વડાપ્રધાન દ્વારા દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ ખરીદવા પર ભાર આપવાની અપીલ

દિલ્હી-

વડાપ્રધાને તહેવારોની સિઝન પહેલા દેશવાસીઓને કોરોના સુરક્ષાને લઈ સતર્ક કર્યા હતા અને તહેવારો દરમિયાન સાવધાન રહેવા માટે કહ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, દેશ મોટા લક્ષ્યો નિર્ધારિત કરીને તેને હાંસલ કરવાનું જાણે છે પરંતુ આ માટે આપણે સતત સાવધાન રહેવાની જરૂર છે. આપણે બેદરકાર નથી બનવાનું. વડાપ્રધાને પોતાની વાત સમજાવતા કહ્યું કે, કવચ ગમે તેટલા ઉત્તમ હોય, આધુનિક હોય, સુરક્ષાની સંપૂર્ણ ગેરન્ટી આપતા હોય પરંતુ જ્યાં સુધી યુદ્ધ ચાલુ હોય ત્યાં સુધી હથિયાર ફેંકી ન દેવાય. તહેવારો દરમિયાન સતર્ક રહો, માસ્કને આદત બનાવી લો. કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૧૦મી વખત દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન ૨૧મી ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ ભારતે કોરોના વેક્સિનના ૧૦૦ કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો તેને લઈ શુભેચ્છા પાઠવી હતી.

વડાપ્રધાને આ ઉપલબ્ધિ પાછળ ૧૩૦ કરોડ દેશવાસીઓની કર્તવ્યશક્તિ લાગી છે માટે આ સફળતા ભારતની સફળતા છે અને દરેક દેશવાસીની સફળતા છે તેમ કહ્યું હતું. સાથે જ ૧૦૦ કરોડ વેક્સિન ડોઝ એ એક આંકડો નહીં પણ નવા અધ્યાયની શરૂઆત છે તેમ કહ્યું હતું. સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, ભારતનો સંપૂર્ણ વેક્સિનેશન પ્રોગ્રામ વિજ્ઞાનના ખોળામાં જન્મ્યો છે, વૈજ્ઞાનિક આધારો પર વિકસ્યો છે અને વૈજ્ઞાનિક રીતે ચારેય દિશાઓમાં પહોંચ્યો છે. સાથે જ ભારતનો સંપૂર્ણ વેક્સિનેશન પ્રોગ્રામ સાયન્સ બોર્ન, સાયન્સ ડ્રિવન અને સાયન્સ બેઝ્‌ડ છે તે દેશવાસીઓ માટે ગર્વ લેવા જેવી વાત છે તેમ કહ્યું હતું.

ભારતના અર્થતંત્ર અંગે વિશ્વાસ દર્શાવતા વડાપ્રધાને કહ્યું કે, નિષ્ણાંતો અને દેશ વિદેશની અનેક એજન્સી ભારતીય અર્થતંત્રને લઈ ખૂબ જ સકારાત્મક છે. આજે ભારતીય કંપનીઓમાં માત્ર રેકોર્ડ ઈન્વેસ્ટમેન્ટ જ નથી આવી રહ્યું પરંતુ યુવાનો માટે રોજગારીના નવા અવસરો પણ બની રહ્યા છે. જે રીતે સ્વચ્છ ભારત અભિયાન એક જનઆંદોલન છે એવી જ રીતે ભારતમાં બનેલી વસ્તુઓ ખરીદવી, ભારતીયો દ્વારા બનેલી વસ્તુઓ ખરીદવા, વોકલ ફોર લોકલ બનવું તેને વ્યવહારમાં લાવવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દરેક નાનામાં નાની વસ્તુ જે મેડ ઈન ઈન્ડિયા હોય, જેને બનાવવા પાછળ કોઈ ભારતવાસીનો પરસેવો વહ્યો હોય તેને ખરીદવા માટે જાેર આપવું જાેઈએ.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution