મુંબઈ કોલેજમાં એડમિશન અપાવવાનું કહીને ગઠિયો તબીબના 31.50 લાખ પડાવી રફુચક્કર

અમદાવાદ-

શહેરના ગોતા વિસ્તારમાં રહેતા તથા વડનગરમાં નોકરી કરતા ૨૭ વર્ષના તબીબને મુંબઈની કોલેજમાં એમ.એસ સર્જરી વિભાગમાં એડમિશન અપાવવાની લાલચ આપીને ગઠિયો ૩૧.૫૦ લાખ પડાવી ગયો. આ મામલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં સાયન મેડિકલ કોલેજના ડેપ્યુટી ડીન રાકેશ વર્મા પણ આરોપીઓ સાથે સામેલ હોવાનો ઉલ્લેખ કરાયો છે.

ઘટનાની વિગતો મુજબ, ગોતાની શુકન રેસીડેન્સીમાં રહેતા ડો. હિતેન્દ્ર દેસાઈ વડનગરની જીએમઇઆરએસ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કહે છે. એમબીબીએસ પૂરું કર્યા બાદ તેમણે જાન્યુઆરી ૨૦૨૦માં નીટની પરીક્ષા આપી ૪૧૧ માર્ક્સ મેળવ્યા હતા. ડો. હિતેન્દ્રને એમએસ સર્જરીમાં એડમિશન લેવું હોવાથી તેઓ સારી કોલેજ શોધી રહ્યા હતા. પરંતુ તેમને ગુજરાતમાં એડમિશન ન મળી શકતા ફરી પરીક્ષા આપવાની તૈયારી શરૂ કરી હતી. આ દરમિયાન એક અજાણ્યા નંબરથી જય ગોવાણીનો ફોન આવ્યો હતો.

જય નામની આ વ્યક્તિએ ફોન પર કહ્યું કે, 'તમારે એમ.એસમાં એડમિશન લેવું હોય તો મુંબઈની સાયન ખાતે આવેલી લોક માન્ય તિલક કોલેજના ડીન સાથે મારી ઓળખાય છે હું તમારી મુલાકાત કરાવી દઈશ.' જય સાથે થોડા દિવસો સુધી વાત કર્યા બાદ ડો. હિતેન્દ્ર તથા તેમના પિતા જયનો સંપર્ક કરીને મુંબઈ ગયા. જ્યાં જયે કોલેજના ડેપ્યુટી ડીન સાથે મુકાલાત કરાવી. અને એડમિશન થઈ જશે તેવું આશ્વાસન આપીને એડવાન્સમાં ૨૫ લાખ અને બાદમાં બીજા ૨૫ લાખ આપવા જણાવ્યું.

ડો. હિતેન્દ્રના તમામ ઓરિજનલ ડોક્યુમેન્ટ્‌સ લઈ લેવામાં આવ્યા અને સમયાંતર એડમિશન માટે બે-બે લાખ કરીને કુલ ૩૧.૫૦ લાખની રકમ ચૂકવી. જાેકે અને વખત મુંબઈના ધક્કા ખાધા બાદ પણ ડો. હિતેન્દ્રનું એડમિશન થઈ શક્યું નહોતું. આરોપીઓએ તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્‌સ પર કુરિયરથી પરત મોકલી દીધા હતા. જે બાદ ડો. હિતેન્દ્રના પિતાએ ગુરુવારે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution