વડોદરા, તા. ૩૧
રાજયમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગત ૨૯મી તારીખે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું પરંતું પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા રાજયની એટીએસની ટીમે પેપર લીક કૈાભાંડનો પર્દાફાશ કરી વડોદરા, સુરત,અમદાવાદ,સાબરકાંઠા અને બિહારની ટોળકીના ૧૫ને ઝડપી પાડતા પરીક્ષા રદ કરાઈ હતી. ગઈ કાલે આ તમામ ૧૫ આરોપીઓને એટીએસે કોર્ટમાં રજુ કરી બાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પરીક્ષાનું પેપર હૈદ્રાબાદની કે.એલ.હાઈટેક પ્રિન્ટીંગ પ્રેસમાં છાપેલું હતું અને આ પ્રેસમાં લેબર તરીકે ફરજ બજાવતા ૨૨ વર્ષીય શ્રધાકર ઉર્ફ જીત સહદેવ લુહા (લક્ષ્મીનગર,સાંગારેડ્ડી, તેલંગાણા મુળ રહે. ઓડીશા) મારફત ટોળકીએ પેપર ચોરી કરાવીને મેળવ્યું હોવાની વિગતો મળતા ગઈ કાલે શ્રધાકરને હૈદ્રાબાદથી ધરપકડ કરાઈ હતી.
આજે એટીએસની ટીમે શ્રધાકરને અત્રેની કોર્ટમાં રજુ કરી તેના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતા જણાવ્યું હતું કે આ કૈાભાંડમાં શ્રધાકરે પેપર ચોરી કરી સૈાથી પહેલા ટોળકીના પ્રદીપ નાયકને સાત લાખમાં વેચાણ કર્યું હતું જેથી પ્રદીપ સિવાય અન્ય કોઈને પણ તેણે પેપર વેંચ્યું છે કે કેમ અને પ્રદીપ ઉપરાંત અન્ય કોણ તેની સાથે સંડોવાયેલું છે ? શ્રધાકરે તેની પ્રેસમાં છપાયેલા અન્ય સરકારી નોકરીઓના પેપરનો પણ અગાઉ આ રીતે સોદો કર્યો છે કે કેમ ?
તેણે ખરેખરમાં કેટલા રૂપિયામાં પેપરનો સોદો કરેલો અને એડવાન્સ પેટે કેટલા રૂપિયા લીધા છે અને તે ક્યાં છે તેની વિગતો મેળવી પૈસા કબજે કરવાના બાકી છે, પ્રેસમાંથી પેપર ચોરી કરવામાં તેને પ્રેસના અન્ય કોઈએ મદદગારી કરી છે કે કેમ અને આ અગાઉ પણ શ્રધાકર કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ? તેમજ ગઈ કાલે રિમાન્ડ પર લેવાયેલા આરોપીઓને તેની સાથે રાખી પુછપરછ કરવાની છે. પોલીસની રિમાન્ડ અરજી તેમજ મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે શ્રધાકરને દસ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો.
શ્રધાકરે ૮મી તારીખે જ પેપર ચોરી કરી પ્રદીપને આપી દીધેલું
પ્રદીપ નાયકે સૈાથી પહેલા શ્રધાકર સાથે સાત લાખમાં પેપરનો સોદો કર્યો હતો જે મુજબ શ્રધાકરે પ્રેસમાંથી ૮મી જાન્યુઆરીએ પેપરની એક કોપી ચોરી કરી તે પ્રદીપ નાયકને હૈદ્રાબાદના ભોલારામ વિસ્તારમાં બપોરે આપી હતી. પ્રદીપે ટુકડે ટુકડે ૭૨ હજાર રૂપિયા શ્રધાકરના ફોનપે વોલેટમાં જમા કરાવી તેને એક નવો મોબાઈલ આપ્યો હતો અને બાકીના નાણાં પરીક્ષા પુરી થાય પછી આપવાની ખાત્રી આપી હતી.
પરીક્ષા રદ થતાં પરીક્ષાર્થીઓના મનોબળ પર અસર થઈ છે
પોલીસે શ્રધાકરના રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે આર્થિક ફાયદા માટે લાખો પરીક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી ટોળકીએ પરીક્ષાર્થીઓ સાથે સરકાર સાથે છેતરપિંડી કરી છે. પેપર લીક થવાના કારણે સરકારને તો ઘણુ મોટું નુકશાન થયું છે પરંતું પરીક્ષાર્થીઓના મનોબળ પર પણ અસર થઈ છે જેના કારણે આરોપીના રિમાન્ડની જરૂર છે અને રિમાન્ડ નહી મળે તો આગળની તપાસ અટકી જાય તેમ છે.