ઈંટોના ભઠ્ઠામાં કેમિકલનો વેસ્ટ રાખનાર માલિક સહિત ત્રણ શખ્સની ધરપકડ

વડોદરા

પાદરા તાલુકાના કણઝટ ગામની સીમમાં એક ઈંટોના ભઠ્ઠામાં ઈંટો પકવવા બળતણ માટે કેમિકલ વેસ્ટનો જથ્થો રાખવા બદલ ગઈકાલે અટકાયત કરાયેલા ભઠ્ઠાના માલિક સહિત ત્રણેયનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતાં જિલ્લા એસઓજી શાખાને આજે ત્રણેય શખ્સોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે જિલ્લા એસઓજી શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે બાતમીના આધારે કેમિકલ વેસ્ટનો જથ્થો ઝડપી પાડયો હતો. પાદરા તાલુકાના વડુના કણઝટ ગામની સીમમાં ઘનશ્યામભાઈ ચીમનભાઈ પટેલના એસવીજી ભઠ્ઠામાં ઈંટો પકવવા માટે બળતણ માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ વેસ્ટના ૧૮૧ કારબા મળી આવતાં પોલીસે કબજે લીધા હતા. પોલીસે આ છાપામાં ભઠ્ઠાના માલિક ઘનશ્યામ પટેલ (રહે. પટેલવાડી, ગજેરા), ડ્રાઈવર મણિલાલ પટેલ (રહે. ઊંઝા) અને ભાવેશ ઠાકોર (રહે. ઊંઝા)ની અટકાયત કરી હતી. આ ત્રિપુટી સહિત સગીર પઠાણ, પ્રોલાઈફ ઈન્ડસ્ટ્રીઝ લિથિ વેસ્ટ કેમિકલ ભરાવનાર શખ્સ અને પ્રોલાઈફ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધિકારીઓ સાથે વડુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિાયનમાં આરોપી ઘનશ્યામ પટેલ, મણિલાલ પટેલ અને ભાવેશ ઠાકોરના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતાં જિલ્લા એસઓજી શાખાને આરોપી ત્રિપુટીની ધરપકડ કરી છે. આ ત્રિપુટીની પૂછપરછમાં કેમિકલ વેસ્ટનો જથ્થો ભરૂચ જિલ્લાના વેડજ ગામની સીમમાં સંગ્રહ કરતાં હોવાની કબૂલાત કરતાં જિલ્લા એસઓજી પોલીસે આ અંગેની જાણ ભરૂચ પોલીસને કરી હોવાનું જાણવા મળે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution