સુરત
ગઈકાલે કામરેજના મોરથાણ ગામમાં કોરોનાની રસી લીધા બાદ 24 કલાક બાદ વૃદ્ધાનું મોત થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. વૃદ્ધાના મોતનું સાચું કારણ જાણવા મૃતદેહને સુરત સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. મંગળવારના રોજ મોરથાણા પ્રાથમિક શાળામાં આયોજિત કેમ્પમાં ગામના 100થી વધુ શ્રમજીવીઓએ કોરોના સામે રક્ષણ આપતી રસી લીધી હતી. બાદમાં વૃદ્ધાનું મોત થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સામે આવ્યું કે વૃદ્ધા શુગર અને પ્રેશરના દર્દી હતાં. અને વેક્સિન લીધા પહેલાં તેઓ બીમાર પણ હતાં.
તેમના જમાઈ રાકેશભાઈએ જણાવ્યું હતું કે વેક્સિન લીધા પહેલાં રમીલાબેન બીમાર હતાં, તાવ અને શરદીની ફરિયાદ બાદ દવા પણ લેતાં હતાં. શુગર અને પ્રેશરના દર્દીને તપાસ કર્યા વગર વેક્સિન અપાઈ કે નહીં એ જ એક મોટો પ્રશ્ન છે. વેક્સિન લીધા બાદ રાત્રે જ રમીલાબેનને માથું દુખવાનું અને ચક્કરની ફરિયાદ ઊઠી હતી. સવાર પડતાં ગામના PHC પર લઈ જતાં ઓક્સિજન લેવલ ઓછું થાય છે કહી ડોક્ટરોએ તાત્કાલિક સંજીવની હોસ્પિટલમાં રિફર કરી દીધા હતા.
જ્યાં રમીલાબેનને પ્રાથમિક સારવાર પણ મળી નથી ને ડોક્ટરોએ તેમનું મૃત્યુ રસ્તામાં જ થઈ ગયું હોવાનું જણાવી દીધું હતી. સંયુક્ત કુટુંબમાં રહેતાં રમીલાબેનનો પરિવાર ખેડૂત છે. ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલું છે. જમાઈ રાકેશભાઈએ કહ્યું હતું કે બસ, અમે એટલી જ આશા રાખીએ છીએ કે આવું કોઈ બીજા સાથે ન થાય, સ્થાનિક ડોક્ટરો પોતાની જવાબદારી નક્કી કરે, શુગર અને પ્રેશરના દર્દીઓને તપાસ કરી વેક્સિન આપવી કે નહીં એ નક્કી કરે, તમારી ભૂલ કોઈના ઘરમાં અંધારું કરી જાય છે એ ભૂલવું ન જોઈએ.
રાકેશભાઈ (મૃતક રમીલાબેનના જમાઈ)એ જણાવ્યું હતું કે રમીલાબેનને સંતાનમાં એક જ દીકરી છે. મધ્યમ વર્ગનો પરિવાર છે. મંગળવારે સવારે લગભગ 11 વાગ્યે ગામની પ્રાથમિક શાળામાં વેક્સિન લીધા બાદ આજે સવારે 11 વાગ્યે એટલે કે 24 કલાકમાં તેમનું મોત થયું હતું. હાલ પોલીસ તપાસ કરી રહી છે.
વેક્સિન લીધા બાદ માત્ર કામરેજમાં નહિ, પણ આખા સુરતમાં અનેક લોકોની અગાઉ તબિયત લથડી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, પણ અનેક લોકોને દાખલ કરવા પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. રસીની આડઅસર થતી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જોકે આ બાબતે કોઈપણ સત્તાવાર બોલવા તૈયાર નથી.