવ ભગવતી ચંડિકાના શરીરના અલગ અલગ ભાગોમાંથી થયેલ છે, જે પૈકી વારાહી દેવીનું પ્રાગટ્ય માતાજીના પીઠ સ્થાનમાંથી થયેલ હોવાનો ઉલ્લેખ છે. માર્કન્ડેય પુરાણ અનુસાર દેવી વારાહી વરદાન આપનારી, ધન સંપત્તિથી ભક્તોને ખુશ રાખનારી તથા ઉત્તર દિશાની અધિષ્ઠાત્રી છે. દેવીના સહાયક ભૈરવનું નામ ઉન્મત્ત ભૈરવ છે. (ક્રમશઃ)

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution