બ્રાન્ડેડ કંપનીના મોંઘાદાટ કપડાંના નામે વડોદરાની જનતાને છેતરવાનો કારસો 

શહેરના અકોટા વિસ્તારમાં આવેલી ફાઈવ સ્ટાર હોટલ તાજ વિવાંતામાં ગ્રાઉન્ડ ફ્લોરનો વૈભવી હોલ ભાડે રાખીને એમાં વેન હુસેન, લુઈસ ફિલિપ, પીટર ઈંગલેન્ડ, મુફ્તી અને એલેન સોલી જેવી ઈન્ટરનેશન બ્રાન્ડના ડુપ્લીકેટ કપડા વેચવાના વ્યવસ્થિત ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અકોટા પોલીસની ટીમે બાતમીના આધારે આજે તાજ વીવાંતામાં દરોડો પાડીને બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ શર્ટ અને જીન્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડા વેચતા બે ભેજાબાજાેને ઝડપી પાડીને તેમની સામે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે તાજ વિવાંતા હોટલના વૈભવી હોલમાં વેચાણ માટે મુકેલા કુલ રૂપિયા ૨,૩૨,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષમાં બે-ત્રણ વખત આવા ભેજાબાજાે વડોદરા શહેરની જુદીજુદી હોટલોમાં મોટા-મોટા સેલનું આયોજન કરતા હોય છે અને એમાં બ્રાન્ડેડ કંપનીના નામે ઉતરેલા કપડા વેચીને ધીકતી કમાણી કરી લેતા હોય છે. વડોદરાની જનતાને છેતરતા આવા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. બીજી તરફ આવા તત્વોને ભાડે જગ્યા આપનારી હોટલો અને પાર્ટી પ્લોટો તથા ક્લબ હાઉસો સામે પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે. હોટલ તાજ વિવાંતામાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડા વેચવાના ગુનામાં પોલીસે વિકાસ કેશવદેવ શર્મા (રહે. નરસીંગપુરા, જિલ્લો ઝુંઝુનુ, રાજસ્થાન) અને અંકિત રાજેન્દ્રભાઈ અગ્રવાલ (રહે. બેંગલોર)ની અટકાયત કરી છે. પોલીસે બંનેની

પુછપરછ શરૂ કરી છે.

હોટલ તાજ વિવાંતાના સંચાલકો સામે કાર્યવાહી કેમ નહીં?

વૈભવી હોટલ તાજ વિવાંતામાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ કપડા વેચવાનું કૌભાંડ ચાલતુ હોય તે ચોંકાવનારી બાબત છે. વાસ્તવમાં હોટલના સંચાલકો પણ જાણતા હોય છે કે, એમને ત્યાં લાગેલા સેલમાં છેતરપિંડી જ આચરવામાં આવે છે. તેમ છતાંય તેઓ પોતાના આર્થિક લાભ માટે આંખ આડા કાન કરતા હોય છે. એમને વડોદરાની જનતાની પડેલી નથી. એમને વડોદરા શહેરમાં હોટલ ચલાવવી છે. પણ વડોદરાની પ્રજાને ખાડામાં પડતી બચાવવી નથી. આવા સ્વાર્થી તત્વો સામે પણ ગુનો દાખલ કરવો જાેઈએ. તાજ વિવાંતાના સંચાલકો સામે પણ ગુનો દાખલ કરવો જાેઈએ.

શહેરની જનતાને છેતરતાં ગઠિયાઓ સામે કડક પગલાં કેમ નહીં?

શહેરની વૈભવી હોટલ તાજ વિવાંતામાં વૈભવી હોલ બુક કરાવીને એમાં એલેન સોલી, લુઈસ ફિલિપ, વેન હુસેન, પીટર ઈંગ્લેન્ડ અને મુફ્તી જેવા લક્ઝુરિયસ બ્રાન્ડના નામે સસ્તા કપડા પધરાવી દેવાના કાવતરાનો અકોટા પોલીસે પર્દાફાશ કર્યો છે. જાેકે, વડોદરાની જનતાને બેવકૂફ બનાવતાં ભેજાબાજાે સામે જાેઈએ એવા પગલા પોલીસે લીધા નથી. હકીકતમાં બ્રાન્ડેડ કંપનીના નામે રસ્તાનો માલ પધરાવતા ભેજાબાજાે સામે કોપીરાઈટની સાધારણ કલમ લગાવવા કરતા એમની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી હેઠળનો ગુનો દાખલ કરવો જાેઈએ.

ફાઈવ સ્ટાર હોટલ હોલ બુક કરાવનારા ગેસ્ટ હાઉસમાં રહેતા

હોટલ તાજ વિવાંતાનો હોલ ભાડે લેનારા ગઠિયાઓ સ્ટેશન વિસ્તારના એક સાધારણ ગેસ્ટ હાઉસમાં રહેતા હતા. પોલીસને જાણવા મળ્યંુ હતંુ કે, જેણે હોટલ તાજ વિવાંતામાં સેલ લગાવ્યો હતો એ વ્યક્તિ સામાન્ય ગેસ્ટ હાઉસની ડોરમેટ્રીમાં રહેતો હતો. આવા ભેજાબાજને અકોટા પોલીસે માત્ર દેખાડા પૂરતી કલમ લગાવીને છોડી દીધો હતો. પોલીસની આવી ઢીલી નીતિને કારણે જ ભેજાબાજાેના ઈરાદા બુલંદ થાય છે.

કિલોના ભાવે કપડાં લાવીને વૈભવી બ્રાન્ડનું સ્ટિકર લગાવતા હતા

હોટલ તાજ વિવાંતામાં બ્રાન્ડેડ કંપનીના નામે સસ્તા કપડા વેચવામાં આવતા હતા. આવા કપડા દિલ્હી, મુંબઈ, ઈન્દોર કે, પછી બેંગલોરની નાની-નાની ફેક્ટરીમાં મેન્યુફેક્ચર થાય છે. અને ત્યાં જ એની ઉપર બ્રાન્ડેડ કંપનીના સ્ટિકરો મારી દેવામાં આવે છે. આવા જથ્થાબંધ કપડા ખરીદ્યા પછી નાના-નાના શહેરોમાં એના સેલ લગાવવામાં આવતા હોય છે. સેલ લગાવવા માટે શહેરની નામાંકિત હોટલોમાં હોલ બુક કરાવવામાં આવે છે અને અખબારોમાં મોટીમોટી જાહેરાતો છપાવીને એની એડવર્ટાઈઝ કરવામાં આવતી હોય છે. આવા વ્યવસ્થિત ષડયંત્રમાં પકડાયેલા ભેજાબાજાેને છોડી દેવા એ પણ મોટો ગુનો છે.

મુંબઈના મોલના ભાગીદારો વચ્ચે વિવાદ થયો, એટલે સસ્તામાં કપડાં વેચવા કાઢ્યાં

મુંબઈના એક મોલમાં ભાગીદારો વચ્ચે થયેલા વિવાદને લીધે બ્રાન્ડેડ કંપનીના કપડા સસ્તામાં વેચવાના છે તેવી જાહેરાતો તમે અખબારોમાં વાંચી હશે. હકીકતમાં આવી જાહેરાતો આપીને પરપ્રાંતિય ગઠિયા જનતાને છતેરવાનો કારસો રચતા હોય છે. આ વખતે તો ભેજાબાજાેએ સોશિયલ મીડિયા પર રિલ્સનો સતત મારો ચલાવ્યો હતો અને તેના દ્વારા તાજ વિવાંતાના સેલની જાહેરાતો કરી હતી. લોભામણી જાહેરાતો કર્યા પછી મોંઘી બ્રાન્ડના કપડા સસ્તામાં વેચવાનો સેલ લગાવી શહેરની જનતાને છેતરતાં હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution