વડોદરા : શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિનો વિરોધ અને ફ્રાન્સમાં નિર્મિત ચીજવસ્તુઓના બહિષ્કારના પોસ્ટરો-બેનરો લાગતાં ભારે ચકચાર જાગી હતી. પૂર્વઆયોજિત અને યોજનાબદ્ધ રીતે લાગેલા આ બેનરો-પોસ્ટરોમાં મુસ્લિમોનો રોષ પ્રગટ થતો હતો, જેને લઈને ઈદે મિલાદના દિવસે જ શહેરમાં અશાંતિ ફેલાય એવું વાતાવરણ ઊભું થયું હતું. જાે કે, ઊંઘમાંથી સફાળી જાગેલી પોલીસે સમજાવટથી કામ લઈને આ પોસ્ટરો-બેનરો દૂર કરાવ્યાં હતાં. એક તબક્કે વડાપ્રધાન કેવડિયાની મુલાકાત છે ત્યારે જ સૌથી નજીકમાં શહેરમાં તોફાનો ફેલાવવાના કાવતરાની શંકા ઊભી થઈ હતી. ઈસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગમ્બર સાહેબના જન્મદિને ઈદે મિલાદ તહેવાર તરીકે મુસ્લિમો ભારે ઉમકાળથી ઉજવે છે, એવા સમયે છેલ્લાં ઘણાં દિવસોથી ફ્રાન્સમાં થયેલી ઘટનાક્રમને વિશ્વભરમાં તેના પડઘા પડયા હતા. આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલા કાર્ટૂનને કારણે ફ્રાન્સનો દેશ દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે. જાે કે, મુસ્લિમ દેશો દ્વારા મોટાપાયે ફ્રાન્સનો વિરોધ કરવામાં આવે છે. તાજેતરમાં ફ્રાન્સમાં ચરમપંથીઓ દ્વારા ત્રણ લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના આંતરરાષ્ટ્રીય પડઘા પડી રહ્યા છે. દરમિયાન વડોદરાના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં બોટકોટ ફ્રાન્સના પોસ્ટરો લાગ્યા હતા.
મુસ્લિમ ધર્મગુરુ સંબંધિત કાર્ટૂન બનાવવા બદલ ફ્રાનસ સામે વૈશ્વિક વિરોધ જાેવા મળી રહ્યો છે. તાજેતરમાં ફ્રાન્સમાં ચાકુ વડે ત્રણ લોકો પર હુમલો થવાની ઘટના સામે આવી હતી. એક તરફ દુનિયા કોરોનાની મહામારી સાથે લડવા માટે એક થઈ રહી છે. ત્યારે બીજી તરફ ફ્રાન્સમાં આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલ કાર્ટૂનનો વિવાદ ચાલી રહ્યો છે. અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. વડોદરાના રાવપુરા સહિત અન્ય વિસ્તારોમાં બોયકોટ ફ્રાન્સના પોસ્ટર લગાડવામાં આવ્યા છે જેમાં ફ્રાન્સની ચીજવસ્તુઓ વેચવા કે ખરીદવા માટે પ્રતિબંધ કરવા જણાવાયું છે. મચ્છીપીઠ, બાવામાનપુરા, નવાબવાડામાં પોસ્ટરો-બેનરો લગાવાયાં હતાં. જાે કે, કારેલીબાગ પીઆઈએ મુસ્લિમ અગ્રણીઓને બોલાવી સમજાવટથી બેનરો-પોસ્ટરો દૂર કરાવ્યાં હતાં.
પ્રધાનમંત્રી મોદી દ્વારા તાજેતરમાં ફ્રાન્સમાં થયેલા હુમલા અંગે શોક વ્યક્ત કરાયો હતો. પીએમ મોદી હાલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયાની મુલાકાત છે. ત્યારે બોયકોટ ફ્રાન્સના પોસ્ટરોએ શહેરમાં ઉત્તેજના જગાવી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગંભીર નોંધ લઈ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. બોયકોટ ફ્રાન્સના પોસ્ટરોમાં ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ મેક્રોનનો ફોટો મૂકવામાં આવ્યો છે અને તેના પર બુટનો માર્ક લગાડવામાં આવ્યો છે, તેની સાથે પોસ્ટરમાં ફ્રાન્સની કંપનીઓના નામ સાથે લોગો પણ મૂકવામાં આવ્યો છે. આમ ફ્રાન્સની ચીજવસ્તુઓની લે-વેચ કરવા માટે પ્રતિબંધ મુકી ફ્રાન્સનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મુંબઈ, ભોપાલ સહિત દેશના અન્ય શહેરોમાં આજે સવારથી જ આ પોસ્ટરો લાગ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે બધા સ્થળો ઉપર વિરોધ અંગેના પોસ્ટરો અને લખાણ એક સરખા જ હોવાથી પોલીસને કોઈ દેશવ્યાપી સંગઠન આની પાછળ જવાબદાર હોવાનું લાગી રહ્યું છે.
પોસ્ટરો કોણે લગાવ્યાં તેની તપાસ શરૂ
શહેરમાં લાગેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિના બેનરોને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. આવા તત્ત્વો કોમી ઉશ્કેરાટ પણ ફેલાવી શકે છે એવી શક્યતાને આધારે આ પોસ્ટરો કોને લગાવ્યાં છે એની શોધખોળ માટે બાતમીદારોને સક્રિય કર્યા હોવા ઉપરાંત સોશિયલ મીડિયા અને ખાસ કરીને વોટ્સએપ ગ્રૂપના સંદેશાઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા રિક્ષા ચેકિંગ હાથ ધરાયું
ફ્રાન્સના રાષ્ટ્રપતિનો વિરોધ અને ચીજ વસ્તુઓના બોયકોટ મામલે આઈબી અને સમગ્ર તંત્ર ઉઘંતુ ઝડપાયુ હતું. ત્યારે ક્રાઈમ બ્રાંચ દ્વારા ઈદે મિલાદ ઉપરાંત આગામી તહેાવરોને અનુલક્ષીને ઓટોરીક્ષા ચેકીંગની ખાસ ઝુબેશ હાથ ધરવામાં આવી હતી. જેને લઈ અસામાજીક તત્વોમાં ફફળાટ ફેલાયો હતો. મુસ્લીમોના વિરોધના પડઘાના પડે એ માટે ક્રાઈમ બ્રાંચની ૬ ટીમોએ અકોટા બ્રાીજ, પંડયા બ્રીજ, ગોત્રી, રેલવે સ્ટેશન, બસ ડેપો, સુશેન સર્કલ, નરહરી હોસ્પિટલ, કપુરાઈ ખાતે તહેવારોને અનુલક્ષી હાથ ધરેલા ચેકીંગમાં ૯૦ ઉપરાત રીક્ષાઓની તપાસ હાથ ધરી હતી.
ફ્રાન્સના વિરોધમાં લાગેલાં પોસ્ટર-બેનરો હટાવી લેવાયાં
ફ્રાન્સમાં ચાલી રહેલા વિવાદમાં શહેરના સંવેદનશીલ એવા રાવપુરા રોડ અને નવાબવાડાના અજાણ્યા લોકોએ વિનાકારણ ઝંપલાવ્યું હતું અને તેઓએ મેઈનરોડ પર નીચે ફ્રાન્સના રાષ્ટ્રપતિના ફોટા સાથે ‘બોયકોટ’ લખેલું નાનુ પોસ્ટર લગાવ્યું હતુ તેમજ નવાબવાડામાં નિશાંત ચેમ્બર પાસે રોડની વચ્ચે વિશાળ બેનર લગાવવામાં આવ્યું હતું જેમાં ફ્રાન્સની જાણીતી કંપનીઓના નામ-લોગો સાથે લોકોને ફ્રાન્સની ચીજવસ્તુઓ નહી ખરીદી તેનો વિરોધ કરવા માટે આહ્યવાન કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર અને બેનરોથી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે અને કોમી ઉશ્કેરાટ ફેલાય તેમ હોઈ કારેલીબાગ પોલીસ મથકના પીઆઈ આર એ જાડેજાએ તુરંત આ વિસ્તારના મુસ્લીમ અગ્રણીઓને બોલાવીને તેઓને સમજાવ્યા હતા અને પોલીસની વાત ગળે ઉતરતા આખરે મુસ્લીમ અગ્રણીઓએ જ જાતે બેનર અને પોસ્ટર દુર કરતા મામલો થાળે પડ્યો હતો.