વોશિંગ્ટન-
અમેરીકામાં આગામી 20ના રોજ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ જો બાયડેન શપથ લેવાના છે, તે દરમિયાન હજી કેટલાંક ટ્રમ્પ અને રીપબ્લિકન સમર્થકો સશસ્ત્ર ઉગ્ર દેખાવો કરી શકે એવી ભીતી સેવાઈ રહી છે અને આ માટે અમેરીકન ગુપ્તચર સંસ્થા એફબીઆઈ દ્વારા અમેરીકી પ્રશાસનને સાબદું કરવાની સલાહ આપી દેવાઈ છે કે, શપથવિધિ અને તેની આસપાસના સમય દરમિયાન વોશિંગ્ટન ઉપરાંત અમેરીકાના તમામ 50 રાજ્યોમાં હિંસક દેખાવો થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, આ દેખાવો આગામી સપ્તાહના અંતભાગેથી માંડીને જો બાયડેનની શપથવિધિ સુધી લંબાઈ શકે. ખાસ કરીને ગયા બુધવારે ટ્રમ્પ ટેકેદારોએ જે રીતે કેપિટલ હિલ ખાતે દેખાવો કરીને હિંસા આચરી હતી તે જોઈને એફબીઆઈએ આ પ્રકારની ચેતવણી ઉચ્ચારી છે.
અમેરીકી રાજધાની વોશિંગ્ટનને સુરક્ષિત રાખવા માટે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી નેશનલ ગાર્ડને વધારે 15,000 જેટલા સૈનિકોને રાજધાનીમાં મોકલવા રજા અપાઈ છે અને આગામી 24મી સુધી વોશિંગ્ટન સ્મારકની મુલાકાતે જતાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના વડા ડેનિયલ હોકાન્સને કહ્યું હતું કે, શનિવાર સુધીમાં વોશિંગ્ટનમાં 10,000 જેટલા સુરક્ષાદળના જવાનોને તૈનાત કરવામાં આવશે, જેથી ત્યાં સુરક્ષા પ્રદાન કરી શકાય.