અમેરિકા પોતાનું દેવું સતત વધારતું જાય છે અને ભારત જેવા અર્થતંત્રની કુલ સાઈઝ કરતા પણ અમેરિકાનું દેવું નવ ગણું વધારે છે. એક્સપર્ટ માને છે કે યુએસે તેના પરિણામો ભોગવવા પડશે. અમેરિકા પોતાના દેવાને કન્ટ્રોલમાં નહીં કરે તો યુએસનું દેવું દર ૧૦૦ દિવસે એક ટ્રિલિયન ડોલર જેટલું વધતું જશે.
અમેરિકા ભલે વિશ્વની સૌથી મોટી ઈકોનોમી હોય અને એક દેશ તરીકે સુપરપાવર હોય, પરંતુ ધીમે ધીમે તે દેવાળું ફૂંકવા તરફ આગળ વધી રહ્યું છે. આ વાત કોઈ સામાન્ય માણસે નહીં પણ ઈલોન મસ્કે કરી છે જે ટેસ્લા અને ટિ્વટર જેવી કંપનીઓના માલિક છે. અમેરિકાની ઈકોનોમી માટે તેમનો અભિપ્રાય બહુ સારો નથી. તેના કારણે નિષ્ણાતો પણ વિચારમાં પડી ગયા છે કે મસ્કની વાતમાં કેટલી સચ્ચાઈ છે, અમેરિકા ખરેખર દેવાળું ફૂંકવા તરફ આગળ વધી રહ્યું છે કે કેમ અને જાે આ વાત સાચી હોય તો તેના કારણે કયા કયા છે?
ઈલોન મસ્કનું એવું કહેવું છે કે અમેરિકા દેવામાં ૨૦૪ અબજ ડોલરનો વધારો થયો છે. અને તેથી યુએસ ઈકોનોમી પર સંકટ છે. સ્પેસએક્સના સ્થાપર ઈલોન મસ્કે આવી વાત પહેલી વખત નથી કરી. અગાઉ પણ તેમણે ડેટ અને વ્યાજના દર અંગે ચિંતા વ્યક્ત કરી જ છે. આજે આપણે એવા પાંચ કારણોની ચર્ચા કરીએ જેના કારણે ઈલોન મસ્કની વાત કદાચ સાબિત થઈ શકે છે.
નવા ફિસ્કલ વર્ષના પહેલા જ દિવસે, એટલે કે પહેલી ઓક્ટોબરે અમેરિકાનું ડેટ ૨૦૪ અબજ ડોલર વધીને ૩૫.૭૦ ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. એટલે કે ભારતની ઈકોનોમીની કુલ જે સાઈઝ છે તેના કરતા લગભગ નવ ગણું તો યુએસ પર દેવું ચઢી ગયું છે. પણ બીજી એક વાત તેના કરતા પણ વધારે ચિંતાજનક છે. યુએસ ટ્રેઝરીની કેશ બેલેન્સમાંથી એક જ દિવસમાં ૭૨ અબજ ડોલર ઘટી ગયા છે, તેવો દાવો હેરિટેજ ફાઉન્ડેશનના ઈકોનોમિસ્ટ એન્ટોનીએ કર્યો છે. નાણાકીય દુનિયામાં આગામી દિવસોમાં મોટી ઉથલપાથલ આવવાની શક્યતા છે. સપ્ટેમ્બર મહિનામાં ઈલોન મસ્કે અલ સાલ્વાડોરના પ્રેસિડન્ટ નાઈબ બુકેલે સાથે મિટિંગ કરી હતી અને તેમની પાસે બિટકોઈન અંગે સપોર્ટ માગ્યો હતો. મસ્કે કહ્યું હતું કે બિટકોઈનના કારણે દુનિયા કેટલી બદલાઈ જવાની છે તે વિશે વાત કરી હતી. તેમાં ટેકનોલોજીની ઈમ્પેક્ટ, નાણાકીય ચિંતાએ વગેરે બધું આવરી લેવાયું હતું.
એક્સપર્ટ કહે છે કે હાલમાં અમેરિકાના બંને રાજકીય પક્ષો- રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ અમેરિકાની ડેટ ક્રાઈસિસનો ઉકેલ લાવવામાં સફળ નથી થયા. તેના કારણે અમેરિકન ઈલેક્શન અગાઉ બિટકોઈનના ભાવમાં મોટો વધારો થઈ શકે છે. ક્રિપ્ટો હેજ ફંડ ઢઠ સ્કવેર્ડ કેપિટલના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર સી કે ઝેંગ કહે છે કે ઈલેક્શન પછી બિટકોઈન બહુ મજબૂત બને તેવી શક્યતા છે. તેની અસર યુએસ ઈકોનોમી પર થઈ શકે છે. બેન્ક ઓફ અમેરિકાના એનાલિસ્ટોએ આ વર્ષની શરૂઆતમાં જ ચેતવણી આપી હતી કે અમેરિકા પોતાના દેવાને કન્ટ્રોલમાં નહીં કરે તો યુએસનું દેવું દર ૧૦૦ દિવસે એક ટ્રિલિયન ડોલર જેટલું વધતું જશે અને આ વર્ષના અંત સુધીમાં ૩૬ ટ્ર્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. અમેરિકાએ પોતાના નેશનલ ડેટને નિયંત્રણમાં રાખવા માટે કંઈક કરવું પડશે અને બહુ ઝડપથી પગલાં લેવા પડશે. પાંચમું કારણ બ્લેકરોકના સીઈઓ લેરી ફિન્કે આપ્યું છે.તેમણે કહ્યું છે કે હાલની અમેરિકાની સ્થિતિ એકદમ ચિંતાજનક છે. તેમણે આના માટે ક્રેઝી શબ્દ વાપર્યો છે. કારણ કે યુએસની પોલિસી એવી છે જેમાં દેવું ઘટાડવાના બદલે બજારમાં લિક્વિડિટી સતત વધારવામાં આવે છે અને તેથી દેવું વધતું જાય છે. ગ્લોબલ માર્કેટમાં શક્ય એટલા વધારે નાણાં ઠાલવવામાં આવે છે જે લાંબા સમય સુધી ટકાવી શકાય તેમ નથી. તેથી શેરબજારમાં પણ મોટા પાયે વોલેટિલિટી આવશે તેવું એક્સપર્ટ કહે છે. આ પાંચ કારણોથી અમેરિકા દેવાળું ફૂકશે તેવું માનવામાં આવે છે.