વેદોમાં શિવ, શક્તિ અને ગણેશજીનું પ્રાગટ્ય

લેખકઃ ડો.કૌશિક ચૌધરી | 


આપણે જાણ્યું કે ચાર વેદોનું સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદોમાં સંપાદન તેમજ આધાર પુરાણોનું લેખન મહર્ષિ વેદ વ્યાસે જ કર્યું છે. એટલે પુરાણોમાં એજ વાતને લોકભોગ્ય અને વિસ્તૃત બનાવાયું છે જે વેદોમાં પહેલેથી છે. પુરાણોના ભગવાન વિષ્ણુ નારાયણ ઋગ્વેદમાં બારમા આદિત્ય તરીકે સમસ્ત સંસારમાં વ્યાપક (વિષ્ણુ) દેવ તરીકે પ્રગટ કરાયા છે, અને ઋગ્વેદના જ બ્રાહ્મણ ગ્રંથમાં તેમને સર્વોચ્ચ દેવ તરીકે સ્થાપિત કરાયા છે. અને ઋગ્વેદ પછી આવતા યજુર્વેદમાં એ જ ભગવાન વિષ્ણુને નારાયણ અને વાસુદેવ રૂપે પ્રસ્તુત કરી તેમને મૂળ પરમેશ્વર તરીકે સ્થાપિત કરાય છે. એ જ રીતે આજે જાણીએ કે પુરાણોના શિવ અને શક્તિ વેદોમાં કયા રૂપે પ્રગટ થયેલા છે. શિવને શિવ પુરાણ સિવાય મોટા ભાગના પુરાણોમાં રુદ્ર તરીકે વધુ ઉલ્લેખાયા છે. શિવ પુરાણમાં જ તેમના શિવ નામને વધુ રજૂ કરાયું છે. શિવનું એ રુદ્ર સ્વરૂપ વેદોમાં રુદ્ર દેવ તરીકે બહુ સારી રીતે ઉપસ્થિત છે.

ઋગ્વેદના કુલ છ સૂક્ત (૧.૪૩, ૧.૧૧૪, ૨.૩૩, ૬.૭૪, ૭.૪૬, ૮.૬૩) રુદ્રના આહ્વાન માટે છે. ઋગ્વેદના રુદ્ર દેવ યુધ્ધના દેવ છે જે લોકોનું અને યોદ્ધાઓનું રક્ષણ કરે છે. તે જટાધારી છે, કથાઓના દેવ છે. આ સાથે તેમને શ્રેષ્ઠ મતિના, ઉચ્ચ જ્ઞાન અને વિચારો ધરાવતા દેવ માની તેમની પાસે સારી બુદ્ધિ અને વિચારો માંગવામાં આવે છે. તેમનો આહાર હંમેશા શુધ્ધ અને આરોગ્યપ્રદ હોવાથી તેમની પાસે આરોગ્યની માંગ કરવામાં આવે છે. તે રૌદ્ર રૂપે સંસારનો વિનાશ કરનારા દેવ હોવાથી તેમનાથી પોતાના સ્વજનો, યોદ્ધાઓ અને શરીરનો વધ ન કરવાની પણ પ્રાર્થના કરાય છે. આમ, ઋગ્વેદના આક્રમક હોવા સાથે ઉચ્ચ વિચારો અને જ્ઞાન ધરાવતા રુદ્ર દેવને બીજા વેદ યજુર્વેદમાં જ્ઞાન વડે વધુ શાંત થયેલા અને પૂજનીય બનાવવામાં આવ્યા છે. અને કૃષ્ણ યજુર્વેદની તૈતેરીય સંહિતાના ચોથા કાંડના પાંચમા અને સાતમા પ્રશ્નમાં અનેક શ્લોકોમાં ફેલાયેલો શ્રી રુદ્રમ સ્ત્રોત આવેલો છે. આ શ્રીરૂદ્રમ કે રુદ્ર પ્રશ્ન પણ કહેવાય છે, જેમાં વારંવાર રુદ્રને શિવ વિશેષણ સાથે ઉલ્લેખવામાં આવ્યા છે, જ્યાં શિવ શબ્દનો અર્થ છે પરમ શાંત બનેલો કે પરમ પૂજ્ય. આ સ્ત્રોતમાં જ ‘નમઃ શિવાય’ પહેલીવાર વેદોમાં દેખાય છે, અને ‘ૐ ત્રયંબકે યજમ્યહે...’ રૂપે મહામૃત્યુંજય મંત્ર પણ આ રુદ્ર પ્રશ્નમાંથી જ પ્રાપ્ત થયો છે. આમ, રુદ્રને શિવ તરીકે યજુર્વેદમાં જ સ્થાપિત કરી દેવાયા છે, જ્યારે ઋગ્વેદના રુદ્ર અને પુરાણોના રુદ્ર રૂપે શિવની બધી લાક્ષણિકતાઓ એક જ છે. આમ, એ કથન પણ એક બહુ મોટો દુષ્પ્રચાર છે કે વેદોમાં ભગવાન શિવ નથી. વેદોમાં જ રુદ્ર દેવના ચરિત્ર રૂપે શિવ અવસ્થા પહેલીવાર પ્રગટ કરાઈ છે, પુરાણોમાં બસ એ ચરિત્ર અને અવસ્થાને એક શરીરધારી ઈશ્વર અને તેમની કથાઓ સાથે રજૂ કરાયા છે.

શક્તિ માટે પણ એવું જ છે. દેવી ભાગવત કે શાકત પુરાણમાં ભગવતી દેવીનું શક્તિ રૂપ આપણે જાણીએ છીએ જ્યાં ભગવતી જ શક્તિ રૂપે દરેક અણુને સ્પંદન કરાવ છે, તે જ દરેક દેવને તેની શક્તિ આપે છે. તે જ રુદ્રને શિવ અને વિષ્ણુને વિષ્ણુ બનાવે છે. બસ, બિલકુલ એ જ રૂપમાં એ જ વાત કહેતી દેવી ઋગ્વેદના દસમા મંડળના ૧૨૫મા સુક્તમાં ઉપલબ્ધ છે, જે દેવી સુકત તરીકે ઓળખાય છે. આ દેવી સૂક્તનો આધાર લઈને જ વેદ વ્યાસે દેવી ભાગવત કે શાકત પુરાણ રચ્યું છે. દેવી સૂક્તનો કેટલાક મંત્રો જાેઈએ.

‘હું રૂદ્રો, વસુઓ, આદિત્યો અને વિશ્વદેવોમાં વ્યાપ્ત થઈને તેમની સાથે વિચરણ કરું છું. હું જ મિત્ર, વરુણ, ઇન્દ્ર, અગ્નિ અને અશ્વિની કુમારને ધારણ કરું છું. (૧) હું જ પ્રકાશ આપવા માટે ચંદ્રમા અને સૂર્યને ધારણ કરું છું, હું જ મારી શક્તિથી સંપૂર્ણ વિશ્વ પર શાસન કરું છું. હું સમસ્ત વિદ્યાઓની જ્ઞાતા છું, હું જ વિભિન્ન રૂપોમાં અવસ્થિત મહિમામયી પ્રથમ પૂજનીયતા છું. દેવતા અને બ્રહ્મજ્ઞાની લોકો મને જ વિભિન્ન રૂપોમાં જુએ છે, અને અનુભવ કરે છે. (૨,૩) મારી શક્તિથી જ લોકો અન્ન ખાય છે, મારી શક્તિથી જ લોકો દેખે છે, સાંભળે છે અને શ્વાસ લે છે. હું જેને ચાહું છું તેને તેજસ્વી, શક્તિશાળી બનાવી દઉં છું. હું જ લોકોને પ્રતાડિત કરનારા બ્રહ્મદ્વેષી લોકોને હણવા રુદ્રના ધનુષ્ય પર બાણ ચઢાવું છું, અને યુધ્ધ કરું છું. મેં જ જગતના મસ્તક રૂપે આકાશમાં પ્રજાપાલક સૂર્યને સ્થાપિત કર્યો છે. સમગ્ર બ્રહ્માંડ મારામાં સમાહિત છે. હું આ સમસ્ત વિશ્વના સ્પર્શથી પર છું, અને તે સર્વેને મારામાં સમાહિત કરી લઉં છું. હું સમસ્ત લોકોની રચના કરી સ્વયં સૂક્ષ્મ વાયુના સમાન એમાં પ્રવાહિત રહું છું. (૪-૮).

ગણપતિ શબ્દ ઋગ્વેદના બીજા મંડળના ત્રેવીસમા સૂક્તમાં બ્રાહ્મણસ્પતિ નામે એક જ્ઞાનના અધિપતિ દેવ માટે વાપરવામાં આવ્યો છે. આજ જ્ઞાનના અધિપતિ દેવ એવા ગણપતિને યજુર્વેદના તૈતરેય અરણ્યકમાં વક્રતુંડ અને દંતી કહેવાયા છે. શ્લોક છે, ‘તે ઈશ્વરરૂપી પરમ પુરુષનું અમે ધ્યાન ધારીએ છીએ જે વાંકી સૂંઢ વાળા છે. એ દંતી સદમાર્ગે અમારું માર્ગદર્શન કરે.’(યજુર્વેદ, તૈતેરેય આરણ્યક ૧૦.૧.૧૫) આજ જ્ઞાનના અધિસ્થિત દેવ ગણપતિને મહર્ષિ વેદ વ્યાસે પુરાણોમાં શિવ અને શક્તિના પુત્ર અને પરબ્રહ્મ ઈશ્વરના એક સાકાર રૂપ તરીકે વણી લીધા હોય તેવું પ્રતીત થાય છે.

આ સિવાય પંચદેવમાં બાકી રહેલા સૂર્ય દેવને તો આદિત્ય અને વસુ બંનેમાં સ્થાન આપી પ્રજાપાલક ઈશ્વર તરીકે ઋગ્વેદમાં જ રજૂ કરાયા છે. એટલે સૌર પુરાણમાં સૂર્યને પરબ્રહ્મ પરમેશ્વર તરીકે વર્ણવતી વખતે મહર્ષિ વેદ વ્યાસ સર્વવ્યાપક આદિત્ય અને સૌથી ઉચ્ચ દેવ વિષ્ણુને પણ સૂર્યના જ એક સ્વરૂપ તરીકે ઉપયોગમાં લઇ લે છે. અને ભગવાન વિષ્ણુના પુરુષ તત્વ રૂપે રહેલા બ્રહ્માજીને ભગવાન સૂર્યનો અંશ બતાવે છે. આ રીતે સૌર પુરાણ અને બ્રહ્મ પુરાણ એક બને છે. આ રીતે વેદોમાં નિરાકાર ઈશ્વર જે તત્વ રૂપી અને આકાર રૂપી નામો સાથે રજૂ કરાયા છે, તે સાકાર નામોને પુરાણોમાં એક શરીર અને કથાઓ આપીને પરબ્રહ્મ રૂપી પંચદેવ તરીકે રજૂ કરાયા છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution