સિંગાપુરનું આર્ટ-સાયન્સ મ્યુઝિયમઃ કળા અને વિજ્ઞાનનું સહઅસ્તિત્વ

લેખકઃ હેમંત વાળા | 

કળાની સાચવણી માટે વિજ્ઞાન જરૂરી છે અને વિજ્ઞાનની સ્વીકૃતિ માટે વિજ્ઞાનની રજૂઆતમાં કળાત્મકતા જરૂરી છે. આમ પણ માનવજીવનમાં જેટલું કળાનું મહત્વ છે તેટલું વિજ્ઞાનનું પણ છે. કળાએ માનવીના જીવનની ગુણવત્તા જે રીતે સુધારી છે તેવી જ રીતે વિજ્ઞાને પણ આ ગુણવત્તામાં પોતાનો ફાળો આપેલો છે. માનવજીવનમાં કળા અને વિજ્ઞાન, બંનેનું સહઅસ્તિત્વ સતત જાેવા મળે છે. આવા સહઅસ્તિત્વને ‘સેલિબ્રેટ’ કરતું મકાન એટલે સિંગાપોરનું આર્ટ-સાયન્સ મ્યુઝિયમ. અહીં કળાત્મકતાને વ્યક્ત કરવા વિજ્ઞાનનો સહારો લેવાયો છે અને વિજ્ઞાનની બાબતો વર્ણવવા માટે કળા સાધન બની રહે છે. સિંગાપુરમાં સ્થપતિ મોસે સાફદી દ્વારા સન ૨૦૧૧માં બનાવાયેલા આ મ્યુઝિયમની રચના જાણે કળા અને વિજ્ઞાનના સમન્વય સમાન છે.

આશરે ૬૦૦૦ ચોમી વિસ્તાર જેટલા આ પ્રદર્શનગૃહમાં લગભગ ૨૧ જેટલાં સ્થાનો નિર્ધારિત કરાયા છે, જ્યાં સ્થાયી તથા હંગામી પ્રદર્શનની વ્યવસ્થા થઈ શકે. અહીં મકાનને સરખી દેખાતી છતાં પણ કંઈક ભિન્નતાવાળી ૧૦ કમળની પાંખડીઓ જેવી રચના વડે નિર્ધારીત કરાયું છે. બહારનો આકાર કમળ સમાન હોવા છતાં અંદરના સ્થાનનિર્ધારણ અને તેની ઉપયોગિતામાં તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રખાયું છે. પ્રતીક તરીકે કમળની પોતાની મહત્તા છે, સાથે સાથે દરેક સંસ્કૃતિમાં કળાના ક્ષેત્રમાં, અને તેમાં પણ ખાસ કરીને શિલ્પ અને ચિત્રકામમાં, કમળનું આગવું મહત્વ છે. આમ આકારની અંદર સંસ્કૃતિ વણી લીધા પછી તેના વિગતપૂર્વકના નિર્ધારણમાં પ્રમાણમાપ, વિગતિકરણ જેવી કળાની અન્ય બાબતો પર ધ્યાન અપાયું છે. આવી કલાત્મકતાને હકીકતમાં રૂપાંતરિત કરવા વિજ્ઞાન અને ટેકનોલોજીનો ફાળો પણ મહત્વનો બની રહે. આ મકાનમાં કળા, વિજ્ઞાન, સંસ્કૃતિ અને ટેકનોલોજીના પ્રદર્શનો હોવા સાથે સ્વયં મકાનની રચનામાં પણ આ બાબતો પ્રતિબિંબિત થતી જાેવા મળે છે.

પ્રદર્શન માટેની બધી જ આધુનિક તકનીકનો ઉપયોગ અહીં કરાયો છે. અહીં વર્ચ્યુઅલ રિયાલિટીનો અનુભવ તો થઈ જ શકે છે પણ સાથે સાથે સ્થિર અને ચલિત પ્રદર્શની માટે પણ વ્યવસ્થિત સ્થાન આયોજન કરાયું છે. આ બધા સ્થાનોમાં અવરજવર રસપ્રદ બને તે રીતે જુદી જુદી જગ્યાઓનું વિગતિકરણ થયું છે. અહીં જાેવાની અને આવન-જાવનની પ્રક્રિયાઓ કળાત્મક રીતે એકબીજા સાથે જાેડાઈ જાય છે. આ એક સંપૂર્ણ અનુભૂતિ મેળવવાનો પ્રયાસ છે. મજાની વાત એ છે કે આ એક અંગત પ્રદર્શની છે.

આ મકાનના આવા આકારને કારણે તેને જાણે પાણીમાં તરતું મૂકવામાં આવ્યું હોય તેવી છબી વિકસાવવામાં સ્થપતીને સફળતા મળી છે. આના કટોરા જેવા આકારથી અહીં વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ કરવો પણ શક્ય બન્યો છે. સિંગાપુર દરિયાકિનારે વસેલું હોવાથી, થોડી દૂરથી જાેતાં આ મકાન પાણીમાં તરતું હોય તેવો ભાસ થાય છે. અહીં મકાનની નીચેના ભાગમાં મકાનના આકારને-કમળની રચનાને જાણે કુદરતી ટેકો મળતો હોય તેવી રચના કરાઈ છે.

લોખંડના ઉપયોગ થકી આ મકાનની માળખાકીય રચના નિર્ધારિત કરાઈ છે. મકાનની વચમાં બનાવાયેલ ચોક જેવી રચના સમગ્ર મકાનને એકસાથે બાંધી રાખે છે. અહીંથી જે દ્રશ્ય સંપર્ક સ્થપાય છે તે જાણે ચારે દિશામાં પ્રસરે છે. આનાથી મકાનની અંદર પણ એક પ્રકારની મોકળાશ અને મુક્તતા અનુભવાય છે. આર્ટ-સાયન્સ મ્યુઝિયમ સામાન્ય રીતે આંતર્ભીમુખ બનાવાતું હોવાથી આ વચ્ચેની મોકળાશ એ અનેરો અનુભવ બની રહે. વચ્ચેના આ ચોકમાં ચાલુ વરસાદનું પાણી જ્યારે એકત્રિત થઈને પડે ત્યારે સમગ્ર માહોલ રોમાંચક બની જાય.

આ મકાન સિંગાપુર શહેરમાં અગત્યના સ્થાને છે. અહીં ચારે બાજુ જાહેર સ્થાનો છે. સપ્તાહના આખરી દિવસોમાં અહીં જાણે મેળાવડો ભરાતો હોય છે. એવા સમયે આ મકાનમાં ચહલપહલ વધી જાય તે સ્વાભાવિક છે. તેવા સમયે પણ આ મકાનના આકારમાં જે ખુલ્લાપણું વ્યક્ત થાય છે તેનાથી અહીં ક્યારેય ગીરદીનો અનુભવ નહીં થતો હોય તેમ માની શકાય.

આ મકાન એ માત્ર મકાન નથી પણ શહેરના સ્તરે બનાવેલું એક શિલ્પ છે. તેનું પ્રમાણમાપ શહેરી વિસ્તારને અનુરૂપ છે. તેના આકારની દ્રશ્ય અનુભૂતિ શિલ્પમયતા સ્થાપિત કરે છે. મકાનની ચારે બાજુ જે ખુલ્લાપણું છે તેનાથી મકાનને માણવાની સંભાવનાઓ વધી જાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution