સુંદરતા અને કુરૂપતા મનનો દ્રષ્ટિકોણ માત્ર છે?

સૌંદર્ય અને કુરૂપતા પ્રત્યે માનવ વ્યવહારમાં નૈતિકતાના ધારાધોરણ અલગ હોય છે. કેમકે વાંદાને મારવો એક સુજ્ઞ કાર્ય છે, જયારે પતંગિયાને મારવું ક્રુરતા છે. અહીં હિંસા બાબતમાં નૈતિકતાના માપદંડ સૌંદર્યના આધારે નક્કી થતાં હોય છે. વાંદો દેખાવે ભદ્દો છે, જયારે પતંગિયું સુંદર છે. જેથી બંનેને મારવાની મનોવૈજ્ઞાનિક અસરમાં ભિન્નતા જાેવાય છે.

કુરૂપતા અને સૌંદર્ય વચ્ચે તુલના અવિરત ચાલ્યા કરે છે. તુલનાત્મક વિચાર વગર સુંદર કે કુરૂપ તે નક્કી કરવું અશક્ય છે. સૌંદર્ય વિચારજન્ય બાબત માત્ર છે જેથી કુરુપતા પણ વિચારજન્ય જ છે. વૈચારિક રીતે જેને કુરૂપતા માનવામાં આવે છે તેનું અસ્તિત્વ ન હોય ત્યાં સૌંદર્યનું કોઈ મહત્વ નથી. કુરુપતાના અવકાશમાં સૌંદર્યનું અસ્તિત્વ શક્ય નથી. સૌંદર્ય પરજીવી છે. સૌંદર્ય અને કુરૂપતાની તુલના હંમેશા પીડાને જન્મ આપે છે. જેને સુંદર માનવામાં નથી આવતું તે આ તુલનાત્મક પીડાનો અનુભવ કરે છે. સૌંદર્ય માટે કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. સુંદર હોવાનું માનવું એક દ્રષ્ટિકોણ માત્ર છે. જેમ સુખ વિચારજન્ય બાબત છે તેમ સુંદરતા પણ એક વિચારજન્ય બાબત છે. સુંદર હોવાની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. સુંદરતા માત્ર દ્રષ્ટિકોણ છે જે તુલનાથી ઉદ્‌ભવે છે. સુંદરતાના બાબતે દરેકના દ્રષ્ટિકોણ ભિન્ન હોય છે. જેથી એક વ્યક્તિ કોઈને સુંદર લાગે તો કોઈને ન પણ લાગે. કેમકે સુંદરતા વિચાર આધારિત છે. સુંદરતા પ્રયત્ને વિચારોની ભિન્નતા છે જેથી સૌંદર્ય એક વિચારજન્ય દ્રષ્ટિકોણ માત્ર છે.

ગોરી ત્વચા એટલે સુંદર અને શ્યામ ત્વચા એટલે કુરૂપ તેવી વૈશ્વિક માનસિકતાએ દુનિયામાં ઘણો ભેદભાવ ઉભો કર્યો છે. એક શતાબ્દી પહેલાં સુધી જે આજે પહેલી હરોળના કહેવાય છે તેવા યુરોપિયન દેશ અને અમેરિકામાં હબસીઓને બાંધી અને બજાર વચ્ચે બોલી લગાવી નિલામ કરવામાં આવતા હતા. હબસીઓની ત્વચાના રંગ કે કારણે નિમ્ન અને કુરૂપ ગણવામાં આવતાં. જેથી તેમને ગુલામ તરીકે બજારમાં ઉભા રાખી વેચવામાં કોઈ અનૈતિક નહતું. આવી અમાનુષી માનસિકતાને કારણે પાંચ હજાર જેટલા હબસીઓની મોબલિંચિંગ દ્વારા જાહેરમાં હત્યાઓ કરાઈ હોવાનું માત્ર અમેરિકામાં જ સરકારી રેકર્ડ ઉપર નોંધાયેલું છે. જેમાં યુરોપનો આંકડો તેનાથી વધુ હોઇ શકે છે. અમેરિકામાં હબસીઓની નિલામી અને મોબલિંચિંગ અંગે જાણકારી આપતું મ્યુઝિયમ અલ્બામાના મોન્ટેગોમેરી શહેરમાં બનાવવામાં આવેલું છે. જે પ્રજા હબસીઓને ભરબજાર વેચતી હતી તે અહીં ભારત ઉપર રાજ કરતી હતી ત્યારે ભારતીય સમાજના કોઈ માણસને બજારમાં ગુલામ તરીકે વેચવાની હિંમત નહતી કરી શકી. ભારતીય કારીગરો અને તેમના સહાયકોને કામનું વળતર આપવાની શરતે બ્રિટિશ કોલોનીના વિવિધ દેશોમાં કામ ઉપર લઈ જવાયા હતાં. કામદાર તરીકે, ગુલામ તરીકે નહી.

ઑસ્ટ્રિયાના ન્યુરોલોજીસ્ટ હતા સિગ્મન્ડ ક્રેઉડ. સાઈકો-એનાલીસીસના જનક સિગ્મન્ડ એક અનોખું અધ્યયન કરવાનો વિચાર આવ્યો. તેમની પાસે આવતા દર્દીઓ સાથે તે વાતચીત કરતાં રહ્યાં. તે દર્દીઓને પ્રશ્નો કરતા જેના જવાબની નોંધ કરી તેનું અધ્યયન સિગ્મન્ડ વર્ષો સુધી કરતાં રહ્યાં. વર્ષોના અધ્યયન બાદ સિગમંડે 'અ રીડર’ નામથી પુસ્તક લખ્યું. જેમાં તેમણે સાર લખ્યો હતો કે ‘દુનિયાની કોઈ સ્ત્રી ભગવાનની રચનાથી ખુશ નથી. આજ સુધી મને એવી કોઈ સ્ત્રી નથી મળી કે જે પોતાના સૌંદર્યથી સંતુષ્ટ હોય. સ્ત્રી પોતાના શરીરમાં કોઈક સુધારો ઝંખતી હોય છે. જે બાદ તે વધુ આકર્ષક અને સુંદર દેખાઈ શકે. સ્ત્રી તે બાબતે ખુબજ ગંભીરતાથી વિચારતી હોય છે. તેની માટે ખર્ચો કરવા પણ તૈયાર હોય છે. જેને કારણે જ દુનિયામાં સૌંદર્ય પ્રસાધનોનો ધંધો ચાલી રહ્યો છે.’

આજે દુનિયામાં વર્ષે ત્રીસ અરબ રૂપિયાનો કોસ્મેટીક્સની ચીજાેનું વેચાણ થાય છે. જે વેચાણ પાછળ ભગવાને સ્ત્રીને બનાવવામાં કરેલી ભૂલો જવાબદાર છે. ભગવાને કરેલી ભૂલો સુધારવા માટે દુનિયામાં સ્ત્રીઓ દ્વારા વર્ષે ત્રીસ અરબ રૂપિયા ખર્ચવામાં આવે છે. કોસ્મેટિક્સની જાહેરાતો દરેક સ્ત્રીને સુંદર બનાવવા માટે ઉત્પાદનો બનાવે છે. ટીવી ઉપર કોઈ મોડલ કે ખ્યાતનામ હિરોઈન આવીને દસ સેકન્ડમાં કહી જાય છે કે 'મારા જેવા સુંદર બનવા ફલાણી કોસ્મેટીકની વસ્તુ ખરીદો.’ તમે જેવા નથી તમને તેવા બનાવવાના સપના પુરા કરવા ઉપર આખો બ્યુટિ અને કોસ્મેટિક્સનો ઉદ્યોગ નભે છે.

સુંદરતા પારખવી તે માનવનો જન્મજાત ગુણ હોવાનું સામે આવ્યું છે. અમેરિકામાં રુબેનસ્ટીન, લેંગલઇન્સ અને કલાનિક્સ એ ત્રણ અધ્યયનકર્તાઓએ ૧૯૯૯માં બાળકો ઉપર સર્વે કર્યો. એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સર્વે ઉપરથી જાણવા મળ્યું કે સુંદર ચહેરો ધરાવતા લોકો તરફ બાળક તરત આકર્ષાય છે. વિશ્વાસ કેળવી લે છે. સુંદર દેખાતા વ્યક્તિઓ સાથે બાળક વધુ સમય રમે છે. બાળક જન્મથી જ સુંદરતા પ્રત્યે આકર્ષાતુ હોય છે.

સૌંદર્ય માટે કોઈ વ્યાખ્યા નથી પરંતુ સૌંદર્ય સાથે કલાને સીધો સંબંધ છે. શબ્દો કે ભાષાના માધ્યમ વગર કલા દ્વારા સૌંદર્યને આસાનીથી પ્રકટ કરી શકાયું છે. મોનાલીસા, મેરેલિન મનરો કે મધુબાલાની છબી એક કલાકારે જગતને આપેલી ભેટ છે. સચોટ વ્યાખ્યા વગરના સૌંદર્યને શબ્દો વગર માણસની દ્રષ્ટિ દ્વારા હૃદયમાં ઉતારે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution