લેખકઃ ખ્યાતિ શાહ |
કાલા પાની’ વેબ સીરિઝ જાેતાં ‘ટિન્નોટુ ’ શબ્દ એ એકદમ ધ્યાન ખેંચ્યું. ટિન્નોટુ શબ્દ અંદામાન અને નિકોબારમાં રહેતા આદિવાસી જાતિનાં સમુહમાંથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ‘કંઇક ઊંડી સમજણ’.૨૦૦૪માં સુનામીને કારણે અંદામાનમાં ખાસ્સી તારાજી થઈ હતી, પરંતુ કહેવાય છે કે તેમાં ત્યાંનાં આદિવાસી જાતિનાં લોકોને એક ખરોંચ સુદ્ધાં ન આવી, કારણ કે આગોતરા કોઈ આફતનો અંદાજ આવી જવાથી તેઓ બધા જંગલ છોડી ઊંચા વિસ્તારમાં જતાં રહ્યાં હતાં.
પ્રકૃતિમાં થતાં આ બદલાવની સમજ તેમને કેવી રીતે પડી ? એવા સવાલમાં તેઓએ એમની ભાષામાં એક જ શબ્દ કહ્યો ‘ટિન્નોટુ’. પ્રકૃતિમાં આવેલાં બદલાવની સમજણ જેમ ત્યાંનાં આદિવાસી જાતિના લોકોમાં જાેવા મળી, એવી જ પશુપક્ષીઓમાં પણ જાેવા મળે છે. સુનામી અને ધરતીકંપ આવતાં પહેલાંની થોડીવાર પહેલાં હાથી, ભેંસ, ઉંદર, બિલાડી, કૂતરા અને ફ્લેમિંગો જેવાં બીજા પક્ષીઓને ઊંચા સ્થળે સ્થળાંતર કરતાં જાેયા હોવાનું લોકોએ નોંધ્યું છે.
ટિન્નોટુ એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથેનાં ઊંડા જાેડાણનાં પરિણામે વિકસેલી ગહન સમજણ, જેના લીધા તે વસ્તુ કે વ્યક્તિમાં જરા સરખો બદલાવ પણ અનુભવી શકાય છે. જરા વધુ વિચાર કરતાં એવું સમજાય છે કે આ ‘ટિન્નોટુ વધતાં ઓછા અંશે દરેક જીવમાં છે, બસ, એને સભાનપણે એક્ટિવ કરવાની જરૂર છે. આ સૃષ્ટિનો કણેકણ એકબીજા સાથે જાેડાયેલ છે. દરેક જીવની પોતાની પણ એક પ્રકૃતિ છે. જેમ જેમ આપણે કોઈ સાથે કનેક્ટ થઈએ તેમ એની પ્રકૃતિની સમજ પડે અને એની સાથેનું તાદાત્મ્ય કેળવાયા પછી એની ભીતર આવતાં બદલાવને આપણે અનુભવી શકીએ છીએ.
ટિન્નોટુ માત્ર એક શબ્દ નથી પરંતુ જીવવાની એક રીત છે. એક એવી કળા છે જે કેળવી શકાય છે અને આચરણમાં મૂકી શકાય છે. ટિન્નોટુ એ પ્રેમ, કરુણા અને શાણપણ દાખવી આપણાં સંબંધો અને જીવનને સમૃદ્ધ બનાવી શકે છે. ટિન્નોટુ ઘણી રીતે અને ઘણા સંદર્ભોમાં અનુભવી શકાય. ટિન્નોટુ આપણાં જીવનમાં આપણે ક્યાં અને કેવી રીતે અનુભવતાં હોઈએ છીએ એ સમજવા માટે કેટલાંક ઉદાહરણો જાેઈએ.
ઓફિસથી રાત્રે વિશાલ ઘરે આવે ત્યારે એના ચહેરા અને બોડી લેંગ્વેજ પરથી એની પત્ની સમજી જતી કે આજે દિવસ કેવો રહ્યો હશે. પપ્પા-મમ્મીનો મૂડ બહુ સારો જાેવે ત્યારે જ બાળકો ફરમાઇશ કરે છે. બાળકને પણ સમજ પડે છે કે ખરાબ મૂડ હશે ત્યારે કોઈ માગ કરીશું તો વઢ પડશે ને રિજેક્શન આવશે!
***
સ્વાતિ અડધું વાક્ય બોલી હોય ત્યાં એનો નાનો ભાઈ સમીર બાકીનું વાક્ય પૂરું કરી નાખતો. બંને એકબીજાની નાનામાં નાની આદતોથી પરિચિત છે. સમીર શુઝ કાઢ્યા પછી હંમેશા હાથ ધોવાનું ભૂલી જતો ને તરત સ્વાતિ કહેતી, ‘હાથ ધોયા?’
***
ગુંજનનો ફોન આવે એટલે સમય જાેઈ એનો અવાજ સાંભળી કોમલ સમજી જતી કે નક્કી કોઈ વાત હશે. પોતે ગમે તેટલી વ્યસ્ત હોય ગુંજનને વ્યક્ત થવા સમય આપતી. બંને બેસ્ટ ફ્રેન્ડ ક્યારેક કશું જ કહ્યા વગર ચૂપચાપ સાથે રહેતાં. અને ક્યારેક અડધી રાત્રે સાવ ગાંડા જેવાં સપનાં શેર કરવા એકબીજાને જગાડી કલાકો નકામી વાતો કરતાં.
***
રામબા એની વાડીએ ખાટલો ઢાળી બેઠા હોય ત્યારે ઝાડ-પાન, પક્ષીઓ, અને પાળેલા ગાય કૂતરા સાથે વાતો કરતાં જાેવા મળે. વાતાવરણમાં અણધાર્યો બદલાવ થાય ત્યારે બા ઘણીવાર આગોતરા કહે કે વરતારો સારો નથી.
***
નિકુંજ ખૂબ ખુશ હોય ત્યારે રાતના એકાંતમાં અગાશી પર જઈ ગિટાર વગાડતો. ઉદાસી ઘેરી વળે ત્યારે ડાયરી લખતો. અને મૂડ ચેન્જ કરવા સિલેક્ટિવ પુસ્તકો વાંચતો.
***
અમીષા રોજ પોતાની જાત સાથે થોડો સમય રહેવું પસંદ કરે. એના શરીરની પ્રકૃતિથી એટલી હદે વાકેફ કે પોતાને શું અનુકૂળ છે ને શું નથી તે બરાબર જાણે. અરે બીમાર પડ્યા પહેલાં એનું શરીર સિગ્નલ આપે ને બહેન સાવધાન મોડમાં આવી જાય! પોતાના આચાર વિચાર પ્રત્યે એકદમ સભાન.
આપણી જાત સાથે, પ્રિયજન સાથે, પ્રકૃતિ પશુ પક્ષી સાથે કે આપણી હોબી’ઝ સાથે આપણું આ કનેશન અને એકબીજા માટેની ઊંડી સમજણ એ ટિન્નોટુ જ તો છે! આ ટિન્નોટુ કોઈ એવી વસ્તુ નથી જે રાતોરાત મેળવી શકાય. તેને માટે સમય, ધીરજ, ધ્યાન સાથે મોકળા મનથી સ્વીકારવાની ભાવના જાેઈએ. આપણામાં ધ્યાનપૂર્વક સાંભળવાની, ઑબ્ઝર્વ કરવાની, અનુભવવાની અને અંતરના ઊંડાણથી જાેડાયેલા રહેવાની પ્રબળ ઈચ્છા જાેઈએ. તે માટે દરેક વસ્તુ કે વ્યક્તિની વિશિષ્ટતા અને જટિલતા માટે સમાન આદર જાેઈએ. ટિન્નોટુ સૃષ્ટિના કણેકણને એકબીજા સાથે સાંકળી રાખવા માટેનો ગહન અભિગમ છે. ટિન્નોટુ આપણને વધુ સમજદારીપૂર્વક, પ્રેમથી એકબીજા સાથે તાદાત્મ્ય કેળવી જીવવાની પ્રેરણા આપે છે. ટિન્નોટુ ફક્ત એક શબ્દ ન રહેતાં જીવન પરિવર્તિત કરી શકવાની ક્ષમતા ધરાવે છે.