હાથરસ-
ઉત્તર પ્રદેશના હાથરસમાં વધુ એક રેપ અને પીડિતાના મરણનો કિસ્સો સામે આવ્યો છે. છ વર્ષની એક બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ બાળકી પર પાટનગર નવી દિલ્હીમાં સારવાર ચાલુ હતી. એ દરમિયાન બાળકી મરણ પામી હતી.
આ કિસ્સાની વિગત મુજબ પંદર દિવસ પહેલાં હાથરસના અલીગઢ જિલ્લાના સાદાબાદ વિસ્તારના મઇ જટોઇમાં રહેતી છ વર્ષની એક બાળકી પર રેપ ગુજારાયો હતો. આ બાળકીને સારવાર માટે પાટનગર નવી દિલ્હીની એક હૉસ્પિટલમાં લઇ જવાઇ હતી. આ બાળકી સારવાર દરમિયાન મરણ પામી હતી.
આ બાળકીના મૃતદેહ સાથે એના કુટુંબીજનો સડક પર ઊતર્યા હતા અને એવી માગણી કરી હતી કે બળાત્કાર કરનારો નહીં પકડાય ત્યાં સુધી અમે આ બાળકીના અંતિમ સંસ્કાર નહીં કરીએ. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ હાજર હતું. પોલીસે આરોપીને અટકાયતમાં લીધો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ બાળકીના કુટુંબીઓ કહે છે કે પોલીસે ખોટી વ્યક્તિને રેપના આરોપી તરીકે ફસાવી દીધી હતી. બળાત્કાર કરનાર વ્યક્તિ અલગ હતી.
બાળકીના પિતાએ કહ્યું હતું કે ત્રણ માસ પહેલાં મારી બે પુત્રીઓને એમની માસી પોતાને ઘેર લઇ ગઇ હતી. માસીના દીકરાએ નાની દીકરી પર રેપ કર્યો હતો. પોલીસ મારી મોટી દીકરીને ત્યાંથી પાછી લાવી આપે અને અસલી ગુનેગારની ધરપકડ કરે. અત્યારે પોલીસે જેને પકડ્યો છે એ છોકરો તો માનસિક બીમારીથી પીડાય છે. એને આ કેસ સાથે કશી લેવાદેવા નથી. બાળકીના પિતાએ પોલીસ પર બેદરકારીનો આક્ષેપ મૂક્યો હતો અને કહ્યું હતું કે મારી વાત પોલીસ સાંભળતી નથી. જિલ્લા વહીવટી તંત્ર અમારી વાતને ધ્યાનમાં લેતું નથી.
આ અંગે સાદાબાદના ડીએસપી બ્રહ્મસિંઘે મિડિયાને કહ્યું કે છોકરીઓની માતાનું અવસાન થઇ ગયું હતું એટલે માસી આ બંને બહેનોને સાથે લઇ ગઇ ઙતી. માસીના છોકરાએ રેપ કર્યો હતો. અમે સંબંધિત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા હતો. કેસની તપાસ ચાલુ હતી. અલીગઢના એએસપી પણ ઘટનાસ્થળે હાજર હતા.