અમદાવાદ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રામોલ પોલીસ દ્વારા આંગડીયા પેઢીના કર્મચારીને રિંગરોડ પરથી ૧.૩૪ કરોડ રૂપિયા સાથે ઝડપી પાડ્યો છે. યુવકને રોકડ રકમ વિશે પુછતા તેની પાસે કોઇ જવાબ ના હતો અને તેની પાસે કોઇ પુરાવા પણ ના હતા. જેથી રામોલ પોલીસે ૧.૩૪ કરોડ રૂપિયા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે ૨૧મી ફેબ્રુઆરીએ ૬ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવવાની છે. જેના પગલે ચૂંટણી પંચ અને પોલીસ ખાસ વોચી રાખી રહી છે. કોઇ શંકાના ઘેરામાં આવે તો તેની તપાસ કરવામાં આવી રહી છે. ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા માટે રોકડ રકમ અને દારૂની લાલચ ઉમેદવારો આપતા હોય છે. જેથી આ પ્રકારની ઘટના સામે ના આવે તેના માટે ચૂંટણી પંચ સક્રિય બન્યું છે. ચૂંટણી પંચ દ્વારા પોલીસને ખાસ સુચના આપવામાં આવે છે. ત્યારે રામોલ પોલીસે રિંગ રોડ પર દાલબાટી રેસ્ટોરન્ટ પાસેથી બાતમીના આધારે ભાવેશ વાળંદ (ઉ.વ ૨૮ રહે વાણીયા શેરી, સોખડા)ની ૧.૩૪ કરોડ રૂપિયા સાથે અટકાયત કરવામાં આવી છે. જાે કે આટલી મોટી રકમ ક્યાંથી આવી અને ક્યાં જઇ રહી હતી તે અંગે હાલ તો તપાસ ચલાવવામાં આવી રહી છે.