એક સરનામું શિવજીનું.....

હરિ તારા નામ છે હજાર...કયા નામે લખવી કંકોતરી એ મસ્ત ભજનમાં ભક્તની મીઠી મૂંઝવણ વ્યક્ત થાય છે.

  જાે કે પવિત્ર શિવ માસ શ્રાવણમાં જાે હરિને કંકોતરી લખવી હોય તો એક કંકોતરી સાંઢિયાપુરાના ભોલેનાથના નામે અને મુકામ પોસ્ટઃ ગોરજ તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરાના સરનામે અવશ્ય લખવી પડે.

  અહીં એક અંદાજે ચોથી પાંચમી સદીનું,કોઈક સમયે અતિ ભવ્ય પરંતુ હાલમાં ભગ્ન અવશેષો સ્વરૂપનું પ્રાચીન શિવાલય છે જેનું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ દ્વારા ૧૯૮૩/૧૯૮૬ વચ્ચે ખૂબ બારીકાઇથી ઉત્ખનન કરીને શક્ય તેટલી સારી અવસ્થામાં જાળવવામાં આવ્યું છે.

   આ નાનકડી દેરીમાં સ્થાપિત શિવલિંગ લંબગોળાકારને બદલે પર્વતાકારે પથરાયેલું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હાલની દેરી અંદાજે સો એક વર્ષ પહેલાં ગાયકવાડ સરકારના ઇનામદારે બંધાવી હતી. ગર્ભગૃહના પ્રવેશદ્વારે અસ્પષ્ટ અક્ષરોમાં તેમનું નામ અને સંવત ૧૯૫૫ કોતરેલું હોય એવંુ જણાય છે.

   જાે કે આ દેરી જે લંબચોરસ ઓટલા પર સ્થાપિત છે, એ ચોથી પાંચમી સદીમાં નિર્મિત છે.એક વિશાળ ચાર દિવાલની વચ્ચે એક મુખ્ય મંદિર અને તેની ચારેય દિશાઓમાં ચાર મંદિર,એમ પાંચ મંદિરોનો શિવ પંચાયતન સમૂહ અહીં વિદ્યમાન હતો એવું લાગે છે.

  એ.એસ.આઇ.,વડોદરા વર્તુળના પુરાતત્વવેત્તા રશ્મિ સિંહાએ મુલાકાત સમયે આપેલી માહિતી અનુસાર આ વિશાળ પરિસરનું મુખ્ય આકર્ષણ ખૂબ મોટી ખૂંધવાળો વિરાટ અને કલાત્મક નંદી છે.આટલી મોટી ખૂંધવાળો નંદી ખૂબ જૂજ જાેવા મળે છે.

  કહેવાય છે કે રેતિયા પત્થરની અખંડ શિલામાંથી મહાદેવજીનો આ પોઠિયો કોઈ સિદ્ધહસ્ત શિલ્પકારે કંડાર્યો છે.

  આ નંદી સાથે એક લોકકથા પ્રચલિત છે જે મુજબ આ નંદીના ગળામાં કિંમતી સાચા મોતીની માળા રહેતી. જેને કોઈ ચોરે ચોરવા પ્રયત્ન કર્યો અને નંદીએ એને સજા આપી. આ કથા તત્વની ગવાહી,એના ગળાના ભાગે કંડારેલી ભવ્ય મોતીમાળા અને નંદીના પગ તળે કચડાયેલી અવસ્થામાં કંડારેલી માનવઆકૃતિ આપે છે.આ નંદિની પ્રતિકૃતિ જેવા બે નાના નંદી મંદિરની સામે સ્થાપિત છે અને પાસે વહેતી દેવ નદીમાંથી અવારનવાર નાની નંદી પ્રતિમાઓ મળી આવે છે એવું પણ લોકો કહે છે.

  અહીં ઉપયોગમાં લેવામાં આવેલી ઇંટો પરથી આ જગ્યા ખૂબ પ્રાચીન હોવાનો અંદાજ પુરાતત્વ ખાતાએ બાંધ્યો છે. અહીંથી માટીના વાસણો એટલે કે પોટરી અને ઓમ જગેસરનું લખાણ ધરાવતી મુદ્રા મળી હતી. આ અવશેષો કાયાવરોહણ ખાતેના સંગ્રહાલયમાં રાખવામાં આવી છે.

     મુલાકાત સમયે તત્કાલીન સરપંચ અંબરિષભાઇ એ જણાવ્યું હતું કે આ શિવાલયમાં લોકો ખૂબ આસ્થા ધરાવે છે. નંદીને લોકબોલીમાં સાંઢિયો કહે છે એટલે આ જગ્યાનું નામ સાંઢિયાપૂરા અગાઉ પ્રચલિત થયું હતું. હવે તે મહાદેવપૂરા તરીકે ઓળખાય છે.

   આ જગ્યાના કેરટેકર લાલા ગઢવીએ જણાવ્યું કે અહીં પવિત્ર તુલસી અને અન્ય એક ખૂબ પવિત્ર ગણાતી વનસ્પતિના વૃક્ષો,કોઈ વાવેતર વગર પુષ્કળ પ્રમાણમાં ઉગે છે. અગાઉ અહીં જન્માષ્ટમીએ લોકમેળો ભરાતો હતો.

   પુષ્કળ લીલોતરીને લીધે ઝીણા વિંછીઓ અને શિવપ્રિય નાગોથી સાવચેતી રાખવી જરૂરી છે.

   મંદિર ટિંબા પર બનાવેલા મંચ પર બાંધવામાં આવ્યું છે. આ ટીંબા તળે રહસ્યો છુપાયેલા હશે એવી અનુભૂતિ થાય છે.આસપાસમાં આ પ્રકારના અન્ય અવશેષો મળ્યા છે એવું પણ જાણવા મળે છે.

  ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ દ્વારા કાળજીપૂર્વક ઉત્ખનન કરીને શક્ય તેટલો ઇતિહાસ જાળવીને આ શિવાલય સાથે સંકળાયેલા બાંધકામો ઉજાગર કરવામાં આવ્યા છે અને જાળવવામાં આવી રહ્યા છે. આ જગ્યાએ પ્રકૃતિની અને ઇતિહાસ વારસાની શિસ્ત પાળવી ખૂબ જરૂરી છે. ધર્મની સાથે આ ધર્મ ઇતિહાસનું ધામ છે. પુરાતત્વ વિભાગની પરવાનગી સાથે આ જગ્યાની મુલાકાત લેવી યોગ્ય ગણાય. તેની સાથે ઉજાગર કરવામાં આવેલા સ્થાપત્યોને કોઈ નુકશાન ન થાય એની અત્યાધિક કાળજી લેવી પડે.

   શિવજી એકાંતમાં વસનારા પ્રકૃતિના દેવ છે અને આ જગ્યા એવા મૌન,હરિત અને પ્રકૃતિમય શિવતત્વ ની પરમ ચેતનાના સ્પંદનો જગાવે છે..

   ઓમ નમઃ શિવાય..

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution