ગાંધીનગર-
ગુજરાતમાં વિજય રૂપાણીના સ્થાને કોને મુખ્યમંત્રી બનાવવા તે અંગે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપના નેતાઓ વચ્ચે ગાંધીનગરમાં ઉપરાછાપરી બેઠકો ચાલી રહી છે ત્યારે કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર તરીકે મજબુત માનવામાં આવે છે.
રાજકીય સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ હાઈકમાન્ડે નીતિન પટેલને મુખ્યમંત્રીપદ આપીને બે નાયબ મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. બે નાયબ મુખ્યમંત્રી પૈકી એક નાયબ મુખ્યમંત્રી આદિવાસી સમાજમાંથી અને એક નાયબ મુખ્યમંત્રી અન્ય ઓબીસી સમાજમાંથી હશે. આદિવાસી સમાજમાંથી ગણપત વસાવા નાયબ મુખ્યમંત્રી બનવા માટેના પ્રબળ દાવેદાર હોવાનું કહેવાય છે. ઓબીસી સમાજમાંથી નાયબ મુખ્યમંત્રીપદ કોને આપવું તે અંગે ચર્ચા ચાલી રહી હોવાનો દાવો કરાયો છે. ઓબીસી સમાજમાંથી નાયબ મુખ્યમંત્રીપદ સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્યને અપાશે એવું કહેવાય છે.આ અંગે ભાજપ પ્રદેશ પ્ર મુખ સી. આર. પાટીલના નિવાસસ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી. એલ. સંતોષ, ગુજરાત ભાજપ ના પ્રદેશ મહામંત્રી રત્નાકર, ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, મહામંત્રી વિનોદ ચાવડા, પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ નવા મુખ્યમંત્રી અંગે આજે રવિવારે નિર્ણય લેવાવાનો છે. આ માટે ધારાસભ્ય દળની બપોરે 3 વાગ્યે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં હાજર રહેવા ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં આવી જવાની સૂચના આપી દેવાઈ છે.