અમદાવાદ, ભાજપમાં દિગ્ગજ નેતાઓના પેજ પ્રમુખ બનવાનો સિલસિલો શરૂ થયો છે. પ્રદેશ પ્રમુખની ટકોર બાદ હવે એક પછી એક નેતાઓ પોતાના વોર્ડના પેજ પ્રમુખ બની રહ્યાં છે. ત્યારે હવે આ લિસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ ઉમેરાયું છે. અમિત શાહ અમદાવાદના નારણપુરા વિધાનસભાના બૂથ નંબર ૧૦ ના એક પેજના પ્રમુખ બન્યા છે. પેજ પ્રમુખ એ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના મિશન ૧૮૨નો પાયો છે. એટલું જ નહિ, સીઆર પાટીલે પેજ પ્રમુખની જવાબદારી પણ નક્કી કરી છે. જે પેજ પ્રમુખ પોતાના વૉર્ડમાં સારું પ્રદર્શન નહીં કરે તેને જવાબ આપવો પડશે. આ વાત કાર્યકરોને તાલીમ આપતી વખતે સીઆર પાટીલ વારંવાર કહી ચૂક્યા છે. ત્યાં સુધી કે વોર્ડમાં પેજ પ્રમુખનું પરફોર્મન્સ સારું નહીં હોય તો તે નેતાની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ પણ કટ થઈ શકે છે. મતલબ કે ભાજપ પ્રમુખ સીઆર પાટીલ માટે પેજ પ્રમુખની કામગીરી કોઈ પણ પદ જેટલી જ મહત્વની છે.