સિદ્ધાર્થ છાયા |
આપણે અગાઉની ફિલ્મોસોફીમાં જ ચર્ચા કરી હતી કે ઋષિકેશ મુખરજી પોતાની ફિલ્મો માટે એવા વિષયોની પસંદગી કરવામાં ચેમ્પિયન હતા જે સનાતન હોય. આજની આપણી ફિલ્મનો વિષય પણ એવો જ છે અને આ ફિલ્મ પણ ઋષિકેશ મુખરજી દ્વારા જ ડાયરેક્ટ કરવામાં આવી છે. ફરક માત્ર એટલો છે કે ‘બેમિસાલ’ કદાચ તેમની એકમાત્ર ફિલ્મ છે જેમાં આપણને થોડાંક ડાર્ક શેડ્સ જાેવા મળે છે.
‘બેમિસાલ’ની વાર્તા એક એવી વ્યક્તિની છે જેના પર એક પરિવારના અસંખ્ય ઉપકાર છે. આ વ્યક્તિ જે બાળપણમાં ગુંડાગર્દીની દુનિયામાં પ્રવેશવાથી થોડો જ દૂર ત્યારે રહી ગયો હતો જ્યારે એક જજની નજરે તે ચડ્યો. આ જજે આ બાળકને દત્તક લઇ લીધો અને પોતાના દીકરાની સાથે જ ડોક્ટર બનાવ્યો. દીકરો ગાયનેકોલોજિસ્ટ બન્યો જ્યારે આ છોકરો ચાઈલ્ડ સ્પેશિયલિસ્ટ બન્યો.
બંને વચ્ચે ભાઈઓ જેવી જ મિત્રતા. એક વાર બંને કાશ્મીરના પ્રવાસે જાય છે અને બંનેની નજર એક જ યુવતી પર ઠરે છે. યુવતીને પેલો છોકરો જે જજ દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો તે પસંદ છે, પરંતુ જ્યારે એ પિતા-પુત્રના પોતાના પર અસંખ્ય ઉપકાર હોય ત્યારે તે એ મિત્રનું હ્રદય કેવી રીતે તોડી શકે? એ ન્યાયે પેલા ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર માટે જગ્યા કરી આપી અને તેના લગ્ન પેલી યુવતી સાથે થઇ ગયાં.
પ્રેમ તો છેવટે પ્રેમ હોય છે, તમે મગજને આ બાબતે ઉલ્લુ બનાવી શકો પણ હ્રદયને કેવી રીતે ઉલ્લુ બનાવશો? આથી પેલી યુવતી અને ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ બંનેએ એકબીજા પ્રત્યેની પ્રેમની ભાવનાને મિત્રતામાં પરિવર્તિત કરી દીધી. ડોક્ટર સાહેબ પોતાની જે પ્રેમિકા ન થઇ શકી તેને ‘સખી’ કહીને બોલાવવા લાગ્યાં જે રીતે કૃષ્ણ પોતાની મિત્ર દ્રૌપદીને બોલાવતાં હતાં.
બીજી બાજુ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરને પૈસા કમાવવાનું વ્યસન લાગી ગયું. આથી તે પ્રેગ્નન્ટ મહિલાઓના ઓપરેશન ઉપર ઓપરેશન કરવા માંડ્યો અને ગેરકાયદે હોવા છતાં કુંવારી મહિલાઓ કે પછી અન્ય મહિલાઓના ઢગલાબંધ પૈસા લઈને અબોર્શન પણ કરવા લાગ્યાંે. તેના ભાઈ જેવા મિત્રે તેને ઘણો રોક્યો પણ એ રોકાયો નહીં.
એવામાં એક ઓપરેશનમાં એ થાપ ખાઈ ગયો અને જેનું અબોર્શન કરવાનું હતું તે છોકરી ઓપરેશન ટેબલ પર જ મૃત્યુ પામી. ગાયનેકોલોજિસ્ટ તો ભાગી ગયો પણ તેનો આરોપ પેલા ચાઈલ્ડ સ્પેશિયલિસ્ટ ડોક્ટરે પોતાના માથે લઇ લીધો અને તેણે પોતે ૧૪ વર્ષની જેલ ભોગવી.
છે ને પ્રેમ અને મિત્રતાનું બેમિસાલ ઉદાહરણ?
પ્રશ્ન અહીં એ થાય છે કે પેલા ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે મિત્રનો જે આરોપ પોતાના માથે લઇ લીધો એ મિત્રતાને કારણે લીધો? કે તેના પર એના અને એના પિતાના અઢળક ઉપકારોને કારણે લીધો કે પછી તેની એક સમયની માની લીધેલી પ્રેમિકાનો પતિ હતો એટલે તેણે આવું કર્યું? એક દલીલ એવી પણ થઇ શકે કે પોતે કૃષ્ણની જેમ તેની ‘ભાભીને’ જેને તે પણ હ્રદયથી ભરપૂર પ્રેમ કરતો હતો, દ્રૌપદીની જેમ સખી કહી હતી શું એટલે તેણે કૃષ્ણનું કાર્ય કર્યું?
એટલે કે કૃષ્ણે મુશ્કેલીમાં આવેલી દ્રૌપદીના ચીર પૂર્યા હતાં, શું એવી જ રીતે પેલા ડોક્ટરે પોતાની સખીના પતિનો આરોપ પોતાના માથે લઇ લીધો કે તેનો સંસાર વેરવિખેર ન થઇ જાય? આવા તો ઘણા પ્રશ્નો બેમિસાલ જાેતી વખતે અને જાેયા બાદ ઉત્પન્ન થતાં હોય છે. પરંતુ જે મૂળ વાત આ ફિલ્મ કરે છે તે એ છે કે તમે કોઈને પ્રેમ કરતા હોવ, ભરપૂર પ્રેમ કરતા હોવ, પરંતુ તેને જાે મેળવી ન શકો તો તેના મિત્ર બનીને તેની સાથે, અથવા તો તેના સુખદુઃખમાં સાથ કેમ ન આપી શકો?
એ જરૂરી નથી જ કે આપણે જેને પ્રેમ કરીએ એ વ્યક્તિ આપણને મળે જ, પણ જાે ન મળે તો આવો કૃષ્ણ-દ્રૌપદી જેવો સખા અને સખીનો તંદુરસ્ત મૈત્રીપૂર્ણ સંબંધ બાંધીને આપણે આપણા પ્રેમનું જ સન્માન કેમ ન કરી શકીએ? આજના જમાનામાં જ્યારે નાનીમોટી વાતમાં બ્રેકઅપ્સ આટલા બધાં વધી ગયા છે ત્યારે ‘બેમિસાલ’ ફિલ્મ એ બ્રેકઅપ પછી પણ સંબંધને એક અલગ રીતે કેમ ટકાવી શકાય તેનો અદભુત અને અલભ્ય સંદેશ આપે છે.