મુંબઇ
બિગ બોસ 7ની વિનર અને ટેલિવિઝનનો જાણીતો ચહેરો ગણાતી ગૌહર ખાને બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે સગાઈ કરી લીધી છે. ગૌહરે પોતાની સગાઈના ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સાથે તેણે ઝૈદ સાથેની સુંદર તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં ગૌહર ખાન અને ઝૈદ દરબાર ખુશ જોવા મળી રહ્યા છે. તેમના હાથમાં એક ફુગ્ગો છે, જેના પર લખ્યું છે કે, 'તેણે હા પાડી'. તસવીરમાં ગૌહરે ફ્લોરલ પિંક અને વ્હાઈટ ડ્રેસ પહેર્યો છે જ્યારે ઝૈદ ગોલ્ડન કલરના શર્ટ અને ડેનિમમાં હેન્ડસમ લાગી રહ્યો છે. એક્ટ્રેસે કેપ્શનમાં રિંગ તેમજ હાર્ટ ઈમોજી મૂકી છે. તેણે પોસ્ટમાં ઝૈદને પણ ટેગ કર્યો છે.
ઝૈદ દરબારે પણ ઈન્સ્ટાગ્રામ પર આ જ તસવીર શેર કરી છે અને ગૌહરની પોસ્ટ જેવું કેપ્શન આપ્યું છે. ગૌહર ખાનની આ પોસ્ટ પર નેહા કક્કડ, જય ભાનુશાળી, સુનીલ ગ્રોવર, મેઘના નાયડુ, મંદના તેમજ વિશાલ દદલાની સહિતાના સેલેબ્સે અભિનંદન પાઠવ્યા છે. નેહાએ કોમેન્ટ કરતાં લખ્યું છે, 'અરે વાહ...હું તમારા બંને માટે ખૂબ જ ખુશ છું'.
ગૌહર ખાનની વાત કરીએ તો, તે હાલમાં જ બિગ બોસ 14ના ઘરમાં સીનિયર બનીને પહોંચી હતી. જ્યાં તે 14 દિવસ રહી હતી. બિગ બોસ 14માંથી પોતાના ઘરે આવ્યા બાદ ઝૈદ દરબારે તેનું સુંદર રીતે સ્વાગત કર્યું હતું. જેની ઝલક તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ઝૈદ દરબારે તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, 'હંમેશાની જેમ તે કરી બતાવ્યું. વેલકમ બેક ક્વીન. તને વધુ સફળતા અને શક્તિ મળે'. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં ગૌહરે લખ્યું હતું કે, 'આભાર ઝૈદ. દરેક બાબત માટે આભાર'. રિપોર્ટ્સ પ્રમાણે, લગ્ન મુંબઈમાં થવાના છે અને બંનેના પરિવારે આ માટે તૈયારીઓ આરંભી દીધી છે