છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં રજવાડાના સમયથી એક માત્ર ઓરસંગ નદીમાં રેતીનો વ્યવસાય કરી ગુજરાન કરતા વણઝારા પરિવારો દ્વારા મંગળવારના રોજ બોડેલી ખાતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. એક સમય જયારે વાહનોના સ્થાને પશુઓ ઉપર સમાન લાદી વેપાર - વ્યવસાય કરાતો હતો. તેવા સમયથી જિલ્લામાં વસેલા વણઝારા પરિવારો રેતી વહન કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કાળક્રમે સરકાર દ્વારા રેતીની લીઝો અપાતા આ રોજગાર માત્ર જિલ્લા પૂરતો સીમિત ના રહેતા સમગ્ર ગુજરાતમાં અહીંથી રેતી વહન થવા લાગી. આ ગરીબ પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા ટ્રેકટરો વસાવી તેના દ્વારા પોતાના ગામ - નગરમાં રેતી વહન કરતા થયા પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા વધુ રોયલ્ટી માંગવામાં આવતી હોવાની કેફિયત સાથે અને લોકલ ફેરા કરી ગુજરાન ચલાવતા આ પરિવારોને વધુ પડતી કનડગત કરાતી હોવાના આરોપ સાથે તેમને ડે. કલેક્ટરને આવેદન આપ્યું હતું. સફેદ રેતીના કાળા ધંધામાં રેતમાફિયાઓ સક્રિય બન્યા છે. ખાણખનીજ વિભાગ તેમની તો સરભરા કરે જ છે. પરંતુ વિભાગ દ્વારા આ લોકલ ફેરા કરતા રેતીના ટ્રેકટરો પકડી પડી મસમોટા તોડ પાડવામાં આવતા હોવાના કિસ્સા પણ પ્રકાશિત થયા છે. આ ગરીબ પરિવારોએ આવેદનમા બળાપો ઠાલવ્યો હતો.