દારા ભેંસાણિયા |
ક્રોધ નિવારણનો ઉપાય સૂચવતાં ગોરક્ષનાથજી કહે છે. ‘અગિલા અગ્નિ હોઈબા, અવધૂ, તો આપણા હોઈબા પાણી. મતલબ કોઈક વ્યક્તિ ક્રોધથી અગ્નિ જેવો થઈ જાય તો આપણે પાણી જેવાં શાંત અને શીતલ થઈ જવું. ગમે તેવો અગ્નિ પાણી આગળ ઠરી જાય છે.
આપણા સંતો ક્ષમા ઉપર ખૂબ ભાર મૂકે છે. તુલસીદાસજી કહે છે,
‘જહાં ક્રોધ તહાં કાલ હૈ,
જહાં છિમા તહાં આપ.'
ક્રોધ એ કાળનું સ્વરૂપ છે અને ક્ષમા એ શિવનું સ્વરૂપ છે. કબીરસાહેબ તેમની લાક્ષણિક રીતે કહે છે,
‘ક્ષમા બડન કો ચાહિયે, છોટન કે ઉપપાત;
કહા બિષ્ણુકો ઘટિ ગયો, જાે ભૃગુ મારી લાત?
મોટાઓનો સ્વભાવ ક્ષમાશીલ હોય છે અને નાનાઓનો સ્વભાવ ઉપદ્રવી હોય છે. ભગવાન વિષ્ણુની છાતીમાં ભૃગુઋષિએ જાેરથી લાત મારી તેમાં તેમનું શું ઘટી ગયું?
મીરાંબાઈને ઝેરનો પ્યાલો પાઈ મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો, છતાં તેઓ રીસે ન ભરાયાં. નરસિંહ મહેતાને નાગરોએ નાત બહાર મૂકયા તોય તેઓ ગુસ્સે ન થયા. આવાં અનેક દૃષ્ટાંતો છે. દ્રૌપદી જેવી અબળાએ અશ્વત્થામાને જીવતદાન આપ્યું હતું તે અસામાન્ય પ્રસંગ હતો.
મહાભારતના યુદ્ધપ્રસંગમાં દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ રાત્રિસંહારમાં દ્રૌપદીના પાંચે પુત્રોનો શિરચ્છેદ કર્યો, ત્યારે ભીમે પ્રતિજ્ઞા કરી હતી કે, તારા પુત્રોનો વધ કરનારના માથા પર તને બેસાડીને સ્નાન કરાવું ત્યારે જ મારું નામ ભીમ સાર્થક સમજજે. પુત્રોના મરણથી દ્રૌપદી અવિશ્રાંત કલ્પાંત કરતી હતી, તેણે ભીમની આ પ્રતિજ્ઞાનો કંઈ પ્રત્યુત્તર આપ્યો નહીં. પછી ભીમ શ્રી કૃષ્ણને સાથે લઈને અશ્વત્થામાને પકડવા ગયા અને તેની સાથે ઘનઘોર યુદ્ધ કરી તેને જીવતો પકડી લાવ્યા.
અશ્વત્થામાનો શિરચ્છેદ કરવાનો ભીમે વિચાર દર્શાવ્યો, ત્યારે ખેદમાં ડૂબેલી દ્રૌપદીએ આર્યનારીને અનુરૂપ ઉત્તર આપ્યો, ‘હે મહારાજ શ્રી કૃષ્ણ! હે સ્વામી ભીમ! અશ્વત્થામાને છોડી દો. એ આપના ગુરુપુત્ર છે. મારા પુત્રોના શિરચ્છેદ કરવાનું બ્રાહ્મણને નહિ ઘટે તેવું કૃત્ય તેમણે કર્યું છે, પરંતુ મારા પુત્રના મરણથી જેવો મને શોક અને ખેદ થાય છે તથા મારા નેત્રોમાંથી જેવા અશ્રુઓનો ધોધ વહે છે, તેવો શોક અને ખેદ ગુરુપત્ની કૃપીને કરાવી તેનાં નેત્રોમાંથી અશ્રુઓનો ધોધ વહેવડાવવા હું ઇચ્છતી નથી. તમારા ગુરુપુત્રના વધથી મારા પુત્રો ફરી સજીવન થવાના નથી. તેમનું આયુષ્ય પૂર્ણ થયું હતું. આથી તેઓ ગયા, પરંતુ હવે હું ક્રોધ કરી અશ્વત્થામાના પ્રાણ હણાવું તે મને ર્નિબળ જીવનું કર્તવ્ય લાગે છે.
પ્રસિદ્ધ તત્ત્વચિંતક સોક્રેટિસ સાચો હોવા છતાં તેને દેહાંતદંડ કરવામાં આવ્યો હતો. ત્યારે તેણે વિરોધીઓને ક્ષમા આપી કહ્યું હતું, 'મારે આજે સંસારની જંજાળમાંથી છૂટવાનું છે. મને આ સજા કરનાર કે મારા પર આરોપ મૂકનાર માટે મને સહેજે ક્રોધ નથી. આજે નહિ તો કાલે, આ યુગે નહિ તો આવતા યુગે મારું સત્ય પ્રકટ થશે’.
ઈસુ મસીહાને મોત બક્ષનારા માટે તે પ્રભુને પ્રાર્થે છે - 'હે પ્રભુ! આ લોકોને ખબર નથી કે તેઓ શું કરે છે, માટે તું તમને ક્ષમા આપ.”
મહાન પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિક ફ્રોઈડે દુવૃત્તિઓના નિવારણ અર્થે રેચન પદ્ધતિ દર્શાવી છે જે ખૂબ ઉપયોગી છે. રેચન પદ્ધતિ મુજબ તમને કોઈના પર ક્રોધ આવ્યો હોય તો શાંત જગ્યાએ બેસી એક પાના પર ક્રોધના વિચારોને લખી નાખો. સામેવાળી વ્યક્તિને મારવાના, ખૂન કરવાના કે ગમે તેવા દુષ્ટ વિચારો આવતા હોય, ગાળો આવતી હોય તે બધું જ નિઃસંકોચ કાગળ પર લખી નાખો. આમ કરવાથી ક્રોધનો ઊભરો તમારા મનમાંથી બહાર નીકળી જશે અને તમે થોડીવારમાં જ સ્વસ્થ થઈ શકશો. કોઈ પણ દુવૃત્તિની નિવૃત્તિ માટે આ ઉપાય લાભપ્રદ છે.
ભારતના એક મનોવિજ્ઞાનના પ્રાધ્યાપકમાંથી મહાત્મા બનેલી વ્યક્તિએ તેમના આશ્રમમાં ક્રોધ નિવારણ માટે 'ડનલોપ વૉલ' બનાવી હતી. જેમનામાં ક્રોધનો આવેગ વધુ હોય તેને આ દીવાલ પર મુક્કાઓ, લાતો મારવાનું સૂચવવામાં આવતું. આ રીતે પણ ક્રોધનું વિરેચન થતાં મન હળવું બની જાય છે.
રાવણને દશ માથાં હતાં. એક કાપો તો બીજું નીકળે અને બીજું કાપો તો ત્રીજું ફૂટે. ઉપરોક્ત ઉપાયો દ્વારા રાવણના માથાની માફક ક્રોધ શમે છે, પણ રાવણની માફક સંપૂર્ણ નષ્ટ નથી થતો. આ માટેનું જીવલેણ તીર છે સતત જાગૃતિ ખાસ કરીને જ્યારે ક્રોધ આવે ત્યારે તેને જુઓ. ક્રોધનું કારણ ન જુઓ, સામેની વ્યક્તિને ન જુઓ. જાેવાનું તો અંદર છે. અંદર જાેશો તો ક્રોધનું મોજું આવતું તમે જાેઈ શકશો. ક્રોધના આવેગને તમે સ્પષ્ટ જાેઈ શકશો. એકવાર તમને તેનો પરિચય થશે પછી તમે તેનાથી ચલિત નહીં થાવ. અહીં બાહ્ય પરિચયની વાત નથી. એવો પરિચય તો આપણને છે જ. આપણે તો ક્રોધના સ્વરૂપને ઓળખવાનું છે. ક્રોધ આવે ત્યારે તમે મનને નિહાળશો તો જ વૃત્તિ ઊઠે છે તેને જાેઈ શકશો, પકડી શકશો. કામના આવેગ કરતાં ક્રોધનો આવેગ વધુ ઝડપી હોય છે. ઘણીવાર તો ક્ષણવારમાં ક્રોધનો આવેગ ઉપર સુધી આવી ગયો હોય છે. આવેગ જેટલો ઝડપી, તેટલો તેને જાેવો મુશ્કેલ. પરંતુ સજાગ રહી પ્રયત્ન કરવાથી તેને જાેઈ શકાશે, સમજી શકાશે. તેમ થયું તો નક્કી રાવણરૂપ ક્રોધદૈત્ય મરવાનો જ.
શ્રી જે. કૃષ્ણમૂર્તિ આ સંદર્ભમાં સમજાવે છે, ‘અત્યારે ક્રોધ કે ભયના પ્રશ્નમાં જવાથી કશો ફાયદો નથી. જેવો ક્રોધ ઉદ્ભવે એ જ વખતે એનું અવલોકન થવું જાેઈએ. દર્શન તત્કાલ થાય છે. તમે સમજી શકો તો તે જ વખતે સમજી શકો, નહીં તો કદી નહીં.
જે જાગ્રત છે તે જીવે છે, જે આવેગોમાં ઘસડાય છે તે મૃતઃપ્રાય છે.