અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો રદ્દ: જાણો, મંદિર ક્યારથી ક્યાં સુધી બંધ રહેશે?

અમદાવાદ-

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આ વખતે પહેલીવાર ભાદરવી પૂનમનો મેળો ભરાશે નહીં. આ પૂનમ નિમિત્તે દરવર્ષે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં આવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણનો સમય હોવાથી યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટે મેળો નહીં ભરવાનું નક્કી કર્યું છે. મંદિરની 300 વર્ષ જૂની પરંપરા તૂટી છે.

જો કે દેવસ્થાન ટ્રસ્ટે કહ્યું છે કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી 1400થી વધુ સંઘો ધજા લઇને અંબાજી આવતા હોય છે પરંતુ આ વખતે સંઘના સભ્યો નહીં આવી શકે પરંતુ મંદિરમાં ધજા ચઢાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સંઘના આગેવાનો પાસેથી ધજા મંગાવી લેવામાં આવશે. ભાદરવી પૂનમનો મેળો 27મી ઓગષ્ટે યોજાવાનો હતો જેના માટે અત્યારે તો લાખો પદયાત્રીઓ ચાલીને અંબાજીના માર્ગે જતા હોય છે પરંતુ આ વખતે આયોજન નહીં હોવાથી શ્રદ્ધાળુઓ અંબાજીમાં આવશે નહીં. 

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે 24મી ઓગષ્ટ થી 4થી સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર બંધ કરી દેવામાં આવનાર છે તેથી કોઇપણ શ્રદ્ધાળુઓને દર્શનનો લાભ મળી શકશે નહીં. માત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા ઓછા લોકોથી પ્રતિદિન આરતી અને થાળ જેવી વિધિ કરવામાં આવશે.રાજ્ય અને ભારતભરના શ્રદ્ધાળુઓ ઘેરબેઠાં માતાજીના દર્શન કરી શકે તે માટે આરતી અને વિધિનું જીવંત પ્રસારણ સોશ્યલ મિડીયાના માધ્યમથી કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution