અંબાજી,તા.૧૪
અંબાજી પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓ દ્વારા સગર્ભાને સારવાર અર્થે લઈ જઇ રહેલ ગાડીને રોકાવી માસ્ક કેમ નથી પહેર્યું તે બાબતે પૂછપરછ કરી કાર્યવાહી કરવા ગાડીને રોકી સમય વેડફતા સગર્ભા મહિલાને સમયસર સારવાર ન મળતાં નવજાત બાળકીનું મોત થતાં પરિવારજનોએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો.બાળકીના મૃતદેહને પોલીસ મથકના ટેબલ પર મૂકી ન્યાય ન મળે ત્યાં સુધી ન હટાવવા પરિવાર જીદે ચડતા દોડધામ મચી હતી.આ ઘટનાને લઈ સગર્ભાના દિયરે જણાવ્યું હતું કે તેમના ભાભીને પ્રસૂતિની પીડા ઉપડતાં તેઓ ગાડીમાં હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા. દરમિયાન પાલનપુર લઇ જવા માટે જણાવાતાં પાલનપુર જવા માટે નીકળ્યા હતા.દરમિયાન અંબાજી ડી.કે.સર્કલ નજીક બે પોલીસ કર્મીઓ દ્વારા ગાડીને રોકાવી માસ્ક ન હોવાથી ગાડીને રોકી હતી.પોલીસ મથકના બે પોલીસ કર્મીઓ દ્વારા સગર્ભાની ગાડીને રોકી સમયનો વેડફાટ કરાતા મહિલા સમયસર ડિલિવરી માટે ન પહોંચી શકતા નવજાત બાળકનું મૃત્યુ થયું હોવાનુ સગર્ભાના દિયર મોતીજી રબારીએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોએ મૃતક નવજાત બાળકના મૃતદેહને અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લાવી જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાની પણ ના પાડી હતી. મહિલા પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.આ મહિલાને કંઈ પણ થશે તો તેની જવાબદારી બે પોલીસ કર્મચારીઓની રહેશે તેમ મૃતક બાળકીના કાકા વીરાજી રબારીએ જણાવ્યું હતું.બનાસકાંઠા એસપી તરૂણ દુગ્ગલે જણાવ્યું કે ફરીયાદની તપાસ ડીવાયએસપીને આપવામાં આવી છે.