વડોદરા, તા.૪
વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ આજે પણ સતત બીજા દિવસે વાદળિયા વાતાવરણ વચ્ચે ઉત્તર તરફથી ૧૬ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાતાં નગરજનો ઠૂંઠવાયાં હતાં. જાે કે, લઘુતમ તાપમાન ર૦ ડિગ્રી નોંધાયું હતું. પરંતુ પવનના કારણે ઠંડી અનુભવાઈ હતી. આગામી બે દિવસ આવું જ વાતાવરણ રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. કમોસમી વરસાદ બાદ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો નીચે ગગડયો હતો. પરંતુ વાદળિયા વાતાવરણ વચ્ચે ઉત્તર પૂર્વ તરફના તેજ ગતિએ ઠંડો પવન ફૂંકાતાં લોકો ઠૂંઠવાઈ ગયાં હતાં. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ એક-બે દિવસ વાદળિયું વાતાવરણ રહેશે. વાદળાં વિખેરાતાં વાતાવરણ ખૂલ્લું થતાં લઘુતમ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જાે કે, દક્ષિણના દરિયાકાંઠાના વાવાઝોડાની ખાસ અસર મધ્ય ગુજરાતમાં નહીં વર્તાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
જાે કે, આજે સવારથી સતત બીજા દિવસે વાદળિયા વાતાવરણ વચ્ચે ૧૬ કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતાં દિવસ દરમિયાન ઠંડક અનુભવાઈ હતી. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મહત્તમ તાપમાન ર૦ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૯૩ ટકા, જે સાંજે ૭૬ ટકા અને હવાનું દબાણ ૧૦૧૧.૮ મિલીબાર્સ અને ઉત્તર પૂર્વ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાક ૧૬ કિ.મી. નોંધાઈ હતી.