19, એપ્રીલ 2025
વડોદરા |
ફ્લાઇટના ભાડામાં બેથી અઢી ગણો વધારો
ઉનાળુ વેકેશન આવે એટલે ગુજરાતીઓમાં પહાડી અને ઠંડા વિસ્તારમાં ફરવા જવાનો ક્રેઝ જાેવા મળે છે. ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ ટ્રેન બુકિંગ હાઉસફૂલ થઇ ગયા છે, તો બીજી તરફ ફ્લાઇટના ભાડામાં બેથી અઢી ગણો વધારો થયો છે. તેમ છતાં ગુજરાતીઓમાં કુલ્લુ મનાલી અને શિમલા જેવા સ્થળોએ ફરવા જવાના ક્રેઝમાં વધારો જાેવા મળી રહ્યો છે. માત્ર વડોદરાથી જ ૧૫ હજાર કરતાં વધાર પરિવારોએ કુલ્લુ મનાલી અને શિમલા જવા માટે બુકિંગ કરાવ્યા છે.
કુલ્લુ મનાલી, શિમલા અને કાશ્મીરના બુકિંગ વધ્યાં
ટ્રાવેલ બુકિંગ કરતાં એક એજન્ટે જણાવ્યું હતું કે, સમગ્ર દેશના ફરવા લાયક સ્થળના વેપારીઓ ગુજરાતમાં વેકેશન પડવાની રાહ જાેતા હોય છે. વેકેશન દરમિયાન દેશના કોઇ પણ ફરવા લાયક સ્થળ પર ગુજરાતી જરૂરથી મળે. દેશના ટુરિઝમ ક્ષેત્રમાં ગુજરાતીઓનો ફાળો ઘણો મોટો છે. એપ્રિલના સેકન્ડ વીકથી લઇને જૂનના ફર્સ્ટ વીક સુધી ઉનાળુ વેકેશન ચાલતું હોય છે. આ દરમિયાન ટ્રાવેલ્સ સંચાલકો બસો ઉપાડતા હોય છે તેમજ ટ્રેન અને ફ્લાઇટમાં પણ ગુજરાતીઓ મુસાફરી કરતાં હોય છે. હાલની સ્થિતીમાં કુલ્લુ મનાલી, શિમલા અને કાશ્મીરનો ક્રેઝ વધારે જાેવા મળી રહ્યો છે. આ સ્થળના બુકિંગ પણ ખુબ જ વધારે થઇ રહ્યા છે. કારણ કે, રોહતાંગ પાસ ૧૫ એપ્રિલ પછી ખુલતું હોય છે. જેને જાેવાનો ગુજરાતીઓ વધારે જતાં હોય છે.
આ વર્ષે ૧૫ હજારથી વધુ પરિવારો વેકેશનમાં ફરવા જશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે સિક્કીમ અને નૈનિતાલનું પણ બુકિંગ પણ જાેરમાં ચાલી રહ્યું છે. ચારધામ યાત્રા અને અમરનાથ માટે પણ બુકિંગ અને ઇન્કવાયરી વધારે આવી રહી છે. તેમજ વૃંદાવન, ગોકુળ અને મથુરાની ઇન્કવાયરી પણ આવી રહી છે. આવી કાળઝાળ ગરમીમાં ગુજરાતીઓ પહાડો પર જવાનું પસંદ કરતા હોય છે. અત્યાર સુધીની ઇન્કવાયરી અને બુકિંગ જાેતા વડોદરામાંથી આ વર્ષે લગભગ ૧૫૦૦૦થી વધારે પરિવારો દેશના જુદા જુદા સ્થળોની મુલાકાતે જશે તે નક્કી છે.