મુંબઇ-
અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મ 'ઝુંડ'ની ઓલ ઇન્ડિયા રિલીઝ પર તેલંગાણા હાઇકોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે. હવે આ ફિલ્મ દેશ, વિદેશ અથવા કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ નહીં થઇ શકે. યાચિકા કરનારા હૈદરાબાદના રહેવાસી ફિલ્મમેકર નંદી ચિન્ની કુમાર છે, તેમનો દાવો છે કે તેમની પાસે ફૂટબોલર અખિલેશ પોલની લાઈફ પર ફિલ્મ બનાવવાના એક્સક્લુઝિવ રાઇટ્સ છે. પરંતુ તેમ છતાં 'ઝુંડ'નું પ્રોડક્શન થયું. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે અખિલેશ પોલે તેમની સાથે છેતરપિંડી કરી.
નંદીનું કહેવું છે કે અખિલેશે તેમને કહ્યું હતું કે તેમણે રાઇટ્સ માત્ર ડોક્યુમેન્ટરી બનાવવા માટે જ વેચ્યા હતા, ફિલ્મ બનાવવા માટે નહીં. નંદીએ એવું પણ કહ્યું હતું કે 'ઝુંડ'ના મેકર્સ સાથે તેમની ફોન પર વાત થઇ હતી અને તેમને જણાવ્યું કે તેમણે અખિલેશ પાસેથી જ તેમની ફિલ્મ બનાવવાના રાઇટ્સ લીધા છે. પરંતુ મેકર્સે તેમને કોઈ લેખિત ડોક્યુમેન્ટ શેર કર્યા ન હતા.
'ઝુંડ'માં અમિતાભ બચ્ચન કોચ વિજય બરસેનો રોલ પ્લે કરી રહ્યા છે. તે ફિલ્મમાં NGO સ્લમ સોકરના ફાઉન્ડરના રોલમાં હશે. વિજય સ્લમ વિસ્તારના બાળકોને ફૂટબોલ શીખવાડતા જેથી તેઓ ખરાબ સંગતથી દૂર રહે. ફિલ્મમાં અખિલેશ પોલનો મહત્ત્વનો રોલ છે જે ગેંગસ્ટરથી સોકર પ્લેયર બની જાય છે.
ફિલ્મમાં 'સૈરાટ'ની જોડી રીન્કુ રાજગુરુ અને આકાશ ઠોસરા પણ હશે. આ સ્પોર્ટ્સ ડ્રામાનું પ્રોડક્શન ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, રાજ હીરેમથ, સવિતા રાજ અને નાગરાજ મળીને કરી રહ્યા છે. લોકડાઉન પહેલાં આ ફિલ્મ 8 મેના રોજ રિલીઝ થવાની હતી. 'ઝુંડ'નું ડિરેક્શન 'સૈરાટ' ફેમ નાગરાજ મંજુલે કરી રહ્યા છે. આ નાગરાજની હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ છે.