શિક્ષક દિવસે ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોના દેખાવ, પોલીસે અટકાયત કરી

ગાંધીનગર ટેટ-ટાટ શિક્ષકોની ભરતીને લઈને સરકારે આપેલા વાયદાનું પાલન હજુ સુધી ન થતાં આજે શિક્ષક દિવસે રાજ્યના ભાવિ શિક્ષકોએ ફરી આંદોલન શરૂ કર્યું હતું. ગાંધીનગર ખાતે સરકાર સમક્ષ રજૂઆત કરવા પહોંચેલા ભાવિ શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો રજૂઆત માટે ગાંધીનગર પહોંચ્યા હતા. જેમાં કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પડવાની માંગ સાથે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો, પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત કરાઇ હતી. જાે કે, પાંચ-સાત ઉમેદવારો શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરને મળ્યા હતા. શિક્ષણ મંત્રી ડિંડોરે ૧૫-૨૦ દિવસમાં ટેટ-ટાટની ભરતી અંગેની કાર્યવાહી કરાશે તેવું આશ્વાસન આપ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ૪૦૦૦ ટેટ-ટાટ શિક્ષકોની ભરતી કરવા માટેનું નોટિફિકેશન જાહેર કરવાની ખાતરી અપાઈ હતી. પરંતુ ૧ સપ્ટેમ્બર સુધી સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી. સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવાના બદલે ૧૧ માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેના કારણે રાજ્યના ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે નારાજગી અને રોષ જાેવા મળી રહ્યો છે. ટેટ-ટાટ શિક્ષકોની ભરતી કરવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો ફરી આંદોલનના મૂડમાં આવી ગયા છે. ભાવિ શિક્ષકો દ્વારા આજે શિક્ષક દિવસના રોજ સરકારને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. આંદોલન માટે ગાંધીનગર પથિકાશ્રમ એસટી બસ સ્ટેશન પાસે એકઠાં થયેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોને પોલીસ દ્વારા સચિવાલય તરફ જવા દેવામાં ન આવતા તેઓ રસ્તા પર બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે પોલીસ દ્વારા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. કેટલાક ઉમેદવારો ન માનતા તેમને ટિંગાટોળી કરી કરીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. આ દરમિયાનમાં પાંચ સાત ઉમેદવારોને શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરને મળ્યા હતા. જેમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર દ્વારા જણાવાયું હતું કે, મુખ્યમંત્રીએ આવનારા શિક્ષક દિવસ સુધીમાં તમામ ટેટ-ટાટ પાસ શિક્ષકો શાળામાં ફરજ ઉપર હશે તેવું આશ્વાસન આપ્યું છે. આ ઉપરાંત શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ઉમેદવારોને જણાવ્યું હતું કે, વિદ્યા સહાયકની ભરતીમાં પણ ફેરફાર કરવા અને સમયસર ભરતી કરવામાં આવશે. તેમજ તેમણે જણાવ્યું હતું કે, ૧૫ થી ૨૦ દિવસ સુધીમાં ટેટ-ટાટની અને વિદ્યા સહાયકની ભરતી પણ સમયસર કરવામાં આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution