અરવલ્લી-
જિલ્લાના મોડાસાના દેવરાજ ધામ નજીક દાહોદથી ભાગીને આવેલ પ્રેમીપંખીડા લગ્ન કરી રહેતા હતા. જોકે, શનિવારે સવારે 8 વાગ્યાના સુમારે ઘરેથી ભાગીને આવેલા યુવતીને કેટલાંક લોકો કારમાં ઉઠાવીને લઇ જતા ચકચાર મચી જવા પામી હતી. શ્રમિક યુવકે તેની સાથે રહેલા યુવતીનું અપહરણ થતાં પોલીસને જાણ કરી હતી. જેમાં મોડાસા ટાઉન પોલીસ સહીત વિવિધ એજન્સીઓએ તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા. જેના પરિણામે 24 કલાકમાં યુવતી મળી આવી હતી અને અપહરણકર્તા બીજુ કોઇ નહીં, પરંતુ તેના પરિવારના વ્યક્તિઓ જ હતા.
મળતી માહિતી અનુસાર દાહોદના મનખોસલા ગામના 21 વર્ષીય મુકેશ મત્તાભાઈ ડામોરને નજીકના ગામની 20 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, પરિવારના ડરને લઇ થોડા સમય અગાઉ પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા હતા. યુવક અને યુવતી મોડાસાના દેવરાજધામ નજીક આવેલા પેટ્રોલપંપ પાસે ખુલ્લી જગ્યામાં રહી મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. યુવતીના પરિવારજનોને યુવતી યુવક સાથે મોડાસામાં રહેતા હોવાની જાણ થતાં શનિવારે એક મહિલા અને 4 ઇસમો ઇન્ડિકા કારમાં આવી યુવતીને બળજબરી પૂર્વક ઉઠાવી અપહરણ કરતા યુવક બેબાકળો બન્યો હતો.આ અંગે તેણે મોડાસા ટાઉન પોલીસમાં ફરીયાદ કરતા પોલીસતંત્રએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા . મોડાસા ટાઉન પોલીસે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધી ગુન્હાનો ભેદ ઉકેલવા એલસીબીને તપાસ સોંપી હતી. જેમાં અરવલ્લી એલસીબી પોલીસે અપહરણ થયેલ યુવતીના પરિવારજનો અને સગા-સબંધીઓની સંડોવણી હોવાની દિશામાં તપાસ આદરી દાહોદ ખાતે પહોંચી શોધખોળ હાથ ધરી હતી. જોકે, યુવતીને અપહરણકારોએ મહેમદાબાદ ખાત્રજ ચોકડી નજીક ગોંધી રાખી હોવાની માહિતી મળતા LCBની ટીમે રાત્રે બે વાગે યુવતીને જે સ્થળે રાખવામાં આવી હતી, ત્યાં છાપો મારી યુવતીને હેમખેમ બચાવી લીધી હતી. આ અંગે પોલીસે આરોપી વિરૂદ્વ અપહરણનો ગુન્હો નોંધ્યો છે.