ભારતમાં એપલની આઇફોન નિકાસ બમણી : ઉત્પાદનમાં ૫૭%નો વધારો
14, એપ્રીલ 2025 નવી દિલ્હી   |  

એપલ ભારતમાં મજબૂત બે આંકડાની વૃદ્ધિ હાંસલ કરે છે : સીઈઓ ટિમ કૂક

નાણાકીય વર્ષ ૨૦૨૫ દરમિયાન દેશમાં એસેમ્બલ થયેલા આઇફોન માટે કુલ ફ્રેઇટ ઓન બોર્ડ ઉત્પાદનમાં એપલે ૨૨ બિલિયન ડોલર એટલે કે લગભગ રૂા. ૧.૮૯ લાખ કરોડનો આંકડો આંબ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ૫૭ ટકાનો વધારો છે. કુલ ફ્રેઇટ ઓન બોર્ડ કમાણીનો ૮૦ ટકા હિસ્સો નિકાસમાંથી આવ્યો હતો, જ્યારે બાકીનો ૪.૫ બિલિયન ડોલર સ્થાનિક બજાર માટે ફોન એસેમ્બલિંગમાંથી આવ્યો હતો. કુલ બજાર મૂલ્ય વિતરણ, વેચાણ અને માર્જિન સહિત, આશરે ૩૩ બિલિયન ડોલર એટલે કે લગભગ રૂા. ૨.૮૪ લાખ કરોડ હોવાનો અંદાજ છે. આનાથી તે દેશની સૌથી મોટી ઉત્પાદન કંપનીઓમાંની એક બની ગઈ છે.


સ્થાનિક ઉત્પાદનામં પણ ૧૨.૫ ટકાનો વધારો નોંધાયો

નાણાકીય વર્ષ ૨૦૨૫માં નિકાસમાં ૭૫ ટકાનો આશ્ચર્યજનક વિકાસ થયો છે જ્યારે સ્થાનિક ઉત્પાદનમાં પણ ૧૨.૫ ટકાનો વધારો થયો છે. દેશમાં પ્રીમિયમ સ્માર્ટફોનની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે. એપલના સીઈઓ ટિમ કૂકે અનેક પ્રસંગોએ ભારતીય બજારમાં તેમની કંપનીએ મેળવેલી સફળતા વિશે વાત કરી છે. તેઓ અહીં કંપનીના વિકાસ અંગે ખૂબ જ આશાવાદી છે. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે આઇફોનના કુલ ઉત્પાદન મૂલ્યમાં નિકાસના હિસ્સામાં તીવ્ર વધારો નોંધાયો છે.

નાણાકીય ૨૦૨૪માં આઇફોનનું ઉત્પાદન મૂલ્ય બમણું થયું

નાણાકીય વર્ષ ૨૦૨૩ અને નાણાકીય વર્ષ ૨૦૨૪માં નિકાસ દર વર્ષે ૭૧ ટકા હોવાનો અંદાજ હતો જ્યારે હવે, નાણાકીય વર્ષ ૨૦૨૫માં તેમાં ૯ ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં, નાણાકીય વર્ષ ૨૦૨૪ માં આઇફોનનું ઉત્પાદન મૂલ્ય પાછલા વર્ષોમાં ૭ બિલિયન ડોલરથી બમણું થઈને ૧૪ બિલિયન ડોલર થયું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં પણ આ ગતિ ચાલુ રહી.

૨૦૨૪માં એપલનું બજાર મૂલ્ય મારુતિ સુઝુકી કરતાં બમણું

બજારમાં એપલના વર્ચસ્વનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ ાં કુલ ૨૪ બિલિયન ડોલર મોબાઇલ નિકાસમાં તેનો હિસ્સો ૭૩ ટકા હતો. આ વર્ષના એફઓબી ઉત્પાદન મૂલ્ય કરતાં પણ ઘણું વધારે છે. નોંધપાત્ર રીતે, એપલના આઇફોનનું બજાર મૂલ્ય નાણાકીય વર્ષ ૨૦૨૪માં મારુતિ સુઝુકી દ્વારા નોંધાયેલા રૂા. ૧.૪૬ લાખ કરોડના આવક કરતાં લગભગ બમણું છે. એટલું જ નહીં, તેણે નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે ટાટા સ્ટીલની રૂા. ૨.૨૯ લાખ કરોડની આવકને પણ વટાવી દીધી છે. દેશમાં એપલના મુખ્ય હરીફ સેમસંગ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૨૪માં રૂા. ૧.૦૩ લાખ કરોડની આવક નોંધાવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution