જપાનના ટોક્યોમાં ૮૫ ચોરસફૂટનું એપાર્ટમેન્ટઃ અભાવમાં જીવવાની કળા

લેખકઃ હેમંત વાળા | 

મોટા મોટા મકાનમાં રહીને લોકો ખુશ થતા હોય છે. કદાચ વિશ્વમાં નાનામાં નાના એપાર્ટમેન્ટમાં રહીને પણ વ્યક્તિ એટલી જ ખુશ રહી શકે છે. જાપાનના ટોકિયોનું માત્ર ૮૫ ચોરસ ફુટનું એપાર્ટમેન્ટ આનું ઉદાહરણ છે. અહીં રહેનાર વ્યક્તિ એટલી જ ખુશ જણાય છે જેટલી ખુશ એક વિશાળ બંગલામાં રહેનાર વ્યક્તિ હોય. જે છે તેનાથી સંતોષ માનવાની આ કળા છે. જેને લોકો અભાવ કે અછત ગણે તે પણ પૂરતું છે તે પ્રકારનો ભાવ અહીં સ્પષ્ટ દેખાય છે. અહીં રહેનાર વ્યક્તિની સાદગી, જરૂરિયાતો બાબતે તેની ચોકસાઈ, ન્યૂનતમ ધોરણલક્ષી જીવન જીવવાની તેની કળા તથા આ બધા સાથે જીવન જીવવાનો આનંદ- આ બધું અહીં વ્યક્ત થાય છે. સાથે સાથે અહીં રહેનાર વ્યક્તિનું વ્યક્તિત્વ પણ ડિઝાઇનમાં નિખાલસતાથી વ્યક્ત થાય છે.

ટોક્યોમાં રહેવા માટેના આવાસની માંગ ઘણી જ વધારે છે. અહીં વસતીને કારણે અહીં નાના એપાર્ટમેન્ટનું ચલણ છે. નાના એપાર્ટમેન્ટના અસરકારક પ્લાનિંગ માટે અહીં ખાસ પ્રકારની સંવેદનશીલતા વિકસી છે. અહીં વસ્તુઓ નાની નથી કરાતી પણ તેનું અસરકારક આયોજન કરાય છે અને જે જરૂરી હોય તેનો પૂરેપૂરી નિષ્ઠાથી સમાવેશ પણ કરાય છે. વ્યક્તિના મનમાં અછતનો ભાવ ન પ્રગટે તેનું ખાસ ધ્યાન રખાય છે.

આશરે આ ૮૫ ચોરસ ફુટના એપાર્ટમેન્ટનું માસિક ભાડું ૪૫૦૦૦ રૂપિયા જેટલું થાય છે. આથી સમજી શકાય કે અહીં એપાર્ટમેન્ટના દરેક ચોરસ ઇંચનો ઉપયોગ કરવો કેટલો જરૂરી છે. આ એપાર્ટમેન્ટની પહોળાઈ એટલી છે કે તેમાં બંને હાથ સીધા પહોળા પણ ન થાય. આ એપાર્ટમેન્ટ પહોળાઈમાં આશરે ૪ ફૂટ અને લંબાઇમાં ૨૨ ફૂટ જેટલું હશે. એપાર્ટમેન્ટના પ્લાનિંગમાં તેની પહોળાઈ બે ભાગમાં વિભાજિત કરી દેવાઈ છે. આવન-જાવન માટે આશરે ૨ ફૂટ જેટલો માર્ગ છોડી તેને સમાંતર બધા ઉપકરણો અને સ્ટોરેજ માટેની જગ્યાઓ ગોઠવી દેવાઈ છે. વધારાના ખાંચામાં મળેલી જગ્યામાં ટોયલેટ અને એની થોડી આગળ રાંધવા માટે નાનકડું પ્લેટફોર્મ બનાવાયું છે. આજની જીવનશૈલી માટે જરૂરી બધી જ સગવડતાઓનો સમાવેશ અહીં થઈ ગયો છે. આ નાનકડા એપાર્ટમેન્ટની અંદર વ્યવસાયિક કામ કરવા માટેની પણ નાનકડી જગ્યા છે. આ બધા સાથે જાપાનની પરંપરા અનુસરતી પગરખાં કાઢવાની અને મૂકવાની જગ્યા તો ખરી જ. સંશાધનો ઓછા હોય તો પણ પરંપરા જાળવી રાખવાની આ વાત પ્રશંસનીય છે. અહીં ઓવન પણ છે અને ફ્રીજ પણ. અહીં કુકિંગ સ્ટવ પણ છે અને સિંક પણ. કપડા માટેનું કબાટ હોય તે તો સ્વાભાવિક છે પણ સાથે સાથે અન્ય બધી જ ન્યૂનતમ જરૂરિયાતોનો સમાવેશ અહીં થઈ શકે તેવી વ્યવસ્થા છે. ટોયલેટની અંદર કમોડ, વોશ બેઝિન, શાવર અને દવાની કેબિનેટ, બધું જ છે. વધારાનું અહીં કશું જ નથી અને જરૂરિયાતથી ઓછું પણ કશું નથી. એક નાનકડી બાલ્કની પણ છે જ્યાં કપડાં સૂકવી શકાય અને બે ચાર કુંડા પણ મૂકી શકાય. આ બાલ્કની એપાર્ટમેન્ટમાં કુદરતી હવા ઉજાસનો મુખ્ય સ્ત્રોત છે. બાલ્કની પહેલાનો ભાગ જાણે ઘરનું મુખ્ય સ્થાન છે. આ વ્યક્તિગત દીવાન-ખંડ છે જ્યાં ભોજન પણ લઈ શકાય. પશ્ચિમી સંસ્કૃતિમાં યોગ માટેની જે ચાહ વધતી જાય છે તે યોગ કરવાનું પણ આ સ્થાન છે. અહીં જ બેસીને વાંચન કરી શકાય કે સમય પસાર કરવા માટે બીજી કોઈપણ પ્રવૃત્તિમાં સંલગ્ન થઈ શકાય.

આ એપાર્ટમેન્ટની ઊંચાઈ ૧૪ ફૂટ કરતાં વધુ જણાય છે. આ ઊંચાઈને કારણે પ્રવેશના વિસ્તારની ઉપરના ભાગમાં માળીયા જેવી વધારાની જગ્યા મળે છે. આ જગ્યાનો ઉપયોગ સુવા માટે કરાય છે. આ માળિયું એપાર્ટમેન્ટના અડધા ભાગ પર જ હોવાથી બાકીના ભાગમાં જે વધારાની ઊંચાઈ મળે છે તેનાથી એપાર્ટમેન્ટની ગીચતા ઓછી લાગે છે.

અહીં રહેનાર વ્યક્તિના કહેવા પ્રમાણે તે અહીં બહુ ખુશ છે. તકલીફ માત્ર એ વાતની છે કે તે અહીં પોતાના મિત્રોને જમવા માટે આમંત્રણ આપી શકતી નથી. સાથે સાથે તેના કહેવા પ્રમાણે તેને નૃત્યનો ઘણો શોખ છે જે આ એપાર્ટમેન્ટમાં એટલી સરળતાથી પોષાઈ શકતો નથી. તેની સામે અહીં પોતાની જાત સાથે વાર્તાલાપ સઘનતાથી સ્થપાઈ શકે. વ્યક્તિ પોતાની વધુ નજીક આવે તે માટે આ પ્રકારનું “કોઝિનેસ” અગત્યનું માધ્યમ બની શકે. જે જરૂરી છે તેની ખબર હોવી જાેઈએ. જાતને પૂરેપૂરી ઓળખીને પછી જ જે જરૂરી છે તેની ખબર પડે. જરૂરિયાત અને સુખ-સાહ્યબી વચ્ચેના તફાવતની ખબર હોવી જાેઈએ. વધારાની દરેક વસ્તુનો ત્યાગ કરવાની તૈયારી હોવી જાેઈએ. પરિસ્થિતિ પ્રમાણે જીવતા આવડવું જાેઈએ. ઘણીવાર તો એમ જાેવા મળે છે કે મોટા મોટા આવાસ ધરાવતા લોકોને પણ તેમનું આવાસ નાનું જણાય. સંતોષ સૌથી જરૂરી છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution