14, એપ્રીલ 2025
પોરબંદર |
ભારતીય કોસ્ટગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં 300 કિલો જથ્થો ઝડપાયો
ભારતીય શિપને જોઈ પાકિસ્તાની બોટચાલકોએ ડ્રગ્સને દરિયામાં ફેંકી દીધું
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 'એક્સ' પર પોસ્ટ કરી કામગીરીને બિરદાવી
ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વધુ એક વખત 300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડને જોઈને પાકિસ્તાની બોટમાં સવાર લોકોએ જથ્થો દરિયામાં નાખી દીધો હતો.
ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવી જાય છે. ત્યારે, વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)ને સફળતા મળી છે. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહીમાં રૂપિયા 1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. કોસ્ટ ગાર્ડની શિપને જોઈને, પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટ ગાડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12- 13 એપ્રિલે હાથ ધરાયું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)એ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અરબી સમુદ્રમાં 1800 કરોડનું ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન, 300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં ICG એ પોતાનાં જહાજો અને વિમાનોને તહેનાત કર્યાં હતાં.