અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓ એકલા ચીન પર બધો આધાર રાખવા માગતી નથી


નવીદિલ્હી,તા.૨૭

અમેરિકાની કંપનીઓ માટે ચીન એક મોટી ફેક્ટરી સમાન છે પરંતુ એકલા ચીન પર બધો આધાર રાખવો યોગ્ય નથી. તેના કારણે ઘણી કંપનીઓ ભારતમાં પોતાનું પ્રોડક્શન શિફ્ટ કરવા વિચારે છે. ટોય્ઝથી લઈને કિચન વેર અને બીજી પ્રોડક્ટ બનાવતી કંપનીઓ ભારતમાં ફેક્ટરી માટે જગ્યા શોધે છે અથવા ભારતીય કંપનીઓને ઓર્ડર આપતી હોય છે.

ચીનને અત્યારે દુનિયાની ફેક્ટરી કહેવામાં આવે છે અને હાલમાં આખી દુનિયામાં ચીનનો માલ વેચાય છે. જાેકે, તેના કારણે ઘણા દેશોમાં લોકલ ઈન્ડસ્ટ્રીને નુકસાન થઈ રહ્યું છે અને ઘણી વખત ચીનની દાદાગીરીથી પણ કેટલાક દેશો પરેશાન છે. અમેરિકા પણ આવો એક દેશ છે જે ચીનના વિકલ્પની શોધમાં છે અને તેમાં ભારતને ફાયદો થઈ શકે છે. અમેરિકાની ઘણી જાણીતી બ્રાન્ડ્‌સના ચીન સાથેના સંબંધો બગડે તેવી શક્યતા છે અને તેના કારણે મેન્યુફેક્ચરિંગના ઓર્ડર ભારતીય કંપનીઓને મળી શકે છે.

અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓ એકલા ચીન પર બધો આધાર રાખવા માગતી નથી તેથી તે નવા વિકલ્પોની શોધમાં છે. કેટલીક કંપનીઓએ પોતાનું ઉત્પાદન ભારતમાં શિફ્ટ કર્યું છે. ઉદાહરણ તરીકે અમેરિકાની એક જાણીતી રમકડાં બનાવતી કંપની મેલિસા એન્ડ ડગે ચીનમાં મોટું રોકાણ કરીને ફેક્ટરીઓ નાખી હતી. ચીનમાં તે વૂડન પઝલ, સ્ટફ્ડ એનિમલ, ઢીંગલા, પ્લે મેટ વગેરેનું ઉત્પાદન કરતી હતી, પરંતુ અચાનક કોવિડ આવ્યો અને બધું બદલાઈ ગયું. લોકડાઉનના કારણે ચીનની ફેક્ટરીમાં કામ ઠપ થઈ ગયું. આ દરમિયાન ચીન અને અમેરિકા વચ્ચે પણ તણાવ વધતો ગયો અને અમેરિકાએ ચીનથી આયાત થતા માલ પર આકરો ટેક્સ નાખવાનું શરૂ કરી દીધું.

મેલિસા એન્ડ ડગ કંપનીએ પણ ચીનમાં બધું કામ કરવાના બદલે બીજા દેશમાં ઉત્પાદન શિફ્ટ કરવાનું વિચાર્યું. ત્યાર પછી તેના ચીફ સપ્લાય ઓફિસર ગ્રેટર નોઈડા એક ફેક્ટરીમાં આવ્યા જે દિલ્હીથી ૩૦ કિમીના અંતરે આવેલી છે. અમેરિકન કંપનીના એક્ઝિક્યુટિવ્સે જાેયું કે ભારતીય કંપની સનલોર્ડમાં હાઈ ક્વોલિટી વૂડન ટોય્ઝ બની શકે તેમ હતા અને તેનો ભાવ પણ ચીનમાં બનતા રમકડા જેટલો જ છે. ગયા વર્ષે ભારતીય કંપનીને ઓર્ડર અપાયો. શરૂઆતમાં દર મહિને ૧૦ હજાર આઈટમ બનાવવાનો ઓર્ડર અપાયો અને હવે દર મહિને ૨૫,૦૦૦ આઈટમો બની રહી છે.

સન લોર્ડ કંપનીના ડાયરેક્ટર કહે છે કે અમેરિકન કંપની હવે તેનું ૨૦થી ૩૦ ટકા પ્રોડક્શન ભારતમાં શિફ્ટ કરવા વિચારે છે. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં અત્યારે તણાવ છે ત્યારે ભારત એક મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે. જે મલ્ટિનેશનલ કંપનીઓ દાયકાઓથી ચીનમાં ફેક્ટરીઓ ધરાવતી હતી તેઓ ધીમે ધીમે ભારતમાં આવી રહી છે. વિદેશી કંપનીઓ માને છે કે માત્ર એક દેશ પર ફોકસ કરવાના બદલે બીજા ઓપ્શન પણ વિચારવામાં આવે તો આખી ગ્લોબલ સપ્લાય ચેઈન સોલિડ બનશે અને તેમાં તેમને પણ ફાયદો છે. એશિયામાં જે દેશો ગરીબીમાંથી બહાર આવ્યા તે બધા દેશો મેન્યુફેક્ચરિંગના કારણે જ પૈસાદાર બન્યા છે. પછી તે જાપાન હોય, કોરિયા હોય, ચીન હોય કે પછી થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને વિયેતનામ હોય.

ભારત ૧૪૦ કરોડથી વધુ વસતી ધરાવતો દેશ છે અને તેમાંથી ૧૦૦ કરોડ લોકો કામ કરી શકે તેવી ઉંમરના છે. છતાં ભારતમાં કુલ રોજગારની સંખ્યા માત્ર ૪૩ કરોડ છે. આ ૪૩ કરોડમાંથી પણ સંગઠીત સેક્ટરમાં કામ કરતા હોય તેવા લોકો ઓછા છે. મોટા ભાગના લોકો ખેતરોમાં અથવા કારખાનામાં મજૂરી કરે છે અને તેમની આવકમાં કોઈ ગેરંટી નથી. તેઓ ગમે ત્યારે બેરોજગાર થઈ શકે છે, તેમની પાસે કોઈ બચત પણ નથી.

ભારત જાે એક્સપોર્ટ સેન્ટ્રીક દેશ બને તો વધુ લોકોને રોજગારી આપી શકાય અને નવી જાેબ પેદા થઈ શકશે. ખાસ કરીને મહિલાઓ મોટા ભાગે લેબર માર્કેટમાંથી બહાર જ છે. તેમને પણ જાેબ આપવામાં આવે તો પરિવારો સમૃદ્ધ બની શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયાનું સૂત્ર આપીને ભારતને મેન્યુફેક્ચરિંગમાં આગળ લઈ જવાની વાત કરી છે પરંતુ હજુ સુધી કોઈ મોટો ફેરફાર જાેવા નથી મળતો. ભારતની ઈકોનોમીમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો ૧૩ ટકા કરતા પણ ઓછો છે અને છેલ્લા ૧૦ વર્ષમાં તે ઘટ્યો છે.

ભારતે છેલ્લા ૧૦ વર્ષમાં વિશાળ પોર્ટ, હાઈવે અને એરપોર્ટ બનાવ્યા છે છતાં બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે હજુ ઘણું કરવાનું બાકી છે. ભારતમાં રો મટિરિયલ અને સ્કીલ્ડ લેબરની અછત નથી પરંતુ બ્યૂરોક્રેસી હજુ પણ મોટો અવરોધ છે.

હવે આ બધું બદલાય તેવા સંકેત છે. અમેરિકાની કંપનીઓ પોતાના કિચનવેરનું ઉત્પાદન ચીનમાં કરાવે છે અને હવે ભારતમાં શિફ્ટ થવાનું વિચારે છે. અમુક પ્રમાણમાં કિચનવેરના ઓર્ડર ભારતને મળવા લાગે તો પણ તે બહુ મોટો ફેરફાર હશે. ચીનથી માત્ર પાંચ ટકા બિઝનેસ ભારતમાં શિફ્ટ થઈ જાય તો પણ મોટી વાત હશે. અમેરિકન કંપનીઓ ચીનના બદલે ભારત પર ફોકસ કરે તેવું તાત્કાલિક નહીં બને. પરંતુ હવે ઘણી અમેરિકન કંપનીઓ કહી રહી છે કે તેઓ બીજા દેશોમાં જવાનો વિચાર કરે છે. લગભગ ૪૦ ટકા અમેરિકન કંપનીઓ ભારતમાં પોતાનું પ્રોડક્શન શિફ્ટ કરવા વિચારે છે.

આમ તો અમેરિકાના પડોશમાં મેક્સિકો પણ આવું કામ કરી શકે છે. ત્યાં પણ અમેરિકા પોતાની ફેક્ટરીઓ શિફ્ટ કરી શકે. પરંતુ ચીનની તુલનામાં આ દેશોની ઉત્પાદનની ક્ષમતા બહુ ઓછી છે. તેથી મહત્ત્વની પ્રોડક્ટ્‌સ માટે અમેરિકાએ ચીન પર જ આધાર રાખવો પડે તેમ છે. અને હવે ભારતનો વારો છે. વોલમાર્ટનું જ ઉદાહરણ લો. વોલમાર્ટ ભારતમાં તેના સપ્લાયરની સંખ્યામાં મોટો વધારે કરી રહી છે અને ૨૦૨૭ સુધીમાં ભારતમાંથી ૧૦ અબજ ડોલરનો માલ ખરીદવાનો તેનો પ્લાન છે. ૨૦૨૦માં વોલમાર્ટ ભારતમાંથી માત્ર ત્રણ અબજ ડોલરની ખરીદી કરતી હતી.

તેના કારણે ચિત્ર બદલાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશ એક સમયે ગ્રામીણ ગરીબી માટે ચર્ચામાં રહેતું રાજ્ય હતું પરંતુ હવે ત્યાં પણ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશનમાં તેજી આવી છે. તેના કારણે અમેરિકા અને યુરોપની કંપનીઓ પોતાની ફેક્ટરી માટે સાઈટ્‌સ શોધી રહી છે. ઉદાહરણ તરીકે યુપીના મોરાદાબાદમાં ઘણા કારખાનામાં અત્યારે અમેરિકા એક્સપોર્ટ કરવા માટે માલ બની રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution