એએમસીના કોર્પોરેટરો અને અધિકારીઓના શ્રીનગર પ્રવાસ પાછળ રૂ. ૨ કરોડનું આંધણ થશે

ગાંધીનગર અમદાવાદ મહાપાલિકાના સત્તાધીશ તેમજ વિપક્ષ સહિતના તમામ ૧૯૨ કોર્પોરેટરો તેમજ ૩૩ અધિકારી સહિત ૨૨૫ જણાનો કાફલો શહેરીજનોના ટેક્સના પૈસે એક સપ્તાહ શ્રીનગર ફરવા જશે. અમદાવાદ મહાપાલિકા નાગરિકો પાસેથી પાણીવેરા, મિલકત વેરા, શિક્ષણ વેરા, વ્યવસાય વેરો જેવા વિવિધ નામો હેઠળ ટેક્સની વસૂલાત કરવામાં આવે છે. ત્યારે નાગરિકોના આ ટેક્સના પૈસાથી અમદાવાદ મહાપાલિકા મેયર, ડેપ્યુટી, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા, વિવિધ સમિતિઓના ચેરમેન અને સમિતિઓના સભ્યો, વિપક્ષના નેતા અને નગરસેવકોના શ્રીનગરના એક સપ્તાહના પ્રવાસનું આયોજન કરાયું છે. મહાપાલિકા તમામ ૧૯૨ નગરસેવકો તેમજ ૩૩ જેટલા અધિકારી અને કર્મચારીઓ મળીને કુલ ૨૨૫ જણાનો કાફલો શ્રીનગરના રોડ રસ્તા, ગટર વ્યવસ્થાના અભ્યાસ કરવા માટે જશે તેવી માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું. એટલું જ નહિ, તેમણે જણાવ્યું હતું કે, એએમસીના પદાધિકારીઓ, નગરસેવકો તેમજ અધિકારીઓ અને કર્મચારીઓના ૨૨૫ જણા શ્રીનગર ખાતે ૬ દિવસ અને ૫ રાત્રિ રોકાણ કરશે. આ માટે મહાપાલિકા દ્વારા કુલ રૂ. બે કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીનગરમાં વર્ષના ૧૨ મહિનામાંથી પાંચથી છ મહિના બરફ છવાયેલો રહે છે. તેમાં પણ હાલમાં શ્રીનગરમાં ઠંડીની સિઝનના કારણે બરફ છવાયેલો રહેશે ત્યારે તો અમદાવાદ મહાપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, વિવિધ સમિતિઓના ચેરમેન, સમિતિઓના સભ્યો તેમજ સત્તા પક્ષ અને વિપક્ષના નગરસેવકો શ્રીનગરના રોડ રસ્તા અને ગટર વ્યવસ્થાનું કેવી રીતે નિરીક્ષણ કરશે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution