દિલ્હી-
ભારતમાં હજુ સુધી 5G સર્વિસ લોન્ચ થઇ શકી નથી ત્યાં ચીન અને અમેરિકા 6G લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે, ચીન છેલ્લા ઘણા સમયથી 6G પર કામ કરી રહ્યું છે, ચીનની કંપની Huawei નું 6G રિસર્ચ સેન્ટર કેનેડામાં છે. અહીં આ ટેકનોલોજી પર કામ ચાલી રહ્યું છે, રિપોર્ટમાં જણાવાયું છે કે ગત વર્ષ નવેમ્બર મહિનામાં 6G ટ્રાન્સમિશન પર એકવેવ્સનાં ટેસ્ટિંગ માટે એક સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો.
હવે ચીનની કંપની ZTE પણ યુનિકોમ હોંગકોંગ સાથે મળીને આ ટેકનોલોજી પર કામ કરી રહી છે, ભારતમાં 5G લોન્ચિંગની વાત કરીએ તો આ વર્ષે માર્ચમાં 5G સ્પેક્ટ્રમની નિલામી થશે, પરંતું એક રિપોર્ટ મુજબ આ ટેકનોલોજીને ભારતમાં વર્ષ 2022 સુધી રોલઆઉટ નહીં કરવામાં આવે. અમેરિકા અને ચીન વચ્ચે 6G ટેકનોલોજી માટે રીતસરનું યુધ્ધ ચાલી રહ્યું છે, અમેરિકામાં ટ્રમ્પની સરકાર હતી ત્યારથી તેના પર કામ ચાલી રહ્યું છે, તે માટે અમેરિકામાં ધ એલાયન્સ ફોર ટેલિકોમ્યુનિકેશનન્સ ઇન્ડસ્ટ્રી સોલ્યુસન્સ (ATIS) ની રચના કરવામાં આવી હતી, આ ટેકનોલોજી પર કામ કરવા માટે અમેરિકાની Apple, AT&T, Qualcomm, Google તથા Samsung જેવી અગ્રણી કંપનીઓએ હાથ મિલાવ્યા છે. તો યુરોપમાં પણ યુરોપિયન યુનિયને Nokia નાં નેતૃત્વમાં 6G વાયરલેશ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, તેમાં Ericsson AB અને Telefonica SA સાથે કેટલીક યુનિવર્સિટીઓ પણ જોડાઇ છે. 6G લોન્ચ કરવાની સ્પર્ધા એટલા માટે વધી છે કારણ કે જે દેશ સૌથી પહેલા પેટન્ટ લઇ લે છે તેનું માર્કેટમાં પ્રભુત્વ વધી જશે.