અમેરિકામાં હોમલેસ લોકોની સમસ્યા વધવાના કારણે હોટેલ અને મોટેલ માલિકોને તડાકો પડી ગયો છે. ઘણી જૂની અને ખખડધજ થઈ ગયેલી હોટેલોમાં લોકોને શેલ્ટર આપવામાં આવે છે અને સરકાર તરફથી સારી કમાણી પણ થાય છે. સ્થાનિક અખબારોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને પબ્લિકના ટેક્સના નાણાં ખોટી રીતે ખર્ચાય છે તેવો આરોપ મૂકવામાં આવ્યો છે.
અમેરિકામાં હોમલેસ અને માઈગ્રન્ટ્સને ક્યાં રાખવા તે એક મોટો પ્રશ્ન છે અને સરકાર પાસે પોતાની વ્યવસ્થા બહુ ઓછી છે. તેથી અમેરિકામાં ગુજરાતી હોટેલ અને મોટેલ માલિકોને આમાં જાેરદાર બિઝનેસ મળી રહ્યો છે. તેઓ માઈગ્રન્ટ્સ અને હોમલેસ લોકોને શેલ્ટર આપવા માટે સરકાર સાથે એગ્રીમેન્ટ કરે છે અને લાખો ડોલરની કમાણી પણ કે છે. તેમને સારામાં સારું ભાડું મળે છે અને રેગ્યુલર આવક થતી રહે છે. ઘણી હોટેલો કે મોટેલો એવા લોકેશન પર છે જ્યાં કોઈ ગેસ્ટ મળતા ન હતા. પરંતુ સરકાર સાથે એગ્રીમેન્ટ કર્યા પછી તગડી કમાણી થઈ રહી છે.
આમાથી ઘણી હોટેલ એવી હોય છે જે બહુ સારી કન્ડિશનમાં નથી હોતી. તેમાં કાર્પેટ ઘસાઈ ગયેલી હોય છે, કેટલાક ફાયર એલાર્મ કામ નથી કરતા. તેમાં બેડમાંથી ચાંચડ કે બીજા જંતુ હોય છે પરંતુ માઈગ્રન્ટ અને હોમલેસ લોકોને શેલ્ટર તરીકે તેમ કામ લાગી જાય છે અને રેગ્યુલર આવક પણ મળે છે. કેટલીક વખત તો મોટા ક્રાઈમ કરીને ભાગતા ફરતા લોકો પણ આવી હોટેલમાંથી મળી આવે છે. અમેરિકન સરકારને અત્યારે લોકોને સાચવવા માટે હોટેલો અને મોટેલના રૂમની એટલી જરૂર છે કે હોમલેસ ફેમિલીને સાચવવા માટે એક નાઈટના ૧૬૫ ડોલર સુધીની ચૂકવણી કરે છે. ભારતીય હોટેલ માલિકો, જેમાં કેટલાક ગુજરાતી પણ છે, તેઓ પોતાની પ્રોપર્ટી માટે કોન્ટ્રાક્ટ કરીને ખાસ્સી કમાણી કરી રહ્યા છે અને તેના માલિકો કરોડો ડોલરના બંગલા બનાવીને રહે છે. ૧૦ વર્ષ અગાઉ તેમણે અહીં કેટલીક પ્રોપર્ટીઓ ખરીદીને મોટું મેન્શનન બનાવ્યું છે જેની વેલ્યૂ ૭૭ લાખ ડોલર આંકવામાં આવે છે. તેમના મેન્શનમાં ૧૨ બાથરૂમ છે તેના પરથી તેની સાઈઝનો અંદાજ આવી શકે છે.
અમેરિકામાં માઈગ્રન્ટની કટોકટી વણસી છે અને હાઈતી, વેનેઝુએલા જેવા દેશોમાંથી રોજના હજારો માઈગ્રન્ટ ઘૂસી રહ્યા છે. આ દેશોમાં હિંસા, લૂંટફાટ ચાલે છે તેથી લોકો પાસે ભાગી જવા સિવાય છૂટકો નથી. તેઓ અમેરિકામાં ઘૂસે ત્યારે રહેવા માટે વ્યવસ્થા કરવી પડે છે અને તેમાં ઈમરજન્સી ફેમિલી હાઉસિંગ માટે વર્ષે એક અબજ ડોલરથી વધારે ખર્ચ થઈ જાય છે. સરકાર પર આ બહુ મોટો બોજ છે પરંતુ હોટેલ માલિકોને મજા પડી ગઈ છે. યુએસમાં હોમલેસ પરિવારો માટે ઈમરજન્સી શેલ્ટર નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે અને તે મોટા ભાગે પ્રાઈવેટ હોટેલો પર આધારિત છે કારણ કે સરકાર પાસે પોતાની કોઈ વ્યવસ્થા નથી. એક હોટેલના માલિકને તો સરકારે એક વર્ષની અંદર ૭૫ લાખ ડોલરનું પેમેન્ટ કર્યું છે. હેલ્થ ઈન્સ્પેક્ટરરો અહીં ચેકિંગ કરવા આવે તો અહીં ઘણી ફરિયાદો જાેવા મળે છે. ઉંદરોની વસતી વધતી જાયય છે. પથારીમાંથી ચાંચડ અને બીજા જીવડાં નીકળે છે. દિવાલોમાં ઉધઈ છે અને પાણીની લાઈનો પણ લિકેજ છે. હવે એવો સવાલ થઈ રહ્યો છે કે સરકારને આ બધો ખર્ચ પોસાય કે નહીં. કારણ કે શેરીઓમાં રહેતા લોકોને પકડી પકડીને આવા શેલ્ટરમાં રાખવામાં આવે છે ત્યારે આટલો ખર્ચ કરાય કે કેમ તેવો સવાલ પેદા થાય છે. એક તરફ એવું કહેવામાં આવે છે કે આ કામમાં કોઈએ નફાખોરી કરવી ન જાેઈએ. બીજી તરફ હોટેલ માલિકોને બખ્ખા છે. અધિકારીઓ કહે છે કે આટલો ખર્ચ તો કરવો જ પડે કારણ કે આપણી પાસે બીજી કોઈ વ્યવસ્થા નથી.
અમેરિકન અધિકારીઓ કહે છે કે અમે શક્ય એટલા ઓછા રેટ પર રૂમ રાખવા પ્રયાસ કરીએ છીએ. પરંતુ માઈગ્રન્ટને સાચવવા માટે રૂમની ડિમાન્ડ ઘણી વધારે છે. મેસેચ્યુસેટ્સમાં મેથ્યુન ખાતે એક પટેલ પરિવાર પાસે હોટેલો છે અને તેણે એક પાર્ટનર સાથે મળીને લિમિટેડ લાયેબિલિટી કંપની સ્થાપી છે. આ પટેલ પરિવારે સરકાર સાથે ૩૫ મિલિયન ડોલરના કોન્ટ્રાક્ટ કર્યા છે જેના ભાગરૂપે તેમની હોટેલમાં હોમલેસ લોકો અને માઈગ્રન્ટ્સને સાચવવામાં આવે છે. ગિરિ હોટેલ મેનેજમેન્ટ નામની કંપનીએ હોટેલ રૂમ અને ફૂડ પૂરા પાડવા માટે ૮૦ મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ કર્યો છે.
હાઈવેથી એકદમ દૂર આવેલી હોટેલોમાં જ્યાં કોઈ ગેસ્ટ આવતા ન હતા તેને જાેરદાર બિઝનેસ મળી રહ્યો છે અને ભારે નફો કરી રહ્યા છે જેમાં ઘણી હોટેલોના માલિક ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ છે. જે હોટેલોને વ્યવસ્થિત મેન્ટેન નથી કરાઈ, પાણીને લગતા પ્રશ્નો છે. ઉધઈ છે, ફર્નિચર સડી ગયું છે ત્યાં માઈગ્રન્ટને રાખવામાં આવે છે અને સરકાર તેના ડોલર આપે છે. તેણે પોતાની મોટેલને કેથોલિક ચેરિટી નામ આપ્યું છે અને અહીં માઈગ્રન્ટ તથા હોમલેસ લોકોને રાખે છે. આવી મોટેલોમાં કેટલાક ઓછી આવક ધરાવતા સાધારણ પરિવારો ભાડે રહેતા હતા પરંતુ સરકારી કોન્ટ્રાક્ટ મળતા જ હોટેલોએ તેમને ત્યાંથી ભગાડી મૂક્યા અને સ્ટેટ કોન્ટ્રાક્ટથી આવનારા લોકોને રાખવાનું શરૂ કર્યું. જે હોટેલોમાં કોઈ કમાણી જ ન હતી તે હવે અચાનક ફાયદાકારક બની ગઈ છે કારણ કે યુએસ ગવર્નમેન્ટ સારું એવું ભાડું આપી રહી છે. જે હોટેલોને તાત્કાલિક અપગ્રેડ કરવાની જરૂર હતી, જેમાં ગેસ્ટ પગ મૂકવા પણ તૈયાર ન હતા તેની પાસે પણ લાખો ડોલરના શેલ્ટર કોન્ટ્રાક્ટ છે. અમેરિકામાં ઘણા લોકો એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલા ઊંચા ભાવે હોટેલો સાથે કોન્ટ્રાક્ટ કરવાની શું જરૂર હતી. સરકાર લોકોના નાણાં વેડફી રહી છે તેવી ફરિયાદો થઈ છે. મેસેચ્યુસેટ્સમાં પટેલની માલિકીની નવ પ્રોપર્ટી છે તેમાંથી ચાર પ્રોપર્ટી કોન્ટ્રાક્ટ પર અપાઈ છે અને તે સરકાર પાસેથી બહુ ઊંચા ભાડા વસુલી રહી છે.