અમદાવાદ-
અમદાવાદ અને ભાવનગરમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોના ફોર્મ રદ થતાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ ત્રણેય ઉમેદવારોની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ અરજીઓને લઈને એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે હાલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોવાથી અરજીઓ ટકી શકે નહીં, અરજદાર ઈચ્છે તો ચૂંટણી બાદ ઈલેક્શન પીટીશન કરી શકશે. કોંગ્રેસના દિનેશ પરમાર, દેવલબેન ચાવડા અને શિલ્પાબેન રાણાની અરજીઓ હાઈકોર્ટે ફગાવી દીધી છે. ઉમેદવારી રદ થવાના કિસ્સાઓમાં એક ફોર્મમાં ઉમેદવારના વાસ્તવિક નામ અને મેન્ડેટના નામમાં તફાવત હોવાથી ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું.
બીજા કિસ્સામાં ઉમેદવારના ટેકેદારોને પ્રવેશ નહીં મળતાં ટેકેદારની સહી બાકી હોવાથી ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. જ્યારે ત્રીજા કિસ્સામાં સોગંદનામું નિર્દિષ્ટ ફોર્મેટમાં નહીં હોવાના કારણે ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. અમદાવાદ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટેની ચૂંટણીમાં દસક્રોઇ તાલુકાની બે બેઠકોમાંથી ભૂવાલડીમાં મેન્ડેટમાં નામ નહીં હોવાનું અને સિંગરવામાં સોસાયટીમાં રહેતા ઉમેદવાર પાસે શૌચાલય નહીં હોવાનું જણાવી કોંગ્રેસના બંને ઉમેદવારોના ફોર્મ રદ કરાયા હતાં.
બંને ફોર્મ રાજ્યના ગૃહમંત્રીના ઇશારે રદ કરાયા હોવાનો જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપ કરતા કહ્યું કે, બે દિવસમાં હાઇકોર્ટમાં અરજી કરાશે. જાેકે ભાજપે આક્ષેપ ફગાવી કોંગ્રેસની નબળાઇ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ભાજપ ૭૧, કોંગ્રેસ ૬૬ અને આપના ૨૪ સહિત કુલ ૧૯૭ ઉમેદવારો મેદાનમાં છે.