અમદાવાદ-
અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસમાં લાંબા સમયની પ્રક્રિયા બાદ 16 જેટલા ઉમેદવારોને કરાર આધારીત સહાયક સબ ઓફીસર તરીકે નિમણૂક આપવામાં આવતા વિભાગમાં વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરાશે. આ ઉપરાંત કામગીરી સરળતાથી થઈ શકશે એમ સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી પાસેથી જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા થોડા દિવસો પહેલા જ સરકાર અને મહાનગરપાલિકાઓને નવા ફાયર ઓફિસર્સને ભરતી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. આ બાબતે મળતી માહીતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ફાયર વિભાગમાં ઘણાં વર્ષોથી મહત્વની એવી ખાલી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી નથી.
થોડા સમય અગાઉ 14 વર્ષના સંઘર્ષ બાદ ફાયર વિભાગમાં વોલિયન્ટર્સ તરીકે ફરજ બજાવનારાઓને નિમણૂક આપવામાં આવી હતી. અમદાવાદ શહેરના વિસ્તારમાં વધારો થવાની સાથે ફાયર વિભાગમાં મહત્વની કહેવાય એવી જગ્યાઓ ભરવામાં આવતી નહોતી. શનિવારે અમદાવાદ ફાયર વિભાગમાં 22 પૈકી 16 ઉમેદવારોને સહાયક સબ ઓફીસર તરીકે નિમણૂક આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે ફાયર વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી કોમ્યુનિકેશન ઓફીસર સહીતની અનેક જગ્યા ઉપર ચાર્જ આપીને કામગીરી કરાવવામાં આવી રહી છે. રાજ્યના દરેક કોર્પોરેશનમાં પણ ભરતી કરવામાં આવશે.