અલવા ગામે સ્ટેટ મોનિટરીંગ સેલને બૂટલેગરે ઘરમાં પૂરી દીધાં,પોલીસે છોડાવ્યા!!

વડોદરા, તા.૨૬

જિલ્લાના વાઘોડિયા તાલુકામાં બૂટલેગરો બેફામ બન્યા છે. થોડા મહિના અગાઉ ડભાઇના શંકરપુરામાં એલસીબીના કોન્ટેબલ પર કરાયેલાં હુમલાની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં ફરી એકવાર વાઘોડિયાના અલવા ગામે ખાખીનો ખૌફ ભૂલેલા બૂટલેગરે રેડ કરવા આવેલ સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારી અને તેની સાથે આવેલ પંચોને ઘરના પૂરી દેતાં ચકચાર મચી ગઈ છે.

અલવા ગામે ઘુળેટીના પર્વ પર ગામના તળાવ પાસેના મહાદેવ મંદિર નજીક કરિયાણા સહિત વિદેશી દારૂનો ખુલ્લેઆમ ધંધો કરતો જગો ઊર્ફે જગદિશ શનાભાઈ પરમારને ત્યાં એસએમસીએ બાતમીના આધારે રેડ કરી હતી. તપાસ દરમિયાન એક્ટિવાની ડેકીમાં સંતાડી રાખેલાં બીઅર તેમજ વિદેશી દારૂ ગ્રાહકોને આપતાં પોલીસેે રંગે હાથ પકડ્યો હતો. ત્યાર બાદ વિદેશી દારૂનો જથ્થો પકડવા જગાને લઈ તેના ઘરે પહોંચેલી પોલીસને જાેઈ ગ્રામજનો ટોળે વળ્યાં હતા અને બૂટલેગરના ઈશારે ગામલોકોએ હલ્લાબોલ કરી પોલીસને ઘેરી ઘરમાં પૂરી દીધાં હતા. જાેકે ગામમાં ચર્ચાતી વાતો મુજબ બુટલેગર સાથે સ્ટેટ મોનિટરીંગ સેલે બળ પ્રયોગ વાપરી ઝપ્પાઝપી કરતાં બૂટલેગરને હાથના કાંડાના ભાગે અને પગના ભાગે ઈજા થતાં ગ્રામજનો ઉશ્કેરાયાં હતા ને સ્ટેટ મોનિટરીંગ સેલ સહિત આવેલ અન્ય કર્મચારીઓ સાથે બબ્બે હાથ કર્યા બાદ ઘરમાં પૂરી દીધાં હતાં! લોકમુખે ચર્ચા વહેતી થતાં ચકચાર મચી ગઈ હતી.એટલું જ નહિ પોલીસને ઘરમાં પૂરી દઈ સંતાડેલો દારૂનો જથ્થો બૂટલેગરના સાગરીતોએ સગેવગે કર્યો હોવાની ચર્ચા ચોરેને ચૌટે ચાલી હતી.બીજી તરફ સ્ટેટ મોનિટરીંગ સેલની મદદે જિલ્લા પોલીસ, એલસીબી, પેરોલ ફર્લો સ્ક્વોડ સહિત સ્થાનિક પોલીસના ઘાડેઘાડા ગામમાં પહોંચ્યા હતા. પોલીસના ધાડા જાેતાં ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

બીજી તરફ પોલીસની મદદ લઈ બૂટલેગરને વાઘોડિયા પોલીસ મથકે લાવ્યા બાદ પ્રથમ સારવાર કરાવી બાદમાં તેની સામે કાયકેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. પોલીસે દારૂના જથ્થા સહિત રૂ.૩૧,૨૭૦નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે, પી. આર. જાડેજાએ મામલોને વાળી લેતાં જણાવ્યું હતું કે, ગામલોકોએ સિવિલ ડ્રેસમાં પહોંચેલી પોલીસને નકલી પોલીસ સમજી બેઠાં હતા. કોઈ કે પોલીસ પર હુમલાની અફવા ફેલાવી છે. ગેરસમજના કારણે તાલુકામાં પોલીસને માર માર્યાની વાત વહેતી થઈ હતી. સ્ટેટ મોનિટરીંગ સેલના છટકામાંથી બૂટલેગર ભાગવા જતાં પડી ગયો હતો, એટલે ઈજા પહોંચી હતી. ટેકનિકલનો જમાનો છે,એટલે લોકોએ ટોળાનો વિડીયો બનાવ્યો હોય, કોઈ હુમલાની ઘટના નથી બની.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution