છોટાઉદેપુર, તા.૨૦
છોટાઉદેપુર તાલુકાના આજુબાજુ વિસ્તારમાં ચાલતી ૪૦ જેટલી ડોલોમાઈટ પથ્થરની માઇન્સ આવેલી છે અને પથ્થરનો પાઉડર બનાવવાની ૧૦૦ જેટલી ફેકટરીઓ આવેલી છે. જેમાં છોટાઉદેપુરના ગરીબ આદિવાસીઓ માટે રોજગારીનો એક મહત્વનો ભાગ છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ ડોલોમાઈટ ઉદ્યોગ સાથે વર્ષોથી સંકળાયેલા છે. પરંતુ હાલમાં વહીવટી તંત્ર દ્વારા થતી મુશ્કેલીના કારણે રોષે ભરાયેલા છે. આજરોજ આજરોજ ડોલોમાઈટ ઉદ્યોગ સાથે સંકળાયેલા વહેપારીઓ એ કોંગ્રેસના નેતા સંગ્રામસિંહ રાઠવાની આગેવાની હેઠળ કલેકટર કચેરીએ અધિક કલેકટર ને એક આવેદનપત્ર આપ્યું હતું.આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર ડોલોમાઈટ ઉદ્યોગમાં હજારો આદિવાસી લોકો રોજગારી મેળવે છે. અને ગુજરાન ચલાવે છે. સમગ્ર વિસ્તાર પછત હોવાથી રોજગારીનું એક માત્ર સાધન ડોલોમાઈટ ઉદ્યોગ છે. હાલમાં છોટાઉદેપુર જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી દ્વારા વારંવાર લિઝો ઉપર પોતે તથા પોતાના સ્ટાફ સાથે અણધાર્યું ચેકીંગ કરે છે. અને ખોટી રીતે ટ્રકો વાળા ને હેરાન કરે છે અને ટ્રકો સિઝ કરે છે.