'કસૌટી...'નો 'અનુરાગ' 2021માં કરશે લગ્ન,જાણો કોણ છે રિયલ લાઇફ પ્રેરણા

મુંબઇ

કહેવાય છે કે, પુરુષના દિલ સુધી પહોંચવાનો માર્ગ પેટમાં થઈને જાય છે અને એક્ટર સીઝેન ખાન  આ વાતની પુષ્ટિ પણ કરશે. એકતા કપૂરની સીરિયલ 'કસૌટી જિંદગી કી'ની પહેલી સીઝનમાં અનુરાગનો રોલ ભજવીને ઘરે-ઘરે જાણીતા થયેલા સીઝેનને પ્રેમ થઈ ગયો છે. 43 વર્ષનો એક્ટર ઉદાર દિલની અને સ્વાદિષ્ટ ભોજન બનાવતી યુવતીને દિલ આપી બેઠો છે. સીઝેને પ્રેમિકાના હાથનું સ્વાદિષ્ટ ડિનર ખાધા પછી તેને પ્રપોઝ પણ કરી હતી. સીઝેને પોતાના બર્થ ડે (28 ડિસેમ્બર) પર 'ખાસ વ્યક્તિ' સાથે તસવીર શેર કરી હતી.

સીઝેને કહ્યું, "કેપ્શન બધું કહી જાય છે. તે ખૂબ જ ખાસ છે અને હું તેને છેલ્લા 3 વર્ષથી ડેટ કરી રહ્યો છું. તે ઉત્તરપ્રદેશના અમોરાની છે. હું તેની સાથે ખૂબ ખુશ છું અને જલદી જ લગ્ન કરવાનો વિચાર કરી રહ્યો છું. અમે 2020ના અંતે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ મહામારીના કારણે બંધ રાખ્યા. અમે આ વર્ષે લગ્ન કરી લઈશું." 

જો કે, સીઝેને પોતાની લેડીલવનું નામ જાહેર ના કર્યું પરંતુ એટલું કહ્યું કે, એક કોમન ફ્રેન્ડે બંનેની ઓળખાણ કરાવી હતી. સીઝનને પ્રેમનો અહેસાસ ક્યારે થયો એ વિશે વાત કરતાં કહ્યું, "જે વ્યક્તિએ અમારી ઓળખાણ કરાવી હતી તે તેણીની કૂકિંગ સ્કીલના ખૂબ વખાણ કરતો હતો. હવે, હું દુનિયામાં ઘણા સ્થળોએ ફર્યો છું અને જાતજાતની વાનગીઓ ખાધી છે એટલે મને તેની પાસેથી કોઈ અપેક્ષા નહોતી. પરંતુ મારા જેવા ફૂડી વ્યક્તિને તેણે બિરયાની ખવડાવીને જ બોલ્ડ કરી દીધો. ડિનર પછી મેં તેને પ્રપોઝ કરી અને કહ્યું કે હું તેને પસંદ કરું છું અને જીવનભર તેના હાથનું ભોજન ખાવા માગુ છું." 

પોતાની પ્રેમિકા વિશે વાત કરતાં સીઝેને કહ્યું, "તે સાદી-સરળ અને ફન લવિંગ છે. તે ટિપિકલ પાર્ટનર જેવી નથી, મારે જે કરવું હોય તે કરવાની આઝાદી આપે છે. હું લાંબા સમય સુધી સિંગલ રહ્યો છું એવામાં કોઈને તમારા અંગત જીવનમાં ઘૂસવાની પરવનાગી આપવી મુશ્કેલ બની જાય છે. પરંતુ હું તેની સાથે  ખુલીને રહી શકું છું." 

2009માં 'સીતા ઔર ગીતા'માં જોવા મળેલો સીઝેન પ્રોફેશનલ ફ્રંટ પર પણ કેટલાક પ્રોજેક્ટ્સ અંગે વાટાઘાટના તબક્કામાં છે. લાંબા સમયથી ટેલિવિઝન સ્ક્રીનથી દૂર સીઝેને કહ્યું, "ભૂતકાળમાં મને ઘણા રિયાલિટી શો ઓફર થયા હતા. કેટલીય વાર બિગ બોસનો પ્રસ્તાવ મારી સામે આવ્યો હતો પરંતુ એ શો મારી ત્રેવડ બહારનો છે. અમુકવાર મને એવા શો પણ ઓફર થયા જેનો ભાગ બનીને હું ખુશ થયો હોત પરંતુ અંતે વાત બનતા-બનતા અટકી જતી હતી. ઉપરાંત હું ટ્રાવેલિંગ પણ ખૂબ કરતો હતો. જેના કારણે બ્રેક બહુ લાંબો થઈ ગયો. જો કે, ઈશ્વરની કૃપાથી મારે ક્યારેય આર્થિક મુશ્કેલીનો સામનો નથી કરવો પડ઼્યો. સાચું કહું તો હું એવો વ્યક્તિ છું જે જીવનને માણું છું. કામ જ્યારે મળવાનું હશે ત્યારે મળશે." 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution