હિન્દુ અને મુસ્લિમના આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો રોચક સર્વે

એકંદરે જાેઈએ તો આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એ ઘણી જૂની બાબત છે. આજથી હજારો વર્ષ પૂર્વે પણ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર થતાં રહેતા હતા. ઇતિહાસ પર નજર કરીએ તો ગુલામોનો વેપાર એ પરાણે કરાવવામાં આવેલું સૌથી મોટું સ્થળાંતર હતું. છેલ્લા પાંચ દાયકામાં વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારનો વિકાસ થતાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનારાઓની સંખ્યા કુદકે ને ભૂસકે વધતી રહી છે. તદુપરાંત કટ્ટરવાદ, ત્રાસવાદ, ગૃહયુદ્ધ જેવી સમસ્યાઓથી ગ્રસિત દેશોમાંથી પણ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર થતું રહ્યું છે. જે દેશોમાં આર્થિક તકો ઓછી છે તેવા દેશોમાંથી પણ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર જાેવા મળી રહ્યું છે.

વિશ્વના અન્ય દેશોમાં સ્થળાંતર કરનારા લોકોની કુલ વસ્તી કેટલી છે? કયા ધર્મના લોકો સૌથી વધુ સ્થળાંતર કરે છે? આ બે પ્રશ્નોના ઉત્તર બહુ જ રસપ્રદ છે. પ્યુ રિસર્ચ અનુસાર વિશ્વની કુલ વસ્તીમાંથી અંદાજે ૨૮ કરોડ લોકો આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનારા છે. આ વૈશ્વિક વસ્તીના કુલ ૩.૬% છે. આ તે વસ્તી છે જે દેશમાં તેનો જન્મ થયો હતો ત્યાંથી કોઈને કોઈ કારણસર અન્ય દેશમાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આવા આંતરરાષ્ટ્રીય સ્થળાંતર માટે આપવામાં આવેલા ત્રણ સૌથી મોટા કારણોમાં યુદ્ધ, આર્થિક સંકટ અને કુદરતી આફત છે.

વિશ્વની કુલ વસ્તીમાં હિન્દુઓની સંખ્યા ૧૫.૧% છે જ્યારે મુસ્લિમોની સંખ્યા ૨૪.૯% તો ખ્રિસ્તીઓની સંખ્યા ૩૦.૭% છે. જાે આપણે ધર્મ આધારિત સ્થળાંતરની વાત કરીએ તો ૨૮ કરોડ લોકો કે જેમણે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરીને પોતાનો દેશ છોડી દીધો છે તેમાંથી સૌથી વધુ ૪૭% ખ્રિસ્તીઓ છે. બીજા નંબરે ૨૯% મુસ્લિમો છે. માત્ર ૦૫% હિન્દુઓ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરે છે. મોટાભાગના હિંદુઓ રોજગારની શોધમાં ભારતના એક ભાગમાંથી બીજા ભાગમાં સ્થળાંતર કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર નજર કરીએ તો સૌથી વધુ હિંદુઓ અમેરિકા જાય છે અને આ મામલામાં સંયુક્ત આરબ અમીરાત બીજા સ્થાને છે.

સ્થળાંતર કરનાર દસમાંથી છ હિંદુ એશિયા-પેસિફિક પ્રદેશના દેશોમાં સ્થળાંતર કરી ગયા છે. દક્ષિણ એશિયાના દેશો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ભુતાન વચ્ચે જ હિન્દુઓનું સૌથી વધારે સ્થળાંતર થયું છે. પરંતુ નોંધપાત્ર સંખ્યામાં હિંદુઓ ઉત્તર અમેરિકા અને મધ્ય પૂર્વના દેશો તથા આફ્રિકામાં પણ સ્થળાંતરિત થયા છે.

હિન્દુ સ્થળાંતર માટે વિગતે વિશ્લેષણ કરીએ તો ૨૮ કરોડ આંતરરાષ્ટ્રીય સ્થળાંતરમાંથી સ્થળાંતરિત હિંદુઓની વસ્તી ૦૧.૩૫ કરોડ છે જે વિશ્વની કુલ હિન્દુ વસ્તીના ૧.૧૮% છે. ૦૧.૩૫ કરોડ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનાર હિન્દુઓમાંથી ૩૬.૬૦ લાખ ભારતમાં, ૧૩.૪૦ લાખ અમેરિકામાં, ૭.૫ લાખ બાંગ્લાદેશમાં, ૭.૫ લાખ નેપાળમાં, ૪.૪ લાખ સાઉદી અરેબિયામાં, ૪.૩૦ લાખ સંયુક્ત આરબ અમીરાતમાં, ૩.૯ લાખ પાકિસ્તાનમાં, ૩,૯ લાખ યુકેમાં, ૩.૧ લાખ કેનેડામાં અને ૨.૫ લાખ શ્રીલંકામાં સ્થાયી થયા છે. જાે આપણે આ હિન્દુ ઈમિગ્રન્ટ્‌સના મૂળ જન્મસ્થળ વિશે વાત કરીએ તો ૦૧.૩૫ કરોડમાંથી ૫૩.૩ લાખનું ભારત, ૨૭.૬ લાખનું બાંગ્લાદેશ, ૮ લાખનું પાકિસ્તાન, ૭.૨ લાખનું નેપાળ, ૨.૮ લાખનું શ્રીલંકા અને ૬૦ હજારનું યુકે છે.

દક્ષિણ એશિયાની બહાર અમેરિકામાં અત્યાર સુધીના સૌથી વધારે હિન્દુ સ્થળાંતરીત છે. લગભગ ૧૩.૪ લાખ પ્રથમ પેઢીના વિદેશમાં જન્મેલા હિન્દુઓ અમેરિકામાં સ્થળાંતરીત થયા છે જેમાંથી મોટાભાગના છેલ્લા ત્રણ દાયકાઓમાં આવ્યા છે. બીજું નોંધપાત્ર હિન્દુ સ્થળાંતર પર્સિયન ગલ્ફના આરબ રાજ્યો (ખાસ કરીને સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત) અને યુનાઇટેડ કિંગડમ અને કેનેડામાં પણ થયું છે.

આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનાર હિન્દુઓમાંથી ૩૬.૬૦ લાખ ભારતમાં સ્થળાંતરીત થયા છે તેઓ મુખ્યત્વે પડોશી દેશોમાંથી કૌટુંબિક પુનઃમિલનથી લઈને નોકરીની તકો સુધીના કારણોસર થયા છે. પરંતુ તે પરિબળો પણ કેટલીકવાર વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે જેને કારણે હિન્દુઓ બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા તરફ ખેંચાય છે. પ્યુ રિસર્ચના રિપોર્ટ અનુસાર હિંદુઓ સ્થળાંતર માટે સૌથી વધુ અંતર કાપે છે. આનું કારણ એ છે કે ભારતમાં આંતરિક સ્થળાંતર સિવાય તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાયી થવા માટે અમેરિકા અને બ્રિટન જેવા દેશો તરફ વળે છે. તેઓ બીજા દેશમાં સ્થાયી થવા માટે સરેરાશ ૪,૯૮૯ કિમી નો પ્રવાસ કરે છે.

વિશ્વમાં ખ્રિસ્તીઓ (૪૭%) પછી સૌથી વધારે સ્થળાંતર કરનારા મુસ્લિમો (૨૯%) છે. મુસ્લિમ સ્થળાંતર માટે વિગતે વિશ્લેષણ કરીએ તો ૨૮ કરોડ આંતરરાષ્ટ્રીય સ્થળાંતરમાંથી સ્થળાંતરિત મુસ્લિમોની વસ્તી ૦૮.૧૨ કરોડ છે જે વિશ્વની કુલ મુસ્લિમ વસ્તીના ૪.૨૬% છે. ૦૮.૧૨ કરોડ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનાર મુસ્લિમોમાંથી ૫૬.૨ લાખ સાઉદી અરેબિયામાં, ૪૦.૩ લાખ રશિયામાં, ૩૨.૩ લાખ જર્મનીમાં, ૩૦.૪ લાખ ફ્રાંસમાં, ૨૮.૩ લાખ જૉર્ડનમાં, ૨૪.૬૦ લાખ પાકિસ્તાનમાં, ૨૧.૩૦ લાખ અમેરિકામાં, ૨૧ લાખ ઈરાનમાં, ૨૦.૯ લાખ સંયુક્ત આરબ અમીરાતમાં તથા ૧૯.૭ લાખ સિરીયામાં સ્થાયી થયા છે.

રસપ્રદ તારણ જાેઈએ તો જાે આપણે આ મુસ્લિમ ઈમિગ્રન્ટ્‌સના મૂળ જન્મસ્થળ વિશે વાત કરીએ તો તેમાંથી ૫૬.૮ લાખનું પેલેસ્ટાઇન, ૩૩.૬ લાખનું પાકિસ્તાન, ૩૩.૨ લાખનું બાંગ્લાદેશ, ૩૨ લાખનું ભારત, ૨૯.૯ લાખનું અફઘાનિસ્તાન, ૨૮.૮ લાખનું ટર્કીયે (તુર્કી), ૨૮.૫ લાખનું મોરોક્કો, ૨૬ લાખનું ઈજિપ્ત, ૨૩.૨ લાખનું ઈરાક અને ૨૧.૩ લાખનું કઝાખસ્તાન છે.

મુસ્લિમ સ્થળાંતરમાં રોચક વાત એ છે કે આજે પણ લોકો ભારતીય ઉપખંડ (ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂતાન અને નેપાળ)ના દેશો વચ્ચે અવરજવર ચાલુ રાખે છે. મુસ્લિમો સામાન્ય રીતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફ સ્થળાંતર કરે છે જ્યારે હિંદુઓ ભારતમાં જવાનું વલણ ધરાવે છે. નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ સ્થળાંતર અફઘાનિસ્તાન, તુર્કી અને મોરોક્કોમાંથી પણ થાય છે. ભારતીય ઉપખંડના સ્થળાંતર કરનારાઓથી બિલકુલ વિપરીત જાેઈએ તો ઉત્તર આફ્રિકા અને તુર્કીમાંથી ઘણા મુસ્લિમ સ્થળાંતર કરનારાઓ પશ્ચિમ યુરોપ સહિત ઘણા દૂર ગયા છે.

જર્મનીના લગભગ અડધા વિદેશી મૂળના મુસ્લિમ સ્થળાંતરીત (અંદાજિત ૩૨.૩ લાખ) તુર્કીમાંથી છે પરંતુ તેમાં કોસોવો, ઇરાક, બોસ્નિયા-હર્જેગોવિના, મોરોક્કો અને ઈરાનથી પણ નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ સ્થળાંતરીત આવ્યા છે. ફ્રાંસમાં જે ૩૦.૪ લાખ મુસ્લિમ સ્થળાંતરીત છે તેઓ મુખ્યત્વે અલજીરિયા, મોરોક્કો અને ટ્યુનિશિયાની ભૂતપૂર્વ ફ્રેન્ચ વસાહતોમાંથી ફ્રાંસમાં સ્થળાંતરીત થયા છે. ગૃહયુદ્ધમાં અને ત્રાસવાદ તથા કટ્ટરવાદમાં સપડાયેલા ઇરાક અને પેલેસ્ટિનિયન પ્રદેશોમાંથી મોટાભાગના મુસ્લિમ સ્થળાંતરીત જાેર્ડન (૨૮.૩ લાખ) અને સીરિયા (૧૯.૭ લાખ)માં સ્થાયી થયા છે. તેવી જ રીતે અફઘાનિસ્તાનમાં દાયકાઓના સંઘર્ષના કારણે ત્યાંથી મુસ્લિમો સ્થળાંતર કરીને પાકિસ્તાન (૨૪.૬ લાખ) અને ઈરાનમાં (૨૧ લાખ) સ્થાયી થયા છે.

જે મુસ્લિમ દેશો ત્રાસવાદ, કટ્ટરવાદ અને અસ્થિર અર્થતંત્ર તથા ગૃહયુદ્ધમાં સપડાયેલા છે તેવા મુસ્લિમ દેશોમાંથી મુસ્લિમ સ્થળાંતર ખૂબ જ મોટા પાયા પર જાેવા મળે છે. નજીકના આરબ દેશો, ભારતીય ઉપખંડ, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સના કામદારો માટે સાઉદી અરેબિયા મુસ્લિમ સ્થળાંતર કરનારાઓ માટે ટોચની પસંદગી છે. રશિયામાં સ્થળાંતરીત થયેલ લગભગ ૪૦ લાખ મુસ્લિમો મુખ્યત્વે પડોશી દેશો કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને અઝરબૈજાનમાંથી આવે છે જે એક સમયે સોવિયત સંઘનો ભાગ હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution