વડોદરા,તા.૨૪
વડોદરા શહેરના વાઘોડિયો રોડ પર રહેતા સંદીપ પંચાલ ફેમિલી બિઝનેસ સાથે સંકળાયેલા છે. અને તેમની જીજે ૬ ડીસી ૨૦૦ નંબરની એકટીવા ૪ વર્ષથી વગર ટાયરે ગેરેજમાં ખખડધજ હાલતમાં પડ્યુ છે. આ એક્ટિવા સંદીપના પિતા કમલભાઇના નામે છે. અને આ સ્કૂટર માલિકને ટ્રાફિકના નિયમના ભંગ બદલ ઇ મેમો મોકલવામાં આવ્યો છે. જેમાં ચાલુ એક્ટિવામાં મોબાઇલ પર વાત કરવા બદલ ઇ-મેમો આપવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. જે મેમો મળતા સંદીપભાઇ આશ્ચર્યમાં મુકાયા છે. જે વાહન વર્ષો પહેલા જ મૂકી દીધુ તેનો મેમો કેવી રીતે આવી શકે તેવો સવાલ સંદીપ કરી રહ્યા છે.અને પોલીસ વિભાગમાં ચાલતા છબરડાને કારણે સામાન્ય માનવીને પડતી હાલાકીને લઇને રોષ ઠાલવી રહ્યા છે.શહેરમાં સિટી સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત છે. ટેક્નોલોજી દ્વારા સંચાલિત સિસ્ટમ થકી કેટલીક વખત ખોટી રીતે ઇ-મેમો મોકલવામાં આવ્યા હોવાના કિસ્સાઓ પણ અગાઉ પ્રકાશમાં આવી ચુક્યા છે. જેમાં વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.